સામાન્ય રીતે કોઈ પણ શહેરનો પ્રવાસ તેની સાંસ્કૃતિક અને ઐતિહાસિક વિરાસતોને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે, પણ ક્યારેય શહેરોને તેની રસોઈકળાના આધારે પરખવાની કોશિશ કરી છે. અમે જે ચાર શહેરોની વાત કરવાના છીએ તે તેની ખાણીપીણીની જાહોજહાલી અને વિરાસત માટે જાણીતાં છે. તેમાં પણ ખાસ તેની મીઠાઈઓ માટે. પછી એ લખનઉની ચહલ-પહલવાળી ગલીઓની ક્રિમી માખણ મલાઈ હોય, કે મેંગલોરના તાજા બન્સ. તો ચાલો, એ ચાર શહેરોમાં જઈએ જેને મીઠાઈની રાજધાની કહી શકાય.
ખાણીપીણી -નિધિ ભટ્ટ
લખનઊ, ઉત્તર પ્રદેશ
નવાબોનું આ શહેર પોતાની રસોઈકળા માટે સદીઓથી ખાવાના શોખીનોને આકર્ષતું રહ્યું છે. દુનિયાભરના ચટાકિયા લખનઊનો સ્વાદ લેવા જરૂર આવે છે. અહીં કબાબ અને બિરયાની સિવાય પણ ઘણું છે. ખાસ કરીને શિયાળાની મીઠાઈઓનું તો શું કહેવાનું. કાળા ગાજરનો હલવો લખનઊથી સારો ક્યાં મળી શકે? શહેરની સૌથી જૂની મીઠાઈની દુકાનમાંથી એક એવી દુકાનમાં મળતી મખ્ખન મલાઈનો સ્વાદ લાજવાબ છે. જરૂરી નથી કે લખનઉમાં મીઠાઈનો આનંદ લેવા માટે શિયાળામાં જ જવું જોઈએ. લખનઊની રેવડી, શાહી ટુકડા, ત્રિકોણ આકારની મલાઈની ગિલોરી અને અમુક ખૂબ જ સરસ મીઠાઈ દરેક સીઝનમાં મળે છે.
——
મેંગલોર, કર્ણાટક
મેંગલોરની મુસાફરી અહીંની જાણીતી આઈસક્રીમ શોપમાં ગયા વિના પૂરી થતી નથી. અહીં આઈસક્રીમની ઘણી અલગ અલગ ફ્લેવર મળે છે જે બીજે ક્યાંય મળતી નથી. અહીંની ગરબડ સન્ડેનો સ્વાદ લીધા વિના બહાર ન નીકળતા. જો તમે પારંપરિક મીઠાઈના શોખીન હોવ તો શહેરની પ્રખ્યાત હોટેલની સારગ રત્નાની સુનોલી જરૂર ટ્રાય કરજો. આ ઉપરાંત તમે કેફેમાં મેંગલોરના પ્રખ્યાત બનનો સ્વાદ લઈ શકો છો. કર્ણાટકનો એક ખાસ અને અનેરો સ્વાદ ચાખી શકો છો અને એ છે ચિરોટી, જે તળેલી પેસ્ટ્રી છે. ખાસ પ્રસંગો પર એને ભોજનમાં ખાવામાં આવે છે.
——–
કોલકાતા, પશ્ર્ચિમ બંગાળ
કોલકાતાને નિર્વિવાદપણે ભારતના સૌથી મીઠા શહેરની ઉપાધિ આપી શકાય. શહેરની દરેક ગલી અને નુક્કડ પર લાળ ટપકે તેવી મીઠાઈની દુકાનો હોય છે. શહેરની પારંપરિક મીઠાઈનો સ્વાદ લેવો હોય તો ત્યાંની વિવિધ દુકાનો પર જઈ શકો છો. ત્યાં નોલેન ગુર પાયેશ, જે તાડના ગોળામાંથી બનતી બંગાળી ખીર છે, તેનો સ્વાદ લઈ શકો છો. નારિયેળ અને સૂકા મેવાથી બનેલા પતિશાપ્તાને કઈ રીતે ભૂલી શકાય. તાજા માવાથી બનેલાં રસગુલ્લાં અહીંની ખાસિયત છે.
——–
અમૃતસર, પંજાબ
અમૃતસર ભોજનપ્રેમીઓનું મક્કા છે. અહીંના જ્યુસી તંદૂરી ટિક્કા અને ઘીમાં લથબથ પરોઠાં ખાવા લોકો દૂર દૂરથી આવે છે, પણ મીઠાઈના શોખીનો માટે અમૃતસર કોઈ સ્વર્ગથી કમ નથી. અમૃતસરમાં મીઠાઈઓની જૂની અને પ્રખ્યાત દુકાનમાં લોકો કરારી પૂરી અને ચટપટી આલુ સબ્ઝી માટે આવે છે, પણ અહીંના બેસન લડ્ડુ અને પિન્ની પણ લાજવાબ છે. અમૃતસરની ગલી અને રસ્તાઓ પર સ્વાદિષ્ટ ફિરની અને ગરમ જલેબી ગમે ત્યાં મળી જશે. આ પવિત્ર શહેરમાં ગયા પછી જો તમે મલાઈદાર લસ્સીનો સ્વાદ નથી ચાખ્યો તો તમે કંઈ જ નથી ચાખ્યું. ચમચીથી લસ્સી ખાવાની કંઈક અલગ મજા આવે છે. અહીં મળતી મેંગો લસ્સી અને કેસર લસ્સીની વાત જ કંઈક અલગ છે. અમૃતસરની ખાસ ઓળખ છે ફ્રૂટ ક્રીમ અને કુલ્ફા. કુલ્ફા એટલે કુલ્ફી ફાલુદા, જેમાં ફિરનીનું ટોપિંગ કરવામાં આવે છે. ગુંદર અને ગુલાબજળના ટેસ્ટને લીધે તેનો સ્વાદ અલગ બની જાય છે અને તેમાં રબડી પણ નાખવામાં આવે છે. અમૃતસર સિવાય તમને ક્યાંય પણ કુલ્ફા ખાવા નહીં મળે.