અમદાવાદ: ગુજરાતમાં સરકારી ભરતી અને પરીક્ષામાં અનેક કાંડ બહાર લાવ્યા બાદ છેલ્લી પરીક્ષામાં ડમીકાંડનો પર્દાફાશ કરનારા યુવા નેતા યુવરાજસિંહ જાડેજા સામે હવે કાયદાનો સાણસો ભીડાયો છે. ભાવનગરના ડમી કાંડ કેસમાં તેમની સામે ફરિયાદ નોંધાયા બાદ ભાજપે તેમની સામે ખૂલીને મોરચો માંડ્યો છે. ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે યુવરાજસિંહનું નામ લીધા વગર એવો આક્ષેપ કર્યો હતો કે જે વ્યક્તિ કૌભાંડ બહાર પાડતો અને કેટલાક દોષી લોકોને બચાવવાનું પ્રોમિસ કરીને પણ મોટી રકમ રોકડા પડાવી લેવાના કેસમાં પાંજરે પૂરાયો છે.
ભાવનગરના ૩૦૧મા જન્મદિવસ નિમિત્તેની ઉજવણીમાં સામેલ થયેલાંપાટીલે વધુમાં કહ્યું હતું કે, ડમીકાંડમાં જે વ્યક્તિ પહેલાં નામ ખુલ્લા પાડવાનો દાવો કરતો હતો તે આજે આરોપીના પાંજરામાં છે. સ્વાભાવિકપણે આવા કોઈ કાંડ થતાં હોય તો તેની માહિતી પોલીસ અને પત્રકારોને મળતી હોય છે. એના બદલે આખા રાજ્યમાં કોઈને કોઈ જગ્યાએ કોઈ ડમીમાં પરીક્ષા આપવા જાય અથવા તો કોઈ પેપર લીક થાય સૌથી બાતમી તે વ્યક્તિને મળતી હતી. તો પોલીસ પાસે જે માહિતીના સ્ત્રોત આવે તે ગુનેગાર પાસેથી મળતા હોય છે. એટલે આ જે આરોપી પકડાયા છે તેનો સ્ત્રોત પણ કોઈ ગુનેગાર સાથે જોડાયેલા હશે એના કારણે હતાં. તેમણે વધુમાં કહ્યું હતું કે, આખા રાજ્ય અને દેશે જોયું છે જે વ્યક્તિ પોતે આવા કૌભાંડને ખુલ્લાં પાડવાની વાત કરે છે તે પોતે પાંજરે પૂરાયો છે અને કરોડો રૂપિયા આમાંથી ઉસેટી લીધા છે. નિર્દોષ લોકોને પણ દબાવ્યા છે અને કેટલાક દોષી લોકોને બચાવવાનું પ્રોમિસ કરીને પણ મોટી રકમ રોકડામાં લીધી છે એના વીડિયોના પુરાવા પોલીસે કબજે કર્યા છે. મને એવું લાગે છે કે, આ તપાસમાં હજુ પણ એમની સાથે જોડાયેલાં ઘણાં લોકોને પોલીસ શોધી કાઢશે અને યોગ્ય સજા આપશે. તેમણે એવું પણ કહ્યું હતું કે, જો નામ લેવું અને પુરાવા આપવા તે બંને અલગ-અલગ વાત છે. તેમને નામ આપવાનો અધિકાર છે અને પુરાવો આપવાની પણ ફરજ છે. પોતાના બચાવ માટે કોઈ પણ વ્યક્તિનું નામ લઈને બચવાનો પ્રયત્ન કરવો તે યોગ્ય નથી. તેમણે જે નામ આપ્યા છે પોલીસ તેની પણ તપાસ કરશે.