(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈના ભવિષ્યના વાહનવ્યવહાર માટેના અત્યંત મહત્ત્વના કોસ્ટલ રોડનો ઉપયોગ ભવિષ્યમાં મેરેથોનના આયોજન માટે કરવામાં આવશે એવી શક્યતા છે.
મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર ઈકબાલ ચહલે સોમવારે મુંબઈ સમાચારને કહ્યું હતું કે મુંબઈમાં મેરેથોનનું આયોજન કરવા માટેની બધી જ તૈયારીઓ થઈ ગઈ છે અને પાલિકાએ આને સફળ કરવા માટે મેડિકલ,ઍમ્બ્યુલન્સ, પ્રથમોપચાર, પીવાના પાણીની વ્યવસ્થા, શૌચાલય, સાફસફાઈ સહિત રસ્તાઓ પરના ટ્રાફિક ડાઈવર્ઝન જેવી વ્યવસ્થાઓ કરી છે.
આગામી ૨૬ ફેબ્રુઆરીએ યોજાઈ રહેલા ‘પ્રોમો-રન’માં પાંચ હજાર મુંબઈગરા ભાગ લેવાના છે, જેમાં ત્રણ કિલોમીટર, પાંચ કિલોમીટર અને ૧૦ કિલોમીટર જેવી ત્રણ પ્રકારની મૅરેથોન થવાની છે. સવારના છ વાગ્યે મુંબઈ મહાનગરપાલિકાના મુખ્યાલયથી ‘પ્રોમો-રન’નો આરંભ થશે.
‘પ્રોમો-રન’નો અનુભવ લઈને ભવિષ્યમાં ‘હાફ મૅરેથોન’નું આયોજન કરવાનો પણ પાલિકાનો વિચાર હોવાનું જણાવતા કમિશનરે કહ્યું હતું કે મૅરેથોનના આયોજન માટે મુંબઈમાં અનેક જગ્યાએ રસ્તા પર વાહનવ્યહાર બંધ કરવા પડે છે, તો અમુક જગ્યાએ રસ્તા પર ડાઈવર્ઝન કરવું પડે છે. ભવિષ્યમાં કોસ્ટલ રોડ તૈયાર થઈ જશે ત્યાર બાદ તેના પર આંતરરાષ્ટ્રીય સ્તરની મૅરાથોનનું આયોજન કરવાની યોજના છે. કોસ્ટલ રોડ પર રસ્તાનું ડાઈવર્ઝન કરવાની પણ જરૂરત રહેશે નહીં અને મૅરેથોન દરમિયાન લોકોને દરિયાના કિનારાની ચોખ્ખી હવા અને સુંદર વાતાવરણનો પણ લાભ થશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ‘ફિટ ઈન્ડિયા’ થીમ પર મુંબઈગરાને ફિટ રાખવા માટે પાલિકાએ હાફ મૅરેથોનનું આયોજન કરવાનું પ્રસ્તાવિત કર્યું હતું. તે મુજબ આ પ્રોમો રનનું આયોજન કરવામાં આવ્યું હતું.