સંસ્કૃતિ -અનંત મામતોરા
ગાયત્રી મંત્ર ‘ઓમ ભૂર્ભુવ: સ્વ: તત્સવિતુવરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન: પ્રચોદયાત્’ને સૌથી અસરકારક મંત્ર માનવામાં આવે છે. આનો જાપ કરવાથી દરેક પ્રકારના કાર્યોમાં સફળતા પ્રાપ્ત થાય છે. શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે ગાયત્રી વેદમાતા છે અને તેમનામાં તમામ પાપોનો નાશ કરવાની શક્તિ રહેલી છે. ગાયત્રી મંત્રને પ્રથમ મંત્ર પણ કહેવામાં આવે છે.
તમામ ગ્રંથોમાં મળે છે ઉલ્લેખ
ગાયત્રી મંત્ર શ્રેષ્ઠ અને ઉત્તમ મંત્ર છે. જે કામ વિશ્ર્વના અન્ય કોઈ મંત્રથી થઈ શકે છે, તે ગાયત્રી મંત્ર પણ ચોક્કસપણે કરી શકે છે. આ પૂજામાં ભૂલ હોય તો પણ કોઈને નુકસાન થતું નથી, આના
જેવી અન્ય કોઇ સરળ અને ઝડપી
ફળદાયી પૂજા નથી. તમામ ધાર્મિક ગ્રંથોમાં ગાયત્રીનો મહિમા એક જ સૂરમાં કહેવામાં
આવ્યો છે.
અથર્વવેદમાં ગાયત્રી મંત્રને ઉંમર, જ્ઞાન, સંતાન, કીર્તિ, ધન અને બ્રહ્મતેજ આપનાર કહેવામાં આવ્યો છે. વિશ્ર્વામિત્ર ઋષિજીએ કહ્યું છે કે ચારેય વેદોમાં ગાયત્રી મંત્ર જેવો કોઇ મંત્ર નથી.
ગાયત્રી મંત્રના ફાયદા
ગાયત્રી મંત્રના ચોવીસ અક્ષરોમાં અનેક જ્ઞાન-વિજ્ઞાન છુપાયેલા છે. ગાયત્રી સાધના દ્વારા આત્માનું શુદ્ધ સ્વરૂપ દેખાય છે અને અનેક રિદ્ધિ-સિદ્ધિઓ મળવા લાગે છે. ગાયત્રી ઉપાસનાથી આત્મબળ વધે છે. ગાયત્રી સાધના એ એક મૂલ્યવાન દૈવી સંપત્તિ છે.
આ સંપત્તિ એકત્ર કરીને સાધક સાંસારિક સુખ અને આધ્યાત્મિક આનંદ મેળવી શકે છે. ગાયત્રી મંત્રના માત્ર ઉચ્ચાર કરવાથી જીભ, ગળા, તાળવું અને ચહેરા પર સ્થિત નાડીના તંતુઓ એક અદ્ભૂત ક્રમમાં કાર્યરત થાય છે.
આ રીતે ગાયત્રીનો જાપ સ્વયંભૂ એક મહત્ત્વપૂર્ણ યોગ અભ્યાસ તરફ દોરી જાય છે અને ગુપ્ત શક્તિ કેન્દ્રોને જાગૃત કરવાથી અદ્ભૂત લાભ મળે છે.
ગાયત્રી મંત્રનું મહત્ત્વ
ગાયત્રીને ભૂલોકની કામધેનુ અને સુધા કહેવામાં આવે છે, કારણ કે તે જન્મ અને મૃત્યુના ચક્રમાંથી મુક્ત થઈને સાચું અમૃત પ્રદાન કરવાની શક્તિથી ધરાવે છે. ગાયત્રીને પારસમણી પણ કહેવામાં આવે છે, કારણ કે તેના સ્પર્શથી લોખંડ જેવા દૂષિત હૃદય તરફથી શુદ્ધ સોના જેવા હૃદય તરફ જવા જેવો નોંધપાત્ર ફેરફાર થાય છે. ગાયત્રીને કલ્પવૃક્ષ કહેવામાં આવે છે, કારણ કે આ મંત્રને કારણે માણસ તે બધી ઈચ્છાઓ પૂરી કરી શકે છે જે તેના માટે યોગ્ય અને જરૂરી છે. ગાયત્રીને બ્રહ્માસ્ત્ર પણ કહેવામાં આવે છે, કારણ કે ગાયત્રી સાધના ક્યારેય નિષ્ફળ જતી નથી.
ગાયત્રી મંત્ર સાધનાના નિયમો
ગાયત્રી સાધનાના નિયમો ખૂબ જ સરળ છે. સ્નાન ઇત્યાદી પતાવીને પવિત્ર થયા બાદ સવારે પૂર્વ તરફ મુખ કરીને તથા સાંજે પશ્ર્ચિમ તરફ મુખ કરીને આસન પર જપ કરવા બેસો. નજીકમાં વાસણમાં પાણી અને અગરબત્તી રાખવી જોઈએ. સાક્ષી તરીકે પાણી અને અગ્નિને નજીક રાખીને જપ કરવો શ્રેષ્ઠ છે. શરૂઆતમાં ગાયત્રીના ફોટાની પૂજા કરવી જોઈએ, નમસ્કાર અને ધ્યાન કરવું જોઈએ. જાપ એવી રીતે શરૂ કરવો જોઈએ કે ગળામાંથી અવાજ આવતો હોવો જોઈએ, હોઠ ચાલતા હોવા જોઈએ, પરંતુ નજીક બેઠેલી વ્યક્તિ પણ સાંભળી ન શકે એટલો ધીમો અવાજ હોવો જોઇએ. તર્જની આંગળી વડે માળાને સ્પર્શ કરવી જોઈએ. માળા પૂર્ણ કર્યા પછી, તેને ઉલટાવવી જોઈએ. દરરોજ ઓછામાં ઓછા ૧૦૮ મંત્રનો જાપ કરવો જોઈએ. જાપ પૂર્ણ થવા પર નજીકમાં રાખેલ જળ સૂર્યને અર્પિત કરવું જોઈએ. રવિવાર ગાયત્રી માતાનો દિવસ છે, જો તે દિવસે ઉપવાસ કે હવન કરી શકાય તો ખૂબ જ સારું ફળ મળે છે.