મુંબઈ: એનસીપીના નેતા અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખે દાવો કર્યો હતો કે તેઓને જેલમાં ઓફર મળી હતી અને જો એ તેણે સ્વીકારી લીધી હોત તો એમવીએના નેતૃત્વની સરકાર ઘણા સમય પહેલાં જ પડી ગઇ હોત. દેશમુખ મનીલોન્ડરિંગ મામલામાં ૧૩ મહિનાથી જેલમાં હતા અને હાલમાં તેઓ જામીન પર મુક્ત છે. દેશમુખની નવેમ્બર, ૨૦૨૧માં ધરપકડ કરવામાં આવી હતી અને તેને ૨૮મી ડિસેમ્બર, ૨૦૨૨માં જામીન પર છોડવામાં આવ્યા હતા. દેશમુખે વર્ધા સેવાગ્રામ નદી અને વન સંરક્ષણ ક્ષેત્રમાં કામ કરતી ગ્રામસભાઓ અને બિન-સરકારી સંગઠનોના સામૂહિક વન અધિકારોના રાજ્યસ્તરીય સંમેલનને સંબોધિત કર્યું હતું.
અનિલ દેશમુખે ભાજપે આપેલી ઓફરને ઠુકરાવી દેતાં તેને જેલની સજા થઇ હતી, એવું શરદ પવારે જણાવ્યું હતું. જોકે અનિલ દેશમુખે પણ એ સમયે પોતાનો અનુભવ વ્યક્ત કર્યો હતો. મારી પાસે સમજૂતીનો પ્રસ્તાવ હતો. જો મેં સમજૂતી કરી લીધી હોત તો જેલવાસ ભોગવવો ન પડ્યો હોત. એ સમયે જો હું પક્ષમાંથી બહાર નીકળ્યો હોત તો અઢી વર્ષ પહેલાં જ મહાવિકાસ આઘાડી પડી ગઇ હોત. મારા સાહેબનો મારા નેતૃત્વ પર વિશ્ર્વાસ છે. હું જિંદગીઆખી જેલમાં વિતાવીશ, પણ પક્ષને તો નહીં જ છોડું.
ઈડી અને સીબીઆઈના ભયથી અનેક લોકોએ પક્ષાંતરણ કર્યું. મારા પર પણ સતત દબાણ આણવામાં આવ્યું હતું. મારા પર રૂ. ૧૦૦ કરોડનો ગેરવ્યવહારનો આરોપ કરવામાં આવ્યો હતો. જોકે મારા વિરોધના આરોપનામામાં માત્ર રૂ. ૧.૭૧ કરોડની રકમનો ગોટળો કર્યો હોવાનું જણાવવામાં આવ્યું હતું. મારી સાથે ઠગાઇ કરવામાં આવી હતી, પણ હું મારી ભૂમિકામાં નક્કર રહ્યો હતો. આખરે ન્યાયદેવે મને ન્યાય આપ્યો છે. કોર્ટે મારા વિરુદ્ધ કોઇ પણ પુરાવા ન હોવાનું સ્પષ્ટ કર્યું છે, એવું અનિલ દેશમુખે જણાવ્યું હતું.
—
દેશમુખને ભાજપમાં પ્રવેશની ઓફર હતી: પવાર
અનિલ દેશમુખને જેલમાં જતાં પહેલાં ભાજપ તરફથી પક્ષમાં પ્રવેશવાની ઓફર આપવામાં આવી હતી, એવું વક્તવ્ય એનસીપીના વડા શરદ પવારે જણાવ્યું હતું. દેશમુખને વારંવાર એવું કહેવામાં આવતું હતું કે તમે પક્ષ બદલો, તમારો વિચાર બદલો, નેતૃત્વ બદલો, પણ એ સમયે દેશમુખે માત્ર એટલું જ કહ્યું હતું કે આખી જિંદગી જેલમાં વિતાવીશ, પણ મારા પક્ષનો સાથ નહીં છોડું.