ભુજ: અંગ્રેજી વર્ષ ૨૦૨૨ના અંતિમ દિવસે કચ્છના માંડવી તાલુકા પંચાયતની ત્રિ-માસિક સામાન્ય સભામાં, પ્રમુખને બદલે અધ્યક્ષસ્થાને ધારાસભ્ય અનિરુદ્ધ દવે બેસી જતાં બબાલ ઊભી થઇ હતી અને આ મામલે વડી અદાલતમાં લડી લેવાની ચીમકી વિરોધ પક્ષે કરતાં કચ્છના ઠંડા પડી ગયેલા સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો. વાત જાણે એમ છે કે, તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં કૉંગ્રેસના ઉમેદવાર તરીકે માંડવી તાલુકા પંચાયતના ઉપપ્રમુખ રાજુભા જાડેજા લડ્યા હતા અને તેમણે પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું તાલુકા પંચાયતને આપ્યું હતું, જે સ્વીકારી લેવાયું હતું અને વર્ષના અંતિમ દિવસે મળેલી સામાન્ય સભામાં તેને બહુમતિથી બહાલી અપાઇ હતી.અત્યારે તાલુકા પંચાયતના પ્રમુખ નીલેશ મહેશ્ર્વરી હોવા છતાં પણ સામાન્ય સભાના અધ્યક્ષપદે ધારાસભ્ય અનિરુદ્ધ દવે બેસી જતાં ભારે બબાલ થઇ હતી.
ધમાલ વચ્ચે ધારાસભ્ય અનિરુદ્ધ દવેએ રાજીનામું આપનારા રાજુભા જાડેજાની મિનિટસ બુકમાં સહી નહીં લેવાનું કહેતાં આ મામલો વધુ ગરમાયો હતો. આ ઘટનાક્રમ અંગે કૉંગ્રેસના રાજુભા જાડેજાએ પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે,તાલુકા પંચાયતની સામાન્ય સભા કાયદાકીય રીતે યોજાઇ ન હતી અને સભામાં વિપક્ષી નેતાને સાંભળવામાં પણ આવ્યા ન હતા, જેથી આ મામલો હવે રાજ્યની વડી અદાલતમાં લઇ જવાની ચિમકી તેમણે ઉચ્ચારી છે. રાજુભાએ ઉમેર્યું હતું કે, સામાન્ય સભામાં માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધ દવેએ તાલુકા પ્રમુખની ખુરશીમાં બેસી જોહુકમીભર્યું વર્તન કર્યું છે, જે લોકશાહી માટે કલંકરૂપ ઘટના છે. માંડવી તાલુકા પંચાયતના સદસ્ય રાજેન્દ્રસિંહ જાડેજાનું રાજીનામું મંજૂર થયું નથી અને તેઓ સભ્યપદે ચાલુ છે, જેથી તેમને મિનિટસમાં સહી કરવા ન દેવી તે પંચાયતી રાજના નિયમ વિરુદ્ધ છે. ધારાસભ્ય જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની બેઠકમાં બાજુમાં બેસવાનો હક્ક ધરાવે છે અને સામાન્ય રીતે પંચાયતી રાજની વ્યવસ્થા પ્રમાણે તેઓ સીધી રીતે કોઇ જ કાર્યવાહીમાં ભાગ લઇ શકતા નથી કે, હસ્તક્ષેપ કરી શકતા નથી તેમ છતાં તાલુકા પંચાયતના પ્રમુખની ખુરશીમાં બેસી જઇ તાલુકા પંચાયતની કાર્યવાહીને બાધિત કરી હોવાનું જણાવી જિલ્લા કૉંગ્રેસ પ્રમુખ યજુર્વેન્દ્રસિંહ જાડેજા, પ્રદેશ મહામંત્રી વી.કે. હુંબલે જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત
કરી છે. પંચાયતી કાયદાની કલમ નંબર ૯૮/૨ મુજબ સભાને બોલાવવાનો અને આમંત્રિત તરીકે સભામાં નિયમ મુજબ કામગીરી કરવા માટે તેમનો કાયદાકીય હક્ક હોવાનું ધારાસભ્ય દવેએ
જણાવ્યું હતું.