ઘણા દિવસોથી બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરા અને આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢા વચ્ચેના સંબંધોના સમાચાર સામે આવી રહ્યા છે. બંને મુંબઈ અને દિલ્હીમાં સાથે જોવા મળ્યા છે. હવે એવા સમાચાર છે કે રાઘવ અને પરિણીતીએ સગાઈ કરી લીધી છે અને આ વર્ષે ઓક્ટોબરમાં બંને લગ્ન કરી શકે છે.
પરિણીતી ચોપરાને તાજેતરમાં એરપોર્ટ પર ઘણી વખત જોવામાં આવી છે. આ દરમિયાન તેના હાથની રીંગ ફિંગરમાં એક વીંટી પણ જોવા મળી હતી, જે બાદ બંનેની સગાઈની અટકળો ચાલી રહી હતી. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે બંનેએ સગાઈ કરી લીધી છે. જો કે, હજુ સુધી રાઘવ અને પરિણીતીમાંથી કોઈએ પણ આ અહેવાલો પર પોતાની પ્રતિક્રિયા આપી નથી.
રાઘવ-પરિણીતીના ઓક્ટોબરમાં થઈ શકે છે લગ્નઃ-
રાઘવ અને પરિણીતીની સગાઈના સમાચાર સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ રહ્યા છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે પ્રિયંકા ચોપરા તેના પરિવાર સાથે ભારત આવી હતી ત્યારે બંનેએ સગાઈ કરી હતી. ચાહકો પણ બંનેને સગાઇ માટે અભિનંદન આપી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બંને લગ્નને લઈને ઉતાવળ કરવા માંગતા નથી. રાઘવ અને પરિણીતી હાલમાં તેમના કામ પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે. આ વર્ષે ઓક્ટોબરમાં બંને જણા લગ્નના સંબંધમાં બંધાઈ શકે છે.
પરિણીતી મનીષ મલ્હોત્રાના ઘરે પહોંચી હતીઃ–
હાલમાં જ પરિણિતી ચોપરા મનીષ મલ્હોત્રાના ઘરની બહાર જોવા મળી હતી, એ વખતે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે તે તેના લગ્નનો પોશાક પસંદ કરવા આવી હશે. બોલિવૂડના લગ્નોમાં મનીષ મલ્હોત્રાના આઉટફિટ્સની ખૂબ જ માંગ છે. રાઘવ અને પરિણીતી પણ તેમના લગ્નમાં મનીષ મલ્હોત્રા દ્વારા ડિઝાઈન કરેલા આઉટફિટ્સ પહેરી શકે છે.
રાઘવ અને પરિણીતીએ રિલેશનશિપના સંકેત આપ્યા હતા:-
પાપારાઝીઓએ પરિણીતી ચોપરાને પણ લગ્ન વિશે ઘણી વાર પૂછ્યું છે. અભિનેત્રીએ ક્યારેય તેમના પ્રશ્નોના જવાબ આપ્યા નથી, પરંતુ તેના ચહેરા પરનું સ્મિત બધું જ કહી દે છે. થોડા દિવસો પહેલા રાઘવ ચઢ્ઢાએ કહ્યું હતું કે તેમની પાર્ટીને રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો મળ્યો છે, તેની ઉજવણી કરો અને ઉજવણી કરવાની ઘણી તકો મળશે. ચાહકોનું કહેવું છે કે પરિણીતી અને રાઘવ ઈશારામાં તેમના સંબંધો વિશે માહિતી આપી રહ્યા છે.