ભવિષ્યમાં કદાચ તમારા વિચારો કોઈ વાંચી રહ્યું હશે!
કવર સ્ટોરી -ગીતા માણેક
માની લો કે તમારો બોસ તમને બહુ પરેશાન કરી રહ્યો છે અને તમે મનમાંને મનમાં તેને ગંદી ગાળો ચોપડાવી રહ્યા છો, પણ શબ્દોથી તેમની પ્રશંસા કરી રહ્યા છો. જો તમે એક પુત્રવધૂ છો અને ધારો કે તમારી સાસુ, નણંદ કે જેઠાણીને અથવા સાસુ હો તો પુત્રવધૂને મનોમન ભાંડી રહ્યા છો પણ તમારા ચહેરા પર સરસ મજાનું સ્મિત છે. ધારો કે તમારી પત્ની સજીધજીને તમને પૂછે છે કે હું કેવી લાગું છું અને તમે મોં પર તો કહો છો કે સરસ લાગે છે પણ મનોમન વિચારો છો કે અસલ ગામઠી લાગે છે. અત્યારે તો જેના વિશે તમે સારું કે ભૂડું વિચારો છો અથવા મનોમન કોઈ ષડ્યંત્ર રચી રહ્યા છો એની બીજા કોઈને જાણ થતી નથી. પરંતુ બહુ જ ટૂંક સમયમાં શક્ય છે કે તમારા મનના વિચારો કોઈ કિતાબની જેમ વાંચતું હશે કે રેડિયો કાર્યક્રમની જેમ સાંભળી શકતું હશે!
સામાન્ય રીતે આપણે જે કંઈ વિચારતા હોઈએ છીએ એ બધું કંઈ બીજાને કહેતા નથી અને સામેવાળી વ્યક્તિ આપણા વિચારોને જાણી નથી શકતી એ પ્રકૃતિએ આપણા પર કરેલી કૃપા છે, પણ આર્ટિફિશિયલ ઇન્ટલિજન્સ આપણી કલ્પનાથી પણ વધુ ઝડપે ગતિ કરી રહ્યું છે. આ આધુનિક ટેક્નોલોજી આપણા મન સુધી, આપણા વિચારો સુધી પહોંચી ચૂકી છે.
અમેરિકાના ઓસ્ટિન શહેરની યુનિવર્સિટી ઑફ ટેક્સાસના વૈજ્ઞાનિકોએ એક એવું એઆઈ (આર્ટિફિશઇયલ ઇન્ટલિજન્સ)નું મોડેલ વિકસાવ્યું છે જે વ્યક્તિના વિચારો વાંચી શકશે! આના માટે કંઈ ડોક્ટરોએ વ્યક્તિનું મગજ ખોલીને એમાં કોઈ સાધન મૂકવું નહીં પડે એટલે કે કોઈ પણ પ્રકારની ચીરફાડ કર્યા વિના અને શરીરમાં કોઈ પણ સાધન બેસાડ્યા વિના જેને સિમૈન્ટિક ડીકોડર કહે છે એનાથી મગજની ગતિવિધિઓને ટેક્સટ એટલે કે લેખિત સ્વરૂપ મેળવી શકાશે એવો રિપોર્ટ નેચર ન્યુરોસાયન્સના જરનલમાં પ્રસિદ્ધ થયો છે.
દરેક વૈજ્ઞાનિક શોધ પાછળનો આશય તો સારો જ હોય છે એ રીતે આ ખોજ પાછળ પણ વૈજ્ઞાનિકોનો હેતુ પેરલિસિસ થયો હોય કે કોઈ પ્રકારની પંગુતા હોય જેને કારણે વ્યક્તિ બોલી ન શકતી હોય તેમના વિચારોને લેખિત રીતે મેળવીને તે શું કહેવા માગે છે એ સમજી શકાય એવો છે. સરળ ભાષામાં કહેવું હોય તો જે રીતે આપણે મોબાઈલમાં બોલીએ અને મેસેજ ટાઇપ થઈ જાય છે એ રીતે મગજના તરંગો પણ ટાઇપ થવા માંડશે જેથી બોલવા માટે સક્ષમ ન હોય એવી વ્યક્તિના મનના વિચારોને વાંચી શકાય. ન્યુરોસાયન્સ અથવા મેડિકલ સાયન્સના જગતમાં આ પ્રકારની આ પ્રથમ શોધ છે.
એઆઈનું આ મોડલ કેવી રીતે કામ કરે છે એ સરળ ભાષામાં સમજવાનો પ્રયાસ કરીએ તો આમાં એમઆરઆઈ એટલે કે મેગ્નેટિક રેઝોનેન્સ ઇમેજિંગ જે એક એવું મશીન હોય છે જે ચુંબકીય ક્ષેત્રની સહાયતાથી વ્યક્તિના શરીરના આંતરિક ભાગનું ચિત્ર લઈ લે છે. એમઆરઆઈનો ઉપયોગ તબીબી ક્ષેત્રે ઘણા વર્ષોથી થઈ જ રહ્યો છે અને આપણે એનાથી પરિચિત પણ છીએ. આવા એમઆરઆઈ મશીનમાં એઆઈ મોડેલ ઉમેરીને ત્રણ વ્યક્તિઓને એ એમઆરઆઈ મશીન નીચે મૂકવામાં આવ્યા અને તેમને વાર્તાઓ સંભળાવવામાં આવી. વાર્તા સાંભળતા-સાંભળતા તેમને જે વિચારો આવતા હતા એ એક કમ્પ્યુટર પર ટાઇપ થઈને લેખિત સ્વરૂપે આવવા માંડ્યા. જોકે અત્યારે એ વિચારો શબ્દશ: લેખિત સ્વરૂપે નથી અવતરતા પણ તે ત્રણ વ્યક્તિઓ જે વિચારતી હતી એના મુખ્ય મુદ્દાઓ લખાઈ જતા હતા.
ટેન્ગ એન્ડ હેથ, અમાન્ડા લેબેલ અને શૈલી જૈનની ટીમે મળીને આ આખો અભ્યાસ કર્યો છે. યુનિવર્સિટી ઑફ ટેક્સાસના આ વૈજ્ઞાનિકોએ વેબસાઈટ પર જે જણાવ્યું છે એ જ શબ્દોમાં કહીએ તો, વાઢકાપ કર્યા વિના અને શરીરમાં કોઈપણ સાધન મૂક્યા વિનાની આ એવી રીત છે જે અત્યારસુધી થયેલી શોધમાં એક હરણફાળ છે. અત્યારે આ મોડેલ દ્વારા મનમાં ચાલતા વિચારોને એક-બે શબ્દો કે પછી નાનકડા વાક્યના રૂપમાં જાણી શકાય છે. હવે અમે એવું મોડેલ બનાવવા પર કામ કરી રહ્યા છે જે મનમાં ચાલતા વિચારોને સતત એકધારા લેખિતરૂપે રજૂ કરી શકે એટલું જ નહીં પણ જટિલ વિચારોને પણ લખીને જણાવી શકે.
આનો અર્થ એ થાય કે દાખલા તરીકે જે ત્રણ વ્યક્તિઓને એમઆરઆઈ મશીન હેઠળ સૂવડાવીને વાર્તા સંભળાવવામાં આવી તે વાર્તા સાંભળતી વખતે શું વિચારે છે અને તેના મગજના પડદા પર કલ્પનાના કેવા દૃશ્યો રચાય છે એ લેખિત સ્વરૂપે જાણી શકાયું હતું. સંશોધકો કહે છે કે આને માટે હજુ આમાં કામ કરીને આ મોડેલને વિકસાવવામાં આવશે. ચેટજીપીટીમાં જે પ્રકારની ટેક્નોલોજી છે એનો આ મોડેલ વિકસાવવામાં ઉપયોગ થયો છે એવું સંશોધકો કહે છે.
જેમણે આ સંશોધન કર્યું અને મોડેલ
વિકસાવ્યું તેમનો આશય કોઈક કારણસર વાચા ગુમાવી બેઠેલા લોકોને મદદરૂપ થવાનો હશે પણ મોબાઈલ ફોનની ટેક્નોલોજી અને એપ્સના ભરપૂર ફાયદાઓ છે પણ કેટલાંક લોકો આ જ ટેક્નોલોજીનો ઉપયોગ કરી સાઇબર ફ્રોડ કરી એનો શિકાર બનેલી વ્યક્તિના બેન્ક અકાઉન્ટમાંથી લાખ્ખો રૂપિયા સફાચટ કરી જાય છે એ જ રીતે એઆઈનું આ નવું મોડલ માનવજાતિ માટે ખતરનાક સાબિત થઈ શકે એમ છે. અત્યારે તો ફક્ત વિચારોને જાણી શકાય એવી ટેકનોલોજી છે પણ ભવિષ્યમાં તે આપણા વિચારોને પ્રભાવિત કરે એ પ્રકારે કામ કરે એવું પણ સંભવ છે.
અહીં ઉલ્લેખનીય છે કે જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ એટલે કે લેખકોની નજર વિજ્ઞાન કરતાં પણ આગળ હોય છે એનો પુરાવો મળી શકે છે. લગભગ કેટલાક વર્ષો પહેલાં આપણા ગુજરાતી લેખક આબિદ સુરતીની એક વાર્તા વાંચી હતી. જેમાં એક માણસને ચોરબજારમાંથી એક ચશ્મા મળી જાય છે જે પહેરવાથી તે સામેની વ્યક્તિ શું વિચારે છે એ રીતસર સાંભળી શકે છે. એ જ રીતે ૨૦૧૫ની સાલમાં મુંબઈ સમાચારમાં જ પ્રસિદ્ધ થયેલી આશુ પટેલ લિખિત પીનકોડ નવલથામાં મગજમાં ચીપ બેસાડી વ્યક્તિના વિચારોને ક્ધટ્રોલ કરી શકાય એવી કલ્પના કરવામાં આવી હતી.
અલબત્ત આપણે ત્યાં યોગના શાસ્ત્રોમાં એવો ઉલ્લેખ છે કે અમુક પ્રકારની સાધના બાદ યોગીને એવી સિદ્ધિ પ્રાપ્ત થઈ શકે છે જ્યાં તે બીજાના મનના વિચારોને સાંભળી શકે છે. પરંતુ આવી સિદ્ધિઓ મહાત્મા સ્તરની વ્યક્તિને જ પ્રાપ્ત થાય છે એટલે એનો દુરપયોગ થવાની સંભાવના નહીંવત્ હોય છે. પરંતુ એઆઈની આ વૈજ્ઞાનિક સિદ્ધિ કોઈ અધમ કક્ષાની વ્યક્તિના હાથમાં પણ આવી શકે છે, એટલું જ નહીં પણ જો તે ટેક્નોલોજી સર્વસામાન્ય લોકો સુધી પહોંચી જાય તો કેવી અંધાધૂંધી સર્જાઈ શકે એની કલ્પના જ ડરામણી છે.
આવો ભય કાલ્પનિક નથી કે ન તો ફક્ત તમારા મારા જેવી વ્યક્તિને લાગી રહ્યો છે. આર્ટિફિશિયલ ઇન્ટલિજન્સના ગોડફાધર ગણાતા ૭૫ વર્ષની વયના જેફ્રી હિન્ટોને પણ આવો જ ભય સતાવવા માંડ્યો છે. એ જ કારણથી તેમણે ગુગલમાંથી રાજીનામું આપ્યું દીધું જેથી તેઓ આર્ટિફિશિયલ ઇન્ટલિજન્સના જોખમો વિશે બેધડક ચેતવણીઓ ઉચ્ચારી શકે. આર્ટિફિશિયલ ઇન્ટલિજન્સ વિકસાવવામાં જેમણે પાયાનું કામ કર્યું છે એવા જેફ્રી હિન્ટોનને હવે આના માટે વસવસો થઈ રહ્યો છે. હવે તેમને પણ એ વાતનો ડર લાગી રહ્યો છે કે આ બધી ટેક્નોલોજી જો ખોટી વ્યક્તિઓના હાથમાં આવી જશે તો માનવજાતિનું ધનોતપનોત નીકળી જશે.
આપણા પુરાણોમાં એવા રાક્ષસોનો ઉલ્લેખ આવે છે જેમની પાસે અમાપ શક્તિ અને આયુધો હતા. આધુનિક સમયમાં આપણે જ રાક્ષસવૃતિ ધરાવતા લોકોના હાથમાં આર્ટિફિશિયલ ઇન્ટલિજન્સ નામની શક્તિ અને આયુધો આપવા જઈ રહ્યા છીએ એ વાત વિચારશીલ લોકોને ધ્રુજાવી રહી છે.