ફોકસ -ઉમેશ ત્રિવેદી
બોલીવૂડમાં કોમેડિયનોનો અલગ જ અંદાજ જોવા મળે છે. એક સમયે હિન્દી ફિલ્મોમાં કોમેડિયન તરીકે મહેમુદનો ડંકો વાગતો હતો. જોકે મહેમુદ માત્ર કોમેડિયન નહીં પણ બહુમુખી પ્રતિભા ધરાવતા હતા. તેઓ હાસ્ય કલાકારની ઉપરાંત સારાં ગાયક, નિર્માતા અને દિગ્દર્શક પણ હતા. તેમણે અનેક સફળ ફિલ્મોનું સર્જન કર્યું હતું અને અનેક સફળ ફિલ્મોમાં અભિનય પણ કર્યો હતો.
મહેમુદે ૧૦૦થી ૧૫૦ ફિલ્મોમાં અભિનય કર્યો હતો. એક સમય એવો હતો કે તેમને હિન્દી ફિલ્મના હીરો કરતાં વધુ મહેનતાણું મળતું હતું. મહેમુદ પછી તો ફિલ્મમાં અનેક કોમેડિયનો આવ્યા. તેમાં આઇ.એસ. જોહર, જગદીપ, અસરાની, પેઇન્ટલ, દેેવેન વર્મા, કાદર ખાન અને શક્તિ કપૂરનો સમાવેશ થાય છે.
જોકે ત્યારપછી બોલીવૂડમાં ધીમે ધીમે કોમેડી હીરો જ કરવા લાગ્યા, પણ તેની વચ્ચે ય જહોની લીવરે પોતાનું અલગ જ સ્થાન ઊભું કર્યું. હવે ફિલ્મોની જગ્યાએ ટી. વી. પર કોમેડી સિરિયલો, સ્ટેન્ડ અપ કોમેડિયનો આવી ગયા છે. તેમણે લોકોને હસાવવાની જવાબદારી તો નિભાવી જ છે, સાથો સાથ તેમણે કરોડોની મિલકત પણ ઊભી
કરી છે.
હિન્દી ફિલ્મો અને હિન્દી સિરિયલોની વચ્ચે આપણે એક આડ વાત કરીએ તો દક્ષિણમાં દર બીજી કે ત્રીજી ફિલ્મમાં દેખાતા કોમેડી અભિનેતા બ્રહ્માનંદમનું નામ ખૂબ જ આદરપૂર્વક લેવાય છે. આ કલાકારે ખૂબ જ નામના મેળવી છે એટલું જ નહીં, તેમણે અઢળક મિલકત પણ ઊભી કરી છે. ૬૭ વર્ષના બ્રહ્માનંદમની કુલ મિલકત અત્યારે રૂ. ૪૯૦ કરોડ કરતાંય વધારે હોવાનો અંદાજ છે.
મોટે ભાગે તેલુગુ ફિલ્મોમાં અભિનય કરનારા બ્રહ્માનંદમની કારકિર્દી ૧૯૮૫થી શરૂ થઇ છે અને અત્યારસુધીમાં તેમણે ૧,૦૦૦ કરતાં વધુ ફિલ્મોમાં અભિનય કરીને વિશ્ર્વવિક્રમ સ્થાપ્યો છે. લગભગ ચાર દાયકાની કારકિર્દી (૩૮ વર્ષ) દરમિયાન તેમણે આટલી ફિલ્મો કરી છે.
આજથી છ વર્ષ પહેલાં એટલે કે ૨૦૧૭માં જ તેમને ‘ગિનેસ બુક ઑફ રેકોર્ડસ’માં ૧,૦૦૦ ફિલ્મો કરવા બદલ સ્થાન મળ્યું હતું. ત્યાર પછી તો તેમણે ફિલ્મોની ગણતરી કરવાનું પણ છોડી દીધું છે. ૨૦૧૭થી અત્યારસુધીમાં તેમણે બીજી ૨૦૦થી ૨૫૦ ફિલ્મો જરૂર કરી હશે.
હવે બ્રહ્માનંદની મિલકતની વાત કરીએ અત્યારે તેમની કુલ મિલકત રૂ. ૪૯૦ કરોડની હોવાનો અંદાજ છે અને તેઓ અનેક લકઝરી કારનો કાફલો ધરાવે છે. હવે આપણે એવાં કલાકારોની વાત કરવાના છીએ જેમણે કોમેડિયન તરીકે પોતાની એક અલગ જ ઓળખ ઊભી કરીને કરોડોની કમાણી કરી છે.
કપિલ શર્મા: ટેલિવિઝન જગતનો આ એવો સ્ટાર છે જેણે ખૂબ જ ઓછા સમયમાં નામ અને દામ મેળવ્યા છે. આજે વિશ્ર્વભરમાં સ્ટેન્ડ અપ કોમેડિયન તરીકે છવાઇ ગયેલા કપિલ શર્માને ફિલ્મોમાં અભિનય ફળ્યો નથી. આજ સુધીમાં તેણે ચારથી પાંચ ફિલ્મો હીરો તરીકે કરી છે, પણ તેની બધી જ ફિલ્મો બોક્સ ઓફિસ પર સાવ જ પીટાઇ ગઇ છે.જોકે, કપિલ શર્માને તેનાંથી કોઇ જ ફરક પડતો નથી. ‘ધ કપિલ શર્મા શો’થી ઘર-ઘરમાં લોકપ્રિયતા મેળવનારા આ કલાકારની અત્યારે કુલ મિલકત રૂ. ૨૮૦ કરોડ હોવાનું કહેવાય છે. હાલના કોમેડિયનોમાં તે અત્યારે ટોચનું સ્થાન ધરાવે છે.
જહોની લીવર : સ્ટેજ કાર્યક્રમમાં લોકોને હસાવીને પછી ફિલ્મોમાં એન્ટ્રી કરનારા જહોની લીવરની અભિનય કારકિર્દીની શરૂઆત ૧૯૮૪થી થઇ છે. અત્યારસુધીમાં જહોની લીવરે ૩૫૦ કરતાં વધુ ફિલ્મોમાં અભિનય કર્યો છે. લગભગ ૪૦ વર્ષની કારકિર્દીમાં જહોની લીવરે રૂ. ૨૭૭ કરોડની કમાણી કરી છે.
અશોક સરાફ: મરાઠી ફિલ્મોના આ બહુમુખી પ્રતિભા ધરાવનારા કલાકારે હિન્દી ફિલ્મોમાં પણ અનેક પ્રકારની ભૂમિકાઓ કરી છે. પણ તેમની છાપ કોમેડિયન તરીકેની વધારે છે. તેમણે કરેલી ભૂમિકાઓ નાની હોય છે. પણ અમીટ છાપ છોડે છે. અશોક શરાફે ૨૫૦ જેટલી મરાઠી ફિલ્મો કરી છે. ૧૯૭૮થી તેમણે હિન્દી ફિલ્મોમાં અભિનય કરવાની શરૂઆત કરી છે. અત્યારસુધીમાં તેમણે ૫૦ કરતાં વધુ ફિલ્મોમાં અભિનય કર્યો છે. અશોક સરાફે અભિનયમાં પ્રવૃત્ત રહીને લગભગ રૂ. ૧૧૪ કરોડની કમાણી કરી છે.
અસરાની: અસરાનીનું સાચું નામ ગોવર્ધન અસરાની છે. ફિલ્મોમાં અનેક પ્રકારની ભૂમિકા ભજવનારા અસરાનીએ ૩૫૦ કરતાં વધુ ફિલ્મોમાં અભિનય કર્યો છે. ૧૯૬૭થી તેમણે અભિનય કારકિર્દીની શરૂઆત કરી છે અને ૨૦૨૩માં તેમની ‘ડ્રીમગર્લ-ટુ’ નામની ફિલ્મ રિલીઝ થવાની છે. લગભગ ૫૬ વર્ષની કારકિર્દીમાં મોટે ભાગે કોમેડી ભૂમિકા ભજવીને તેમણે રૂ. ૯૮ કરોડની કમાણી કરી છે.
રાજપાલ યાદવ: સન ૧૯૯૯માં આવેલી ‘મસ્ત’ ફિલ્મથી પોતાની અભિનયની કારકિર્દી શરૂ કરનારા રાજપાલ યાદવે એક કોમેડિયન તરીકે સારી નામના મેળવી છે. અત્યારસુધીમાં તેણે ૧૦૦ કરતાં વધુ ફિલ્મો કરી છે અને તેની પાસે રૂ. ૫૦ કરોડ કરતાં વધુની મિલકત હોવાનો અંદાજ છે.
દિલીપ જોશી: આ યાદીમાં એક માત્ર ગુજરાતી કલાકાર દિલીપ જોશીનું નામ સામેલ છે. સબ ટી. વી. પર ૨૮મી જુલાઇ-૨૦૦૮થી આ હાસ્ય ધારાવાહિકનું પ્રસારણ શરૂ થયું છે. આ સિરિયલના પહેલા એપિસોડથી જેઠાલાલ ગડાની ભૂમિકા ભજવી રહેલાં દિલીપ જોશી અનેક હિન્દી સિરિયલો, ગુજરાતી નાટકો અને હિન્દી ફિલ્મોમાં એક હાસ્ય કલાકાર તરીકે નામના મેળવી છે. દિલીપ જોશીની નેટવર્થ રૂ. ૪૩ કરોડ હોવાનું માનવામાં આવે છે.
અલી અસગર: અનેક હિન્દી ફિલ્મો અને હિન્દી સિરીયલોમાં હાસ્ય કલાકારની ભૂમિકા ભજવનાર અલી અસગરે રૂ. ૩૪ કરોડની મિલકત ભેગી કરી છે. ૧૯૯૧થી અભિનય ક્ષેત્રે કાર્યરત એવાં અલી અસગરે ૧૯૮૭થી ટી. વી. સિરીયલોમાં નામના મેળવી લીધી છે. કોમેડી સિરીયલોનું તે અવિભાજય અંગ ગણાય છે. ‘કોમેડી નાઇટ્સ વિથ કપિલ’મા દાદીની ભૂમિકા કરીને તેણે ખૂબ જ લોકપ્રિયતા મેળવી છે.
કીકુ શારદા: કપિલ શર્માના શોમાં ક્યારેક બંપર, પલક, ક્યારેક વકીલ તો ક્યારેક ધોબણની ભૂમિકા ભજવનારા કીકુ શારદાએ અનેક ટી. વી. સિરીયલો અને અનેક ફિલ્મોમાં અભિનય કર્યો છે. તેની ગણના એક સારાં કોમેડિયન તરીકે
થાય છે. તેનું સાચું નામ રાઘવેન્દ્ર શારદા છે, પણ ફિલ્મો અને ટી. વી. સિરીયલોમાં લોકો તેને કીકુ શારદા તરીકે જ ઓળખે છે. કીકુ શારદા પાસે રૂ. ૩૩ કરોડની મિલકત હોવાનું મનાય છે.
કૃષ્ણા અભિષેક: કોમેડી સર્કસમાં સ્ટેન્ડ અપ કોમેડિયન તરીકે નામના મેળવનાર કૃષ્ણા અભિષેકે હિન્દી ફિલ્મો, હિન્દી સિરીયલો અને ભોજપુરી ફિલ્મોમાં અભિનય કર્યો છે. જોકે, તેને સૌથી વધારે સફળતા અનેે નામના ‘કપિલ શર્મા શો’ને કારણે જ મળી છે. એક હાસ્યકલાકાર તરીકે અત્યારે તેની નેટવર્થ લગભગ ૩૦ કરોડ રૂપિયા જેટલી છે.
ભારતી સિંહ: કપિલ શર્માના શોનાં બધા જ કલાકારોએ કરોડોમાં કમાણી કરી છે. જોકે ભારતી સિંહે પણ ‘સ્ટેન્ડ અપ’ કોમેડિયન તરીકે શરૂઆત કર્યાં પછી રિયાલિટી શોનાં સંચાલક તરીકે પણ અનેરી નામના મેળવી છે. ભારતી સિંહે રૂ. ૨૩ કરોડની પ્રોપર્ટી મેળવી છે, અત્યારે ટેલિવિઝન જગતમાં એક કોમેડિયન-સંચાલિકા તરીકે ભારતીની બરાબરી કોઇ જ કરી શકે એમ નથી.
સુનીલ ગ્રોવર: કપિલ શર્માના શોમાં ગુત્થી અને ડૉક્ટરની ભૂમિકા ભજવીને રાતોરાત લોકપ્રિયતા મેળવનારા સુનીલ ગ્રોવરે ફિલ્મોમાં અલગ જ પ્રકારની ભૂમિકાઓ ભજવી છે. ફિલ્મોમાં તેની ભૂમિકાઓ ‘હટ કે’ જ હોય છે અને તેણે અનેક સફળ ફિલ્મોમાં અભિનય કર્યો છે. પણ, તે કપિલ શર્મા સાથે વિમાનમાં થયેલા ઝઘડા પછી તેનો શો છોડી ચૂક્યો છે, છતાંય આજે પણ તેને ગુત્થી અને ડૉ. મશહૂર ગુલાટી તરીકે લોકો યાદ કરે છે. સુનીલ ગ્રોવરે હાસ્ય કલાકાર તરીકે રૂ. ૨૧ કરોડની કમાણી કરી છે.