Homeઈન્ટરવલરાજ્યમાં નગર, નગરમાં ઘર અને ઘરમાં આનંદદાયક પથારીથી ઉત્તમ કોઈ સુખ નથી:...

રાજ્યમાં નગર, નગરમાં ઘર અને ઘરમાં આનંદદાયક પથારીથી ઉત્તમ કોઈ સુખ નથી: વરાહમિહિર

શિયાળાની સવારે પથારીમાંથી બહાર નીકળવાનું મન થતું નથી

ઔર યે મૌસમ હંસીં… -દેવલ શાસ્ત્રી

શિયાળાની સવારે જાગતાં જ પથારીમાંથી બહાર નીકળવાનું મન થતું નથી. કોઈ જગાડે તો કોમન જવાબ હોય છે, પાંચ મિનિટ…
આપણે સૂઇ જઇએ છે ત્યારે કમ્ફર્ટ આપવા માટે મેલાટોનિન નામનું હોર્મોન ઉત્પન્ન થાય છે, આપણે જાગીએ છીએ ત્યારે આ હોર્મોન બંધ થાય છે. પાંચ મિનિટ પથારીમાં પડ્યા રહેવાનું મન થાય છે એનું કારણ પેલા હોર્મોનની અસર છે. હવે કોઈ ઉઠાડે તો કહી દેવાનું કે, મેલાટોનિનનો નશો ચાલુ છે, ઊતરે પછી બહાર નીકળાશે….
બાકી ઘણા કેસમાં તો સપનામાં એટલી ભાગદોડ કરી હોય કે પેલી પાંચ મિનિટ જ ખરો રેસ્ટ મળતો હોય છે….
આ મેલાટોનિન નામનું ઝરણું આપણી ઊંઘનો સમય ગોઠવે છે, સૂવાના સમયના કલાકેક પહેલાં મોબાઈલ કે ટીવી બંધ કરવાથી આ ઝરણું સમયસર વહે છે, એટલે ડૉક્ટર આપણને વેળાસર મોબાઈલ બંધ કરવાની સલાહ આપે છે. ઊંઘ ઓછી આવવી, સમય પર ઊંઘ ન આવવા માટે આપણે જ મેલાટોનિનનું ઝરણું સૂકવી દેતા હોઇએ છીએ…
સારી ઊંઘની વ્યાખ્યા શું છે? પથારીમાં પડો ને પંદર મિનિટમાં ઘસઘસાટ. ભારતીય ઘરોમાં આપણા વડવાઓ વારંવાર કહેતા હતાં કે બેડનો ઉપયોગ ખાલી સૂવાના સમયે જ કરો…. શું કામ?
આપણી ઊંઘ અને બેડની સુવાસ એકબીજાને ઓળખતી હોય છે, એ ગંધ આવે એટલે મગજને ખબર પડે કે સૂવાનો સમય થયો છે. આખો દિવસ બેડમાં પડ્યા રહો, ત્યાં નાસ્તા કરો તો મગજ પેલી ચોક્કસ સ્મેલ ઓળખી શક્તું નથી અને નિયત સમયે સુવડાવી શક્તું નથી…
બાકી બેડ મિન્સ પથારીનો સ્વભાવ સમજો, એ ક્યારેય તમારી પથારી ફેરવતી નથી. શેક્સપિયર હંમેશાં કહેતો કે પથારી મારી બીજી પ્રેમાળ પત્ની છે. શેક્સપિયરે પોતાની ગમતી પથારી માટે ખાસ વસિયત કરીને વહાલી પુત્રીને ગિફ્ટ કરી હતી…
મિન્સ, જગતમાં કોઈ ઓનેસ્ટ દોસ્ત હોય તો એકમાત્ર પથારી જ છે, જેને ક્યારેય તમારી સૂગ આવી નથી. તમારા જીવનની સારી, સર્વોત્તમ કે ખરાબ ક્ષણોમાં હંમેશાં સાથ આપ્યો છે.
તમે કલાકો સુધી પડ્યા રહો તો ય કંપની આપે છે, તમારા બધા નખરા સહન કરે છે અને હંમેશાં સુરક્ષિત હોવાનો અહેસાસ કરાવે છે… એક વાત કહું ? પાંચેક મિનિટ સમય કાઢીને પથારી તરફ જોવું.
પથારીનો ય ઇતિહાસ ખૂબ લાંબો છે, દક્ષિણ આફ્રિકામાં છેક પંચોતેર હજાર વર્ષથી પાંદડા કે છોડમાંથી માણસ પથારી પાથરવાનું શીખ્યો છે. આ બેડમાં જીવજંતુઓ ભરાઇ જતાં તેથી તેને વારંવાર સળગાવી દેવામાં આવતા, પણ પથ્થર પર સૂવા કરતાં આવા ઘાસના ગાદલા કમ્ફર્ટ હતાં.
ઇજિપ્તમાં જમીનથી ઊંચી પથારી કરવાનું ચલણ શરૂ થયું. ધનિકો માટેની આ સગવડ શરૂ થઈ, જેના પાયા પર પ્રાણીઓની કોતરણી થતી. ધીમે ધીમે એવું માનવામાં આવ્યું કે જેમ પથારી જમીનથી ઊંચી, એમ તે વ્યક્તિનો મોભો વધારે હોય.
ભારત, જાપાન તથા પૂર્વના દેશોમાં પથારી જમીન સાથે વધુ જોડાયેલી રહેતી. કોઈ પણ સંસ્કૃતિ તેની આબોહવા, જમીન અને પાણી મુજબ વિકસતી હોય છે, એટલે જ આપણે ત્યાં બેડનો ઉપયોગ માત્ર સૂવા માટે થતો….
સનાતન ધર્મના શ્રેષ્ઠ વિજ્ઞાની એવા વરાહમિહિરે તો કહ્યું છે કે, રાજ્યમાં નગર, નગરમાં ઘર અને ઘરમાં આનંદદાયક પથારીથી ઉત્તમ કોઈ સુખ નથી. માણસની ઉંમર, આર્થિક પરિસ્થિતિ તથા જરૂરિયાત મુજબ પથારી, સોરી બેડરૂમ હોવો જોઈએ.
પશ્ર્ચિમમાં ખાટલો કે પલંગ એ જમાનામાં ધનિકો માટે હતો… સમય જતાં કોમન થવા લાગ્યું. ધનિકોને લાગ્યું કે પથારી વિશિષ્ટ થવી જોઈએ. ધીમે ધીમે કોતરણીવાળા પલંગ આવ્યા. ધનિકો એમાં સોનું, ચાંદી, હીરા માણેક જડવા લાગ્યા… આ બેડ એટલા વૈભવી હતા કે તેને છોડવાનું મન જ ના થાય. પરિણામે એ સમયે ધનિકો ખાવાનું અને બિઝનેસ પણ બેડમાંથી કરતાં… ફ્રાન્સના રાજા લુઇ ચૌદમા માટે અલગ અલગ પેલેસોમાં ચારસો કરતાં વધુ બેડ તૈયાર કરાતા. દરેક પથારીનો એકાદ વર્ષે નંબર આવતો. પથારીનું ગાદલું મિન્સ મેટ્રેસ શબ્દ આરબથી આવ્યો.
સોળમી સત્તરમી સદીમાં પૂર્વ હોય કે પશ્ર્ચિમ, પરિવારો મોટા હતાં. એકબીજાની નજીક સાંકડેમાંકડે સૂતા. જો કે ઉચ્ચ વર્ગોમાં પથારી સાદી હતી પણ રૂમ સજાવવાનો શોખ શરૂ થયો હતો. ફેશનના ભાગરૂપે ભદ્રસમાજમાં પડદાની ફેશન શરૂ થઈ હતી.
છેક અઢારમી સદીમાં અમેરિકામાં વિભક્ત પરિવારો શરૂ થતાં સાદા લોખંડ કે નાના લાકડાના બેડની વ્યવસ્થા આવી. ઉદ્યોગો શરૂ થતાં સાદા બેડની અસરો સમગ્ર વિશ્ર્વમાં ફેલાવા લાગી. પરિણામે કમ્ફર્ટ માટે સારી ક્વોલિટીના રૂના ગાદલા આવ્યા… બાકી પહેલાના ગાદલાંમાં જૂના કપડા , રૂ અને નાળિયેરના નાજુક છોળા નાખવામાં આવતા. આધુનિક બેડ અને ગાદલા છેલ્લા સિત્તેર એંસી વર્ષથી આવ્યા અને એમાં પણ ઓશિકાનો ઇતિહાસ અલગ છે…
હા, એક હકીકત એ પણ છે કે ભારતીય સાહિત્યએ જેટલી પ્રેમની વાતો કરી છે એટલી જ મનભરીને બેડરૂમ ટોક પણ લખી છે. આપણા કરતાં વધારે મોડર્ન એવા આપણા પૂર્વજોએ બેડરૂમમાં શું હોવું જોઈએ એની વિસ્તૃત ચર્ચા લખી છે.
બેડની પાસે પુષ્પો, હળવો અગ્નિ (દીવો), સુવાસ ફેલાવતું દ્રવ્ય અને હા, પ્રેમીઓ માટે ખાસ પાનની પેટી.
મહેમાનો માટે મંદિર જેવા બેડરૂમ રાખવા, જેથી આપણી ઇમ્પ્રેસન સારી પડે. આ માટે પણ ખાસ સૂચનો હોય છે, સામાન મૂકવાની સગવડ સાથે રૂમ ખૂલ્લો રાખવામાં આવે છે. ગેસ્ટરૂમમાં મોટો અરીસો હોવો જોઈએ અને શક્ય એટલું ઓછું ફર્નિચર સાથે દીવાલ પર ભવ્ય પેઇન્ટિંગ રાખવામાં આવે છે. એકાદ સરસ પ્લાન્ટર સાથે મહેમાન માટે ખાસ તો ઇસ્ત્રી ટાઇટ પથારી સાથે સારી સુવાસ હોય તો મહેમાન તમને આજીવન યાદ રાખે છે. મહેમાન માટે પંખાનો અવાજ આવવો જોઈએ નહીં અને ઓશિકા જરૂર કરતાં વધારે રાખવા… બોલો, આ પણ શીખવું જરૂરી છે.
બાકી એક જમાનામાં મગધના વેપારીઓ બીજા રાજ્યમાં જતાં ત્યારે સરહદો પર ખાસ ગેસ્ટહાઉસ બનતા, જેમાં બેસ્ટ ભોજન સાથે આરામની શ્રેષ્ઠ સગવડો રાખવામાં આવતી.
યુવા પ્રેમી દંપતી માટે વાતાવરણ મુજબ પુષ્પોનો ઉપયોગ કરી અનેરું એકાંત હોવું પ્રાથમિક શરત છે. અને હા પ્રેમની, સોરી વાસનાની આગ હોય તો ઠંડક આપે તેવો બેડરૂમ હોવો જોઈએ.
શરદના ઠંડા ઠંડા વાયરા હોય કે વસંતની વેલેન્ટાઈન મજાની વાત કરતાં કરતાં આપણે તો સીધી શયનની જ વાત કરવા લાગ્યા.
આપણા રચનાકારોએ આડીઅવળી વાતો વિના મનુષ્ય જીવનની મહત્ત્વની જરૂરિયાત પર સીધી અને સાચી વાત લખી છે. સેક્સ એજ્યુકેશન આપવું કે નહીં ની એકવીસમી સદીની ચર્ચા કર્યા વિના સીધું જ સમજાવી દીધું કે પ્રસન્ન જીવન માટે બેડ અને બેડરૂમ કેવો હોવો જોઈએ.
જેમ ભોજનથી શ્ર્વસનની સુધીની પ્રક્રિયા જીવન માટે અગત્યની છે, એ જ રીતે જીવનમાં શયન પણ અગત્યનું છે. શયન માટે સાદગી જરૂરી નથી પણ ખાસ વીઆઈપી જરૂરિયાતો હોવી જોઈએ. નહીં તો જિંદગીની પથારી ફરી જાય ને આપણે જોતાં રહી જઇએ
કાલીદાસના કુમાર સંભવમાં સફેદ ચાદરવાળા બેડની કલ્પના લખવામાં આવી છે. કાલીદાસના ઋતુસંહારમાં તો દરેક સીઝન મુજબ બેડ કેવો હોવો જોઈએ એનાં વર્ણનો છે. ગરમીમાં ચંદનની સુવાસ હોવી જોઈએ. દરેક ઋતુઓમાં સીઝનલ પુષ્પની શૈયા તો કોમન હતી. એક યુગ પછી પુષ્પોની શૈયા અતિવિશિષ્ટ બનતાં આધુનિક યુગમાં સુહાગરાત પર ફૂલશૈયા પ્રચલિત બની. ફૂલ કે પુષ્પોનો બેડ બનાવી આનંદ માણવો એટલે અંતરના આનંદને પ્રકૃતિ સાથે જોડવો… યાદ કરો પચાસ સાઠના દાયકામાં મુંબઈ અમદાવાદ જેવા શહેરોના યુવાનો કામ પરથી પરત ફરતી વેળા ખાસ વેણી લઇને આવતા.
સુખ દુ:ખ, મિલન, તડપ, અય્યાસી, ભોગ, સંન્યસ્તમૂડ. બધા માટે અલગ અલગ શયન વ્યવસ્થા લખવામાં આવી છે. સેક્સ માટે ફૂલશય્યા, સેક્સમાં પાગલ માટે કમલશય્યા, વૈભવી શયન માટે મહાર્હશયન, બાળકની નાજુકતા માટે નવપલ્લવ શયન, ઉપવાસી માટે કુશશયન, સાધુ માટે મુસલ શયન. તો મૃતદેહ માટે ચંદનૈધસચિતા શય્યા..
આ બધી શય્યામાં પ્રિયતમોની શય્યા, બેડ સૌથી મધુર લખવામાં આવ્યું છે… જેમાં નૃત્ય, ગીત, રસભોજન, સંગીત વાદ્ય તથા જે પ્રેમમાં મદદરૂપ થાય એ બધી કળાઓ ભેગી થઈ ને જે મધુર સર્જન થાય તે સર્વોત્તમ, આ બધો કાલીદાસનો રેફરન્સ છે. પુરુષસ્ત્રીની અપૂર્ણતાથી પૂર્ણત્વ તરફ કે એકત્વથી બહુત્વ માટે જે શય્યા અને શયનની કમ્ફર્ટ સજાવટ કરવામાં આવી, તે માનવજાતની અદ્ભુત કલા છે..
———–
ધ એન્ડ :
નૌશાદને પૂછવામાં આવ્યું કે તમને ક્યો એવૉર્ડ લેવો ગમ્યો? નૌશાદે જણાવ્યું હતું કે બીમારીમાં અમેરિકા સારવાર કરાવવા જવાનું થયું, સારવારના અંતે જ્યારે ફી આપવાનો સમય થયો ત્યારે ડૉક્ટરોએ ફી લેવાની ના પાડતા કહ્યું હતું કે, તમારાં ગીતો સાંભળતા સાંભળતા ભણ્યા છીએ, અભ્યાસ દરમિયાન રાતો જાગતી વેળા તમે કંપની આપી છે. આજે તો લ્હાવો મળ્યો છે… આ ભારતનો સોફ્ટપાવર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -