મંદિર વિશ્ર્વ -રાજેશ યાજ્ઞિક
મહાશિવરાત્રી સનાતન ધર્મના વિશિષ્ટ ધાર્મિક ઉત્સવોમાંથી એક છે. શિવરાત્રી તો દર મહિને આવે જ છે. પણ મહાશિવરાત્રી વર્ષમાં એક જ વાર આવે છે. ભારતમાં શિવની જીવંત ઊર્જાના કેન્દ્રો સમા જ્યોતિર્લિંગો વિશે તો કોણ ન જાણતું હોય? પણ ભારતની બહાર પણ શિવ મંદિરો વિશ્ર્વભરમાં જોવા મળે છે. તેમાંથી કેટલાક તો પૌરાણિક છે. મહાશિવરાત્રીના પાવન પર્વ પર ચાલો, તેમના વિશે જાણીએ.
કટાસરાજ મંદિર – પાકિસ્તાન
એક સમયે ભારતની ધરતી ઉપર ગણાતા આ મંદિરને હવે તો ‘ભારતની બહાર’ જ કહેવું પડે! આ મંદિર હવે પાકિસ્તાનના ચકવાલ જિલ્લામાં નીમકોટ પર્વતશૃંખલામાં સ્થિત છે. આ મંદિર મહાભારત કાળનું ગણાય છે. તેની આસપાસના વિસ્તારમાં આપણે વ્રતો અને ઉપવાસોમાં વાપરીએ છીએ તે સિંધાલુણ ની ખાણો છે.
અહીં સાત કે તેનાથી વધુ મંદિરો છે જેને સતગ્રહ તરીકે ઓળખાય છે. પૌરાણિક કથાઓ અનુસાર દક્ષ યજ્ઞમાં જયારે સતીએ પોતાની આહુતિ આપી દીધી ત્યારે ભગવાન શિવના આંખમાંથી આંસુના બે ટીપાં પૃથ્વી ઉપર પડ્યાં, એક અહીં, એટલેકે કટાસરાજ અને બીજું પુષ્કરમાં. બંને સ્થળોએ તળાવનું નિર્માણ થયું. કટાસરાજ આ તળાવની ચારેકોર મંદિરોનો સમૂહ છે. કિંવદંતીઓ અનુસાર રાજા દક્ષ વડે કટાક્ષભર્યા શબ્દો દ્વારા ભગવાન શિવનું અપમાન કરાવાને કારણે આ સ્થળનું નામ કટાક્ષના અપભ્રંશ ઉપરથી કટાસ પડ્યું છે. અન્ય એક માન્યતા અનુસાર પોતાના વનવાસ દરમ્યાન પાંડવોએ આ સ્થાન ઉપર પણ થોડો સમય વ્યતીત કર્યો હતો. આ સ્થળે યક્ષ દ્વારા પાંડવોને પ્રશ્ર્નો પૂછવામાં આવ્યા હતાં અને યોગ્ય ઉત્તર ન મળતાં તેમને મૂર્છિત કરી દીધાં હતાં અને આખરે યુધિષ્ઠિરના જ્ઞાનસભર ઉત્તરો પછી સહુને નવજીવન મળ્યું. અહીંના મંદિરોની સ્થાપત્ય કળા કાશ્મીરી શૈલીની છે. ચોથી શતાબ્દીમાં ભારતની યાત્રાએ આવેલા ફાહિયાને પણ પોતાના
પ્રવાસ વર્ણનમાં આ સ્થળનો ઉલ્લેખ કર્યો છે.
પ્રમ્બનન મંદિર – ઇન્ડોનેશિયા
દક્ષિણ એશિયાઈ દેશોમાં હિન્દુ સંસ્કૃતિનો ઊંડો પ્રભાવ છે તે આપણે સહુ જાણીએ જ છીએ. દક્ષિણ એશિયામાં ઠેરઠેર તેના પ્રમાણો મળે છે. આવું જ એક સ્થળ છે પ્રમ્બનન મંદિર. ઇન્ડોનેશિયાના જાવા પાસેના યોગ્યકર્તા શહેરથી લગભગ ૧૭ કિલોમીટર દૂર સ્થિત છે. તેને મંદિર કહેવા કરતાં મંદિર સમૂહ કહેવું યોગ્ય કહેવાશે, કેમકે પરિસરમાં નાનામોટા મળીને ૨૪૦ મંદિરો છે.
પ્રમ્બનન નામ પરબ્રહ્મનના અપભ્રંશથી ઉતરી આવ્યાનું મનાય છે. સ્થાનિક ભાષામાં તેને રોરો જોંગ્ગરંગ મંદિર તરીકે પણ ઓળખાય છે. ૨૪૦ મંદિરોમાંથી મોટાભાગના કાળની થપાટોમાં નષ્ટ થઇ ગયા છે. પણ ત્રિદેવને સમર્પિત ત્રણ મુખ્ય મંદિરો જિર્ણોદ્ધાર પછી જીવંત છે. તેમાં શિવ મંદિર મુખ્ય છે. ૧૫૪ ફૂટ ઊંચું મુખ્ય શિવ મંદિર નવમી શતાબ્દીમાં મહારાજા પિકાટન દ્વારા નિર્મિત થયું હતું. ઇંન્ડોનેશિયામાં ઇસ્લામિક આક્રમણખોરો દ્વારા હિન્દુ અને બૌદ્ધ મંદિરોના લૂંટફાટ અને વિધ્વંસમાં આ પરિસરમાં ભારે ક્ષતિ પહોંચી. પરંતુ આજે પણ ભૂતકાળની ભવ્યતાનો અણસાર આપતું આ શિવ મંદિર શિવભક્તો એ જોવા જેવું ખરું જ.
મુન્નેશ્ર્વરમ મંદિર – શ્રીલંકા
લંકા એટલે રાવણની નગરી. રાવણ કેટલો મોટો શિવભક્ત હતો તે તો આપણે સહુ જાણીએ જ છીએ. એટલે શ્રીલંકામાં શિવ મંદિર ન હોય, તેવું કેમ બને? કોઈપણ મહત્ત્વપૂર્ણ કાર્યનો આરંભ અને અંત ઇષ્ટદેવની પૂજા કરીને જ કરવાની આપણી પ્રાચીન પરંપરા મુજબ, શ્રી રામે પણ રાવણ સાથે નિર્ણયાત્મક યુદ્ધ પહેલા રામેશ્ર્વરની સ્થાપના કરી પોતાના ઇષ્ટદેવ શિવની આરાધના કરી, તો રાવણ વધ પછી શ્રીલંકાના આ મંદિરમાં પોતાના ઇષ્ટદેવ મહાદેવનું પૂજન અર્ચન કર્યાની કથા મળે છે.
આ મંદિર પુટ્ટલમ જિલ્લાના મુન્નેશ્ર્વરમાં સ્થિત છે. આ મંદિર પરિસરમાં પાંચ મંદિરો હોવાથી તેને પંચેશ્ર્વર પણ કહેવાય છે. પણ તેમાં મુખ્ય મંદિર ભગવાન ભોલેનાથનું છે. મૂળ આ મંદિર ખૂબ નાનું હતું, પણ દસમી શતાબ્દીમાં તેનો વિકાસ કરવામાં આવ્યો અને તે હિન્દુઓના શ્રદ્ધાસ્થાન તરીકે પ્રચલિત થયું. હવે આ મંદિરની કારીગરી અને ભવ્યતા જોવા લાયક છે.
સાગર શિવ મંદિર – મોરેશિયસ
ભારતીયોને મોરિશિયસના પ્રકૃતિ સૌંદર્ય વિશે ભાગ્યેજ જણાવવાની જરૂર હોય. કોઈ મોરેશિયસ જાય એટલે ફરવા જ, તીર્થયાત્રાએ તો ન જ જતો હોય!! પણ મોરેશિયસમાં એક એવું સુંદર મહાદેવનું મંદિર છે જે તમારા પ્રવાસનો એક મુકામ જરૂર બનવું જોઈએ, એ છે સાગર શિવ મંદિર. મંદિરની તસવીર જોઈને તમે સમજી જશો કે મંદિરનું નામકરણ કેવી રીતે થયું હશે. આ મંદિર પૌરાણિક નથી, આધુનિક છે. પણ વિદેશોમાં બનેલા આધુનિક સમયના હિન્દુ મંદિરોમાં આકર્ષક મંદિર તરીકે અવશ્ય ગણી શકાય તેવું ખરું.
સાગર શિવ મંદિર મોરેશિયસના પૂર્વ ભાગમાં ગોયાવે ડી ચાઈન, પોસ્ટે ડી ફ્લાક, મોરેશિયસના ટાપુ પર સ્થિત છે. મંદિરનું નિર્માણ ૨૦૦૭માં ઘુનોવા પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું, જેમણે તેના વિકાસમાં લાખો રૂપિયાનું દાન આપ્યું હતું. તે સમુદ્ર તટે મેન્ગ્રોવ્સથી ઘેરાયેલું છે અને સ્થળને રમણીય અને શાંત બનાવે છે. આ મંદિરમાં ભગવાન શિવની ૧૦૮ ફૂટ ઊંચી કાંસાની પ્રતિમા સ્થાપિત છે.
શ્રી રાજા કાલિયમ્મન મંદિર – મલેશિયા
મંદિરનું પૂરું નામ અરુલ્મિગુ શ્રી રાજા કાલિયમ્મન મંદિર છે. આ મંદિર મલેશિયાના જોહોર બારુમાં સ્થિત છે. ઐતિહાસિક રીતે વિદેશમાં હિન્દૂ ધર્મ કેટલો વ્યાપક રહ્યો છે તેનો પુરાવો આ મંદિર છે તેમ કહેવામાં અતિશયોક્તિ નહીં હોય, કારણકે આ મંદિરને ૧૦૦ વર્ષ પૂર્ણ થયા છે. જી હા, આ મંદિર વર્ષ ૧૯૨૨માં નિર્મિત થયેલું છે. જે જમીન પર મંદિર ઊભું છે તે જોહોરના સુલતાન દ્વારા ભારતીયોને વસિયતમાં આપવામાં આવ્યું હતું. શરૂઆતમાં તે માત્ર ઝૂંપડી જેવું જ હતું પરંતુ સમય વીતતાં તે ભવ્ય મંદિર બન્યું છે.
આ મંદિરમાં અંદરના ભાગમાં અત્યંત સર્જનાત્મક, જટિલ અને સુઘડ કાચનું કામ કરાયેલું હોવાથી તેને કાચના મંદિર તરીકે પણ ઓળખાય છે. તે ઉપરાંત ગર્ભગૃહની વાત કરીએ તો, તેની દીવાલો ઉપર ૩,૦૦,૦૦૦ રુદ્રાક્ષ જડવામાં આવ્યા છે! દેશના પહેલા અને એક માત્ર કાચના મંદિર તરીકે તેને મલેશિયન બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન મળ્યું છે.
મુક્તિ ગુપ્તેશ્ર્વર મંદિર – ઓસ્ટ્રેલિયા
ઓસ્ટ્રેલિયાના સિડનીના પરાં મિન્ટોમાં આવેલું આ મંદિર ઐતિહાસિક છે. આપણે બાર જ્યોતિર્લિંગ વિશે તો જાણીએ જ છીએ. તમને જાણીને આશ્ર્ચર્ય થશે કે મુક્તિ ગુપ્તેશ્ર્વર મંદિર તેરમું જ્યોતિર્લિંગ ગણાય છે. સૌથી પહેલા જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ તમે ગયા હો તો ત્યાં એક દિશાસૂચક છે. કહેવાય છે કે એ દિશા સૂચક સીધું ઓસ્ટ્રેલિયાના મુક્તિ ગુપ્તેશ્ર્વર મંદિરની દિશા ઈંગિત કરે છે.
આ શિવલિંગ નેપાળના મહારાજા પાસે હતું. શાસ્ત્રો અનુસાર, આ લિંગનું સ્થાન નાગના મુખ ગણાતા દક્ષિણ ગોળાર્ધમાં હોવું જોઈએ તેથી તેને ૧૯૯૯માં નેપાળના તત્કાલિન રાજા – સ્વર્ગસ્થ બિરેન્દ્ર બીર બિક્રમ શાહ દેવ દ્વારા ઓસ્ટ્રેલિયાને ભેટમાં આપવામાં આવ્યું હતું. આ સાથે મહાદેવની સ્તુતિ કરતાં ૭૯૯૬ સ્ત્રોત્રો ભેટમાં આપવામાં આવ્યા હતા જે આઠ ભાગમાં ગોઠવાયેલા છે. માનવનિર્મિત ગુફાની અંદર તેની સ્થાપના કરવામાં આવી છે. મુખ્ય શિવલિંગ સાથે મંદિરમાં અન્ય ૧૨ જ્યોતિર્લિંગની પ્રતિકૃતિઓ પણ છે. કુલ મળીને, મંદિર સંકુલમાં ૧૧૨૮ નાના મંદિરો છે જે તમામ ભગવાન શિવ સાથે સંબંધિત છે.
ગર્ભગૃહમાં ૧૦ મીટર ઊંડા પાત્રમાં ભક્તો તરફથી બે કરોડ હસ્તલિખિત ‘ઓમ નમ: શિવાય’ના પત્રો છે. તે સાથે વિશ્ર્વની ૮૧ પ્રમુખ નદીઓનું જળ, ૫ સમુદ્રનું જળ તથા અષ્ટધાતુ પણ સ્થાપિત કરાયા છે.
શિવ હિન્દુ મંદિર – નેધરલેન્ડ
નેધરલેન્ડમાં એમ્સ્ટરડેમના ઝુઇડૂસ્ટ ખાતે આવેલું આ મંદિર નેધરલેન્ડના હિંદુઓનું આસ્થા સ્થાન છે. આ એક નવીનતમ મંદિર છે, જેના દ્વાર ભક્તો માટે ૪ જૂન, ૨૦૧૧ ના ખુલ્યા છે. ૪૦૦૦ ચોરસમીટરમાં ફેલાયેલા આ મંદિરમાં પંચમુખી શિવલિંગના રૂપમાં મહાદેવ બિરાજે છે. સાથે આ મંદિરમાં ભગવાન ગણેશ, દેવી દુર્ગા, હનુમાનજીની પ્રતિમાઓ છે. અહીં દર રવિવારે શ્રદ્ધાળુઓ માટે ભંડારો આયોજિત થાય છે. અહીં સ્થાપિત ગંગા અવતરણની કથા દર્શાવતી શિવ પ્રતિમા વિદેશીઓ માટે પણ આકર્ષણનું કેન્દ્ર છે.
મધ્ય કૈલાશ મંદિર – દક્ષિણ આફ્રિકા
દક્ષિણ આફ્રિકાના મીડરેન્ડમાં આવેલું મધ્ય કૈલાશ મંદિર કોઈ બહુ મોટું કહેવાય તેવું મંદિર પરિસર નથી. મંદિર બહુ જૂનું પણ નથી. આપણા દક્ષિણ ભારતીય શૈલીના મંદિરો જેવું જ આ મંદિર દક્ષિણ આફ્રિકાના શિવ ભક્તો માટે શ્રદ્ધા સ્થાન છે. આ સ્થળની વિશેષતા એ છે કે અહીં બધા જ હિન્દુ પર્વો અને તહેવારોની પરંપરાગત ઉજવણી થાય છે, જેને કારણે અહીં હંમેશાં હિંદુઓનો મેળો જામેલો રહે છે.