ત્રિકોણનો ચોથો ખૂણો -વિક્રમ વકીલ
કેટલાક વર્ષો પહેલા ઉત્તર પ્રદેશના ગોરખનાથ મંદિર પર આતંકવાદી હુમલો થયો હતો. સુરક્ષા કર્મચારીઓ પર હુમલો કરનારનું નામ અહમદ અબ્બાસી છે. પોલીસે અબ્બાસીની ઊલટતપાસ કરી ત્યારે એવી હકીકત બહાર આવી કે એક સુંદર દેખાતી યુવતીએ એને ફસાવીને બ્રેઇનવોશ કર્યું હતું. એ યુવતી ઇસ્લામિક આતંકવાદી સંગઠન આઇસીસ માટે કામ કરતી હતી. અબ્બાસીએ પોતે કબૂલ કર્યા પ્રમાણે પોતે યુવતી પર ફીદા થઈ ગયો હતો અને એના બૅન્ક ખાતામાં અનેક વાર નાણા પણ ટ્રાન્સફર કર્યા હતા. આઇસીસમાં જોડાવા માટેની પ્રેરણા પણ એને એ મહિલાએ આપી હતી.
કેટલાક ઉપરની ઘટના માટે ‘હનીટ્રેપ’ શબ્દ વાપરે છે. તો શું ખરેખર અહમદ અબ્બાસીને એક યુવતી દ્વારા ફસાવવામાં આવ્યો હતો? આ ઘટનાને હનીટ્રેપની ઘટના એટલા માટે નહીં કહી શકાય કે અબ્બાસીને રેડીકલ બનાવવા માટે આઇસીસના બીજા આતંકવાદીઓ પણ પૂરતા હતા. એનું મગજ બદલવા માટે કોઈ યુવતીનો ઉપયોગ કરવાની જરૂર નહોતી. તકલીફ એ છે કે કોઈપણ સ્ત્રી પુરુષને એના રૂપ દ્વારા ફસાવીને પોતાનું ધાર્યું કરાવે એને આપણે હનીટ્રેપ ગણી લઈએ છીએ.
વર્ષો પહેલા તો સુંદર સ્ત્રીઓનો ઉપયોગ દુશ્મન દેશના અધિકારીઓને ફસાવીને દેશની ગુપ્ત માહિતી કઢાવવા માટે થતો હતો. સુંદર સ્ત્રી દ્વારા દુશ્મન દેશની માહિતી કઢાવવાની ઘટના આજે પણ બનતી રહે છે. ૨૦૦૯ના વર્ષ દરમિયાન બ્રિટનની જાસુસી સંસ્થા ‘એમ-૧૫ ’એ ૧૪ પાનાનો એક દસ્તાવેજ વહેંચ્યો હતો. બ્રિટનના સેંકડો બૅન્કરો, ઉદ્યોગપતિઓ અને નાણાકીય સંસ્થાના ઉચ્ચ અધિકારીઓને આ દસ્તાવેજ આપવામાં આવ્યો હતો. આ દસ્તાવેજનું નામ હતું : ‘ધ થ્રેટ ફ્રોમ ચાઇનીઝ એસ્પિયોનેજ’ આ દસ્તાવેજમાં કહેવામા આવ્યું હતું કે કઈ રીતે ચીન દ્વારા પશ્ર્ચિમના ઉદ્યોગપતિઓને ફસાવવા માટે સુંદરીઓને છૂટી મૂકવામાં આવી છે. આ સુંદરીઓ બ્રિટનના ટોચની વ્યક્તિઓ સાથે શારીરિક સંબંધ બાંધે અને એમની પાસેથી જોઈતી માહિતી કઢાવી લે. ત્યાર પછી આ માહિતી ચાઇનીઝ જાસૂસી સંસ્થાને આપવામાં આવે. આ આખા કૌભાંડનો ખ્યાલ બ્રિટનની જાસૂસી સંસ્થાને આવી ગયો હતો, એટલે વધુ ગંભીર નુકસાન થતા અટકી ગયું.
સુરતની પોલીસે પ્રજાની ફરિયાદ મેળવવા માટે કેટલાક ઠેકાણે સજેશન બોક્સ મુક્યા છે. આ સજેશન બોક્સમાં મળેલા એક સજેશનને આધારે પોલીસે હનીટ્રેપ દ્વારા પૈસાદારોને ફસાવતા બીજા એક પોલીસ કર્મચારીની ધરપકડ કરી હતી. આ પોલીસ કર્મચારીએ એના એક મળતિયા સાથે મળીને સમૃદ્ધ વિસ્તારમાં એક ફલેટ ભાડે રાખ્યો હતો. આ ફલેટમાં સુંદર યુવતીઓને રાખવામાં આવતી. ત્યાર પછી કોઈ ‘બકરા’ને શોધી કાઢી એને આ ફલેટમાં બોલાવવામાં આવતા. અહીં એમની તસવીરો લેવામાં આવતી. ત્યાર પછી પેલો પોલીસ કર્મચારી આવીને ધમકી આપી લાખો રૂપિયાનો તોડ કરતો હતો. આ એક અલગ પ્રકારનું હનીટ્રેપ થયું કહેવાય.
છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાતના મોટા શહેરોમાં યુવતીઓનો ઉપયોગ કરી પુરુષોને ફસાવી એમને બ્લેકમેઇલ કરીને મોટા પાયે નાણાં પડાવવાનો ‘ઉદ્યોગ’ ફૂલ્યોફાલ્યો છે. કોઈપણ શહેરનું સ્થાનિક અખબાર ખોલો તો દરરોજ એકાદ સમાચાર તો હનીટ્રેપના વાંચવા મળશે જ. આ ઠગ ટોળકીઓમાં મહિલા સાથે પુરુષો પણ હોય છે. સોશિયલ મીડિયા દ્વારા પુરુષોને ફસાવવામાં આવે છે. શરૂઆતમાં ઓળખાણ કરી એકાંત જગ્યાના મકાનમાં બોલાવીને એના કપડાં ઉતારવામાં આવે છે. ત્યાર પછી પોલીસને નામે બોગસ પોલીસ કે કેટલાક કિસ્સામાં તો સાચી પોલીસ પણ ત્રાટકે છે. ફરિયાદ નહીં કરવા માટે લાખ બે લાખ રૂપિયાની માગણી થાય છે. છેવટે ૫૦ થી ૭૦ હજારમાં આખો ખેલ પૂરો કરવામાં આવે છે.
થોડા વર્ષો પહેલા ગુજરાતના એક ભૂતપૂર્વ પ્રધાન પણ આવા હનીટ્રેપમાં ફસાયા હતા. એક યુવતીએ પ્રેસ કોન્ફરન્સ યોજીને પેલા પ્રધાને પોતાનું શારીરિક શોષણ કર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. થયેલી પોલીસ તપાસમાં પેલી યુવતી પ્રોફેશનલ હનીટ્રેપની સભ્ય હોવાની ખબર પડી હતી. બન્ને પક્ષે સામસામી બયાનબાજી થઈ હતી. હવે જોકે સિનિયર રાજકારણીઓ ચતુર થઈ ગયા છે. હનીટ્રેપમાં ફસાવાની વાત તો બાજુએ રહી પરંતુ પોતાની ઓફિસમાં સુંદર યુવતીઓને નોકરીએ રાખતા પણ તેઓ ડરે છે!
————-
માનવટાવર પર ફક્ત મુંબઈના ગોવિંદાઓનો અધિકાર નથી !
ગોવિંદાઓ માનવટાવર રચે એ મુંબઈનો એકાધિકાર નથી. સ્પેનમાં પણ આ પ્રકારનો એક રિવાજ છે. ફેર ફક્ત એટલો છે કે મુંબઈમાં ઉપર લટકતી મટકી ફોડવા માટે ‘ગોવિંદાઓનો ટાવર’ રચાય છે, જ્યારે સ્પેનમાં તો ફક્ત ‘હવામાં કિલ્લો’ રચવાની જ વાત છે. સ્પેનમાં આ પરંપરા ૨૦૦ વર્ષથી ચાલી આવે છે. આ પ્રકારનો ટાવર રચનારા જુવાનિયાઓની વિશેષ ટોળકીઓ હોય છે. આ ટોળકીઓને કોલાના નામે ઓળખવામાં આવે છે. સ્પેનમાં આવી ૫૮ કોલા છે અને તેમાં કુલ ૧૦,૦૦૦ સભ્યો છે. થોડાં વર્ષોથી આ પ્રવૃત્તિનું ટીવી પર જીવંત પ્રસારણ શરૂ થયું છે ત્યારથી આ પરંપરામાં વધુ જુસ્સો આવ્યો છે. ૧૮૫૨માં પહેલી વાર આ પ્રકારનો એકની ઉપર એક એમ કુલ નવ સ્તરનો ટાવર રચાયો હતો. દસ સ્તરનો ટાવર રચવા માટે કુલ મળીને ૭૦૦ સભ્યોની જરૂર પડે છે. તેમાંના મોટા ભાગનાં લોકો, સ્વાભાવિક રીતે સૌથી નીચેના સ્તરમાં ગોઠવાય છે. સૌથી ઉપરના સ્તર પર નાની ઉંમરનો છોકરો કે છોકરી પહોંચે છે. એ ઉપર પહોંચીને પોતાનો હાથ ઊંચો કરે ત્યારે ટાવર પૂરો થયેલો ગણાય. પછી ટાવર હળવેકથી વિખેરાય છે. બધા ધીમે ધીમે એકબીજા પરથી ઊતરી જાય છે. આ બધું વાંચતી વખતે જેટલું આસાન લાગે છે તેટલું વાસ્તવમાં નથી હોતું, નહીંતર તો મુંબઈમાં પણ દસ માળના ગોવિંદાટાવર ઠેરઠેર જોવા મળતા હોત.