એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ
કોરોના સાવ જતો રહ્યો છે એમ માનીને ભારતમાં લોકો નિરાંતે જીવી રહ્યાં હતાં ત્યાં અચાનક જ કોરોનાના કેસોમાં ફરી ઉછાળો આવવા માંડતાં સાબદા થવાની વેળા પાછી આવી ગઈ હોય એવું લાગે છે. છેલ્લા કેટલાક દિવસોથી સતત વધી રહેલા કેસોના કારણે દેશમાં કોરોનાના એક્ટિવ મામલાઓની સંખ્યા ૧૦ હજારને પાર પહોંચી ગઈ છે. થોડા દિવસ પહેલા લગી કોરોનાના નવા કેસો બે આંકડામાં આવતા હતા. મતલબ કે, ૧૦૦ની અંદર રહેતા હતા. એ વધીને ત્રણ આંકડામાં થયા ને હવે ચાર આંકડામાં પહોંચ્યા છે.
કોરોનાના નવા કેસો વધવાની સાથે સાથે મૃત્યુ આંક પણ વધવા માંડ્યો છે. સોમવાર સવાર સુધીમાં પૂરા થતા ૨૪ કલાકમાં કોરોનાના ૧,૮૦૫ નવા દર્દીઓ નોંધાયા ને ૬ લોકો મૃત્યુ પામ્યાં હતાં. આ પહેલાં રવિવારે સવાર સુધીમાં નવા ૧,૮૯૦ કોરોના કેસ મળ્યા હતા અને ૭ લોકો મૃત્યુ પામ્યાં હતાં. કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા વધી રહી છે એ જોતાં આ આંકડો હજુ વધ્યા જ કરશે.
ગુજરાતીઓ માટે ચિંતાનો વિષય એ છે કે, કોરોનાના નવા સૌથી વધારે કેસ ગુજરાત અને મહારાષ્ટ્રમાં નોંધાઈ રહ્યા છે. સોમવાર સવાર સુધીના ૨૪ કલાકમાં સૌથી વધારે કેસ મહારાષ્ટ્રમાં ૩૯૭ અને ગુજરાતમાં ૩૦૩ નોંધાયા હતા. કેરળ ૨૯૯ કેસ, કર્ણાટક ૨૦૯ કેસ અને દિલ્હી ૧૫૩ કેસ સાથે પાછળ જ છે પણ છતાં ગુજરાત અને મહારાષ્ટ્ર બહુ આગળ છે. સૌથી વધારે એક્ટિવ કેસમાં પણ માત્ર કેરળ ૨,૪૭૧ કેસ સાથે આગળ છે જ્યારે મહારાષ્ટ્ર ૨,૧૧૭ કેસ સાથે બીજા અને ગુજરાત ૧,૬૯૭ કેસ સાથે ત્રીજા નંબરે છે. બાકીનાં રાજ્યોમાં એક્ટિવ કેસોની સંખ્યા હજારથી ઓછી છે.
આ બંને રાજ્યોમાં ગુજરાતીઓની વસતી સૌથી વધારે છે તેથી ચિંતાનો વિષય કહેવાય. ગુજરાતમાં તો ગંભીર સ્થિતિ એટલા માટે છે કે, એક તરફ કોરોનાનાં લક્ષણ ધરાવતા ફ્લૂએ માથું ઊંચક્યું છે તો બીજી તરફ રાજ્યમાં ફરી એક વાર કોરોના કેસો ધડાધડ વધી રહ્યા છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી શરદી, ખાંસી, તાવના કેસોમાં અંધાધૂંધ વધારો થતાં ચિંતા હતી જ તેમાં હવે કોરોના ઉમેરાયો છે.
ગુજરાતમાં સ્થિતિ એ રીતે પણ ગંભીર છે કે કોરોનાના કેસમાં દિવસે ને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૩૦૩ કેસ નોંધાયા છે. મતલબ કે, દેશમાં નોંધાતા ૧૮૦૦ જેટલા કોરોનાના નવા કેસોમાંથી છઠ્ઠા ભાગના તો ગુજરાતમાં જ છે. નવા ૩૦૦ કરતાં વધારે કેસોની સામે ૧૩૪ દર્દીઓ સાજા થયા છે તેથી અડધા કરતાં વધારે કેસો એક્ટિવ કેસોમાં ઉમેરાયા છે. આ પૈકી મોટા ભાગના કેસોમાં સ્થિતિ ગંભીર નથી ને હાલ માત્ર પાંચ દર્દીઓ વેન્ટિલેટર પર છે પણ આ આંકડો ક્યારે વધવા માંડે એ કહેવાય નહીં.
ગુજરાતમાં મૃત્યુઆંક વધી રહ્યો છે એ ચિંતાનો વિષય છે. ગુજરાતમાં વીસ દિવસમાં કોરોનાથી સાતનાં મોત થયાં છે ને તેમાંથી છ લોકોનાં મોત તો છેલ્લા અઠવાડિયામાં જ થયાં છે. ૧૦ માર્ચે સુરતમાં એક દર્દીના મોતથી શરૂઆત થઈ પછી ૨૧ માર્ચે ભરૂચના ઝઘડિયામાં ૮૧ વર્ષીય વૃદ્ધનું સારવાર દરમિયાન મોત થયું ને ત્યારથી દરરોજ કોરોનાથી મોતના સમાચાર આવે છે. ૨૨ માર્ચે મહેસાણામાં ત્રણ વર્ષના બાળકનું મોત થયું પછી બીજા દિવસે એટલે કે ૨૩ માર્ચે અમદાવાદમાં ૧૩ વર્ષની બાળકીનું મોત થયું હતું.
એ પછી ૨૪ માર્ચનો દિવસ ખાલી ગયો હતો પણ ૨૫ માર્ચે કોરોનાથી બે દર્દીનાં મોત થતાં સરેરાશ સરખી થઈ ગઈ. ૨૫ માર્ચે અમદાવાદમાં ૭૨ વર્ષના વૃદ્ધનું અને જ્યારે કચ્છમાં ૯ માસની બાળકીનું મોત થયું હતું. એ પછી સોમવારે વલસાડના નાના પોંઢાની ૬૦ વર્ષીય મહિલાનું કોરોનાની સારવાર દરમિયાન મોત થયું છે.
આ આંકડા એટલા માટે આપ્યા છે કે જેથી ખ્યાલ આવે કે કોરોનામાં મૃત્યુનો જે સિલસિલો શરૂ થયો છે તેમાં નાનાં બાળકો અને વૃદ્ધો સૌથી વધારે ભોગ બની રહ્યાં છે. તેમની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય તેથી તેમને માટે કોરોના વધારે જીવલેણ નિવડે છે પણ તેમને કોરોના ક્યાંથી થાય છે એ વિચારવાની જરૂર છે. સારી રોગપ્રતિકારક શક્તિ ધરાવતાં લોકોને અસર થતી હોય પણ જીવલેણ સાબિત ના થાય તેથી ખબર ના પડે પણ અંદરખાને કોરોના વ્યાપી રહ્યો છે તેનો આ સંકેત છે. બાળકોમાં કોરોના ઝડપથી ફેલાય છે તેનું ઉદાહરણ ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીનું છે. લખીમપુરમાં ૩૮ નવા કેસમાંથી ૩૭ કેસ એક જ સ્કૂલમાં મળ્યા છે. મિતોલીની કસ્તૂરબા સ્કૂલમાં ૩૭ વિદ્યાર્થીઓ અને સ્ટાફના લોકોને કોરોના થઈ ગયો. આ તો સમયસર ખબર પડી, બાકી આખી સ્કૂલ કોરોનાગ્રસ્ત થઈ ગઈ હોત.
આ સ્થિતિ વધારે ગંભીર બને એ પહેલાં આપણે જાગવાની જરૂર છે. કેન્દ્ર સરકારે વધતા કેસોને ધ્યાનમાં લઈને તૈયારીઓ શરૂ કરી જ દીધી છે. કેન્દ્રિય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે વીડિયો કોન્ફ્રેસિંગ કરીને દેશનાં બધાં રાજ્યોને કોરોના સામે લડવાનું શરૂ કરવા કહી જ દીધું છે. તેના ભાગરૂપે ૧૦ અને ૧૧ એપ્રિલ દરમિયાન દેશભરની હોસ્પિટલમાં કોવિડ મોકડ્રીલ યોજાવાની છે. આ મોકડ્રીલ સરકારી અને પ્રાઇવેટ બંને પ્રકારની હોસ્પિટલોમાં થવાની છે. દવાઓ, દર્દીઓ માટે બેડ, મેડિકલ ઇક્વિપમેન્ટ અને મેડિકલ ઓક્સિજનની સગવડ અંગેની તૈયારીઓ બરાબર છે કે નહીં તેની ચકાસણી કરાશે, આ સિવાય કેન્દ્ર સરકારે બધાં રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને પત્ર લખીને રાજ્યોને કોરોના ટેસ્ટિંગ વધારવા પણ કહ્યું છે.
કેન્દ્ર સરકાર એ રીતે પોતાની તૈયારીમાં લાગેલી જ છે પણ વધારે સતર્કતા લોકોએ રાખવી જરૂરી છે. મેડિકલ એક્સપર્ટ્સ માને છે કે, કોરાનાના વધતા કેસો માટે નવો એક્સબીબીબી ૧.૧૬ વેરિએન્ટ જવાબદાર હોઈ શકે છે પણ કોવિડ પ્રોટોકોલનું પાલન કરો તો ગભરાવાની જરૂરિયાત નથી. કોરોના અને ઈન્ફ્લુએન્ઝાના કેસ વધવા પાછળનું એક કારણ વાતાવરણમાં ફેરફાર પણ ગણાય છે. આ સિઝનમાં દર વર્ષે ઇન્ફ્લૂએન્ઝાના કેસ વધે છે તેથી ગભરાવાની જરૂર નથી. માત્ર માસ્ક પહેરી રાખો તો પણ કોરોનાથી દૂર રહી શકાશે.