મુંબઈઃ વિદાય થઈ રહેલા 2022 અને નવા વર્ષ નિમિત્તે મુંબઈ સબર્બન રેલવેમાં પ્રવાસીઓની સુરક્ષાની સાથે કોઈ અનિચ્છનીય બનાવ બને નહીં તે ઉદ્દેશને ધ્યાનમાં રાખીને મુંબઈ રેલવેમાં લગભગ 6,000 જવાનને તહેનાત રાખવામાં આવ્યા છે, એમ રેલવે પોલીસે જણાવ્યું હતું.
મુંબઈ રેલવે પોલીસના જવાનોની સાથે સાથે બે ડેપ્યૂટી પોલીસ કમિશનર, ચાર આસિસ્ટંટ પોલીસ કમિશનર, 114 પોલીસ અધિકારી સહિત હોમ ગાર્ડ અને મહારાષ્ટ્ર સિક્યોરિટી ફોર્સ પર્સોનલ (એમએસએફપી)ને તહેનાત કરવામાં આવ્યા છે. સરકારી પોલીસની સાથે રેલવે પ્રોટેક્શન ફોર્સ (આરપીએફ)ના જવાનોને પણ તહેનાત કરવામાં આવ્યા છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
મહિલા પ્રવાસીઓની સુરક્ષા માટે નિર્ભયા ટીમને ખાસ કરીને તહેનાત રાખવામાં આવશે, જેમાં ખાસ કરીને મહિલા કોન્સ્ટેબલની સાથે સિવિલ ડ્રેસમાં વિશેષ પોલીસ ફોર્સ પર મહત્ત્વના રેલવે સ્ટેશનો પર નજર રાખશે. 31 ડિસેમ્બર નિમિત્તે મહિલા કોચમાં પોલીસ કોન્સ્ટેબલને ખાસ કરીને રાતના નવ વાગ્યાથી સવારના પાંચ વાગ્યા સુધી તહેનાત રહેશે. મુંબઈ સબર્બન રેલવેનું સૌથી મોટું નેટવર્ક છે, જેમાં પશ્ચિમ રેલવેમાં ચર્ચગેટથી વિરાર અને મધ્ય રેલવેમાં સીએસએમટીથી ખપોલી/કસારા અને હાર્બર/ટ્રાન્સ હાર્બર લાઈનમાં સીએસએમટી/પનવેલ અને થાણે/પનવેલ વચ્ચે લોકલ ટ્રેન દોડાવાય છે, જ્યારે રોજના સરેરાશ 66 લાખથી વધુ પ્રવાસી ટ્રાવેલ કરે છે.