એનસીપીના નેતા શરદ પવારે તેમની રાજકીય આત્મકથા ‘લોક માઝે સંગાતિ’માં તત્કાલિન મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેની કાર્યપદ્ધતિ પર ટિપ્પણી કરી હતી. તેમણે ઉદ્ધવ ઠાકરેની કાર્યપદ્ધતિ અંગે થોડી નારાજગી વ્યક્ત કરી હતી. આ અંગે ભારે હોબાળો થયો છે. શરદ પવારના આ નિવેદનથી ઉદ્ધવ ઠાકરે અને શિવસેના વચ્ચે મનભેદ સર્જાયા હોવાનું માનવામાં આવે છે. આથી જ ઉદ્ધવ ઠાકરે શરદ પવારની ટીકાનું ખંડન કરવા ટૂંક સમયમાં આ મુદ્દે વિગતવાર ટિપ્પણી કરે તેવી શક્યતા છે. ઠાકરે જૂથના સાંસદ સંજય રાઉતે બેલગામમાં મીડિયા સાથે વાત કરતા આ સંકેત આપ્યા હતા.
શરદ પવારે તેમના પુસ્તકમાં ઉલ્લેખ કર્યો છે કે ઉદ્ધવ ઠાકરે જ્યારે મુખ્ય પ્રધાન હતા ત્યારે માત્ર બે-ત્રણ વખત જ મંત્રાલય ગયા હતા. આ બાબત અમને બહુ ગમી નહોતી. આના પરથી રાજકીય આક્ષેપ-પ્રતિઆક્ષેપો શરૂ થયા છે.
આ અંગે જ્યારે સંજય રાઉતને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું હતું કે ઉદ્ધવ ઠાકરે આ તમામ આરોપોનો ટૂંક સમયમાં જવાબ આપશે. લોકો બે દિવસ પુસ્તક વાંચે છે, પછી તે પુસ્તકાલયમાં જાય છે. ઉદ્ધવ ઠાકરે ટૂંક સમયમાં દૈનિક સામનામાં ઈન્ટરવ્યુ આપી રહ્યા છે, જેમાં તેઓ તેમના અને શિવસેના વિશે કરવામાં આવેલી ટિપ્પણીનો જવાબ આપશે. ઉદ્ધવ ઠાકરે માત્ર બે વખત મંત્રાલય ગયા, એ માહિતી ખોટી છે. તેઓ હંમેશા મંત્રાલયમાં જતા હતા. માત્ર કોરોનાના સમયગાળા દરમિયાન જ મંત્રાલયમાં તેમની હાજરી ઘટી હતી, કારણ કે કેન્દ્ર સરકારે આવો આદેશ આપ્યો હતો. આ સમયગાળા દરમિયાન નરેન્દ્ર મોદી પણ વડાપ્રધાન કાર્યાલય ગયા ન હતા. સંજય રાઉતે ઉદ્ધવ ઠાકરેનો બચાવ કરતા કહ્યું કે ઘણા કેન્દ્રીય પ્રધાનો અને અન્ય રાજ્યોના મુખ્ય પ્રધાનો પણ ‘વર્ક ફ્રોમ હોમ’ કરી રહ્યા હતા.
ગુરુવારે સંજય રાઉતે ફરી એકવાર દૈનિક ‘સામના’ના ફ્રન્ટ પેજ દ્વારા રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીમાં આંતરિક વિખવાદ પર ટિપ્પણી કરી હતી. રાઉતે ફરી એકવાર અજિત પવારની ભૂમિકા અંગે શંકા વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે એનસીપીમાં એક જૂથ ભારતીય જનતા પાર્ટીને દ્વારે પહોંચી ગયું છે અને રાજ્યના રાજકારણમાં ગમે ત્યારે ભૂકંપ આવી શકે છે. શરદ પવારે અજિત પવાર અને તેમના જૂથને અલગ સ્ટેન્ડ લેતા રોકવા માટે પ્રમુખ પદેથી રાજીનામું આપવાનું પગલું ભર્યું છે?, એવો સવાલ પણ શિવસેનાના મુખપત્ર સામનાના અગ્રલેખમાં કરવામાં આવ્યો છે.