સાઉથ ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ટોચના કલાકારોની વાત કરીએ તો આ યાદી વિજય થલાપતિના નામ વિના અધૂરી જ ગણાય. ફેન્સ તો આતુરતાપૂર્વક તેની ફિલ્મોની રાહ જોતા હોય છે અને એની ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવે છે. આ જ વિજય થલાપતિને લઈને મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે અને આ સમાચાર અનુસાર વિજય થલાપતિ ભારતનો સૌથી વધુ કમાણી કરનાર એક્ટર બની ચૂક્યો છે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે તે પોતાની એક ફિલ્મ માટે 200 કરોડ રૂપિયા લે છે.
મળી રહેલી માહિતી અનુસાર થલાપતિ વિજયે તેની આગામી ફિલ્મ માટે 200 કરોડ રૂપિયાની ફી વસૂલી છે અને તેણે તેની આગામી ફિલ્મ માટે દક્ષિણ ઉદ્યોગના લોકપ્રિય નિર્દેશક વેંકટ પ્રભુ સાથે હાથ મિલાવ્યા છે. જોકે, હજી સુધી થલપથી વિજયને રૂ. 200 કરોડની ફી આપવામાં આવી હોય એ વાતની પુષ્ટિ થઈ નથી. આ અંગે મેકર્સ કે અભિનેતા બંને તરફથી કોઈ પણ પ્રકારનું સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી.
થલાપતિના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો તે છેલ્લી વખત જાન્યુઆરી 2023માં રિલીઝ થયેલી ફિલ્મ ‘વારિસૂ’માં જોવા મળ્યો હતો અને આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ધૂમ કમાણી કરી હતી. હવે એવું કહેવાઈ રહ્યું છે કે થલપતિ વિજય ડિરેક્ટર લોકેશ કનાગરાજની ફિલ્મ ‘લિયો’માં કામ કરતો જોવા મળશે. આ ઉપરાંત આ ફિલ્મમાં સંજય દત્ત અને ત્રિશા કૃષ્ણન પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.
ફિલ્મ ‘લિયો’ વિશે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે સંજય દત્ત થલાપતિ વિજયના પિતાના રોલમાં જોવા મળશે. આ ફિલ્મને ગેંગસ્ટર થ્રિલર ઝોનની ફિલ્મ કહેવામાં આવી રહી છે. થલપતિ વિજયના ચાહકો તેની ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.