નિકોલ કિડમેન સાથે સ્ક્રીન શેર કરશે
દરેક અભિનેતા અને અભિનેત્રીઓનું હોલિવૂડમાં કામ કરવાનું અને નામ કમાવાનું સપનું હોય છે. જોકે, એ માટે તેમણે ઘણા પ્રયાસો કરવા પડતા હોય છે, પણ એ બાબતમાં બોલિવૂડ અભિનેતા શાહિદ કપૂરનો ભાઇ ઇશાન ખટ્ટર ઘણો લકી સાબિત થયો છે. નાની ઉંમરમાં જ તેને હોલિવૂડ પ્રોજેક્ટ મળી ગયો છે. ‘ફોન ભૂત’ એક્ટર ઈશાન ખટ્ટરે ભલે બોલિવૂડમાં હજુ વધારે કામ ન કર્યું હોય, પરંતુ તેની એક્ટિંગની પ્રશંસા કરવામાં આવે છે. હવે ઈશાન હોલીવૂડમાં ડેબ્યુ કરવા જઈ રહ્યો છે. તેને નિકોલ કિડમેન અને લિવ શ્રેબર સાથે પ્રોજેક્ટ ‘ધ પરફેક્ટ કપલ’માં કાસ્ટ કરવામાં આવ્યો છે. આ ખરેખર મોટા સમાચાર છે અને અભિનેતાએ તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ પર તેની જાહેરાત પણ કરી છે.
ઈશાન ખટ્ટર છેલ્લા કેટલાક સમયથી મેકર્સ સાથે ચર્ચામાં હતો. છેલ્લે, ગયા મહિને તેને હોલિવૂડ સીરિઝની ઓફર કરવામાં આવી હતી. આ શ્રેણી એલિન હિલ્ડર બ્રાન્ડની નવલકથા ‘ધ પરફેક્ટ કપલ’નું રૂપાંતરણ છે. ઈશાન ખટ્ટરે પણ પોતાની ખુશી સોશિયલ મીડિયા પર શેર કરી છે. જે બાદ પરિવાર અને મિત્રો તેને ઉગ્રતાથી અભિનંદન આપી રહ્યા છે. ઈશાનની ભાભી મીરા રાજપૂત સહિત તમામ સેલેબ્સે ઇશાનને તેની આ સિદ્ધિ બદલ અભિનંદન આપ્યા છે, ‘ફોન ભૂત’ના કો-સ્ટાર સિદ્ધાંત ચતુર્વેદીએ પણ તેને અભિનંદન પાઠવ્યા છે.