નિસર્ગનો નિનાદ -ધર્મેન્દ્ર ત્રિવેદી
નાનો હતો ત્યારે ત્યારે કિશોરકથાઓ બહુ વાંચી. જાણતા-અજાણતા એમાં ઓલ્ડમેન એન્ડ ધ સી પણ વંચાઈ ગયેલી ત્યારે તેનું સાહિત્યિક કે અન્ય કોઈ મુલ્ય સમજાતું નહોતું. પણ જુલે વર્નની સાહસકથાઓમાં અનેક દરિયાઈ પ્રાણીઓનો કાલ્પનિક પરિચય થયેલો. ત્યાર બાદ જેમ જેમ મોટો થતો ગયો એમ એમ જુદાં જુદાં પ્રાણીઓ સાથે વાસ્તવિક સંબંધો પણ જોડાયા. પ્રથમ જીવનમાં પક્ષીઓ આવ્યા, પક્ષીઓ પરથી હળવેકથી ક્યારે હું સરિસૃપો તરફ આકર્ષાયો એ સૂધબૂધ ન રહી. બાળપણમાં નાનકડા ગામડાની નેચર ક્લબના માધ્યમથી જીવનમાં પ્રથમવાર ધોરાજી મુકામે પાંચ દિવસનો એક અદ્ભુત ફિલ્મ શૉ યોજાયેલો. નેશનલ જ્યોગ્રાફિક માટે બ્રિટીશ ડોક્યુમેન્ટરી મેકર ડેવિડ એટનબરોની એક સિરીઝ હતી ‘લાઈફ ઓન અર્થ’. આ ડોક્યુમેન્ટરી પાંચ કલાકની હતી. આ ફિલ્મ જોવા હું રોજ સાંજે સાત વાગ્યાની ટ્રેનમાં મોટી પાનેલીથી ધોરાજી જતો. ફિલ્મ પતે એટલે રેલવે સ્ટેશને બાંકડે સૂઈ જતો અને રાત્રે સાડા અગિયારની ટ્રેનમાં રિટર્ન થતો.
આ ફિલ્મમાં પૃથ્વી પરના જમીન, આકાશ અને જળમાં જીવતાં મહત્ત્વનાં તમામ પ્રાણીઓને આવરી લેવાયાં હતાં. આફ્રિકાના સહારાના રણથી લઈને એન્ટાર્કટીકના બર્ફાચ્છાદિત પ્રદેશનાં પ્રાણી-પાંખીઓ સમાવી લેવાયેલાં. એમાંથી મને વિશ્ર્વના અજાયબી ભયાર્ં પંખીઓ, પ્રાણીઓ અને ખાસ કરીને દરિયાઈ જીવો પરની ફિલ્મો છેક અંતરમનમાં કોતરાઈ ગયેલી. આજે પણ એ ડોક્યુમેન્ટરીનો કોઈ પણ અંશ જોઉ તો પણ ઓળખી જાઉ કે આ તો લાઈફ ઓન અર્થનો અંશ છે !.
આજે વાત કરવી છે ભારતમાં ગુજરાતમાં પર્યાવરણ ક્ષેત્રે કોઈ સાધુનું સૌથી મોટું પ્રદાન જો મને લાગ્યું હોય તો તેનો એક નમૂનો ગુજરાતના લોકો જેમને બાપુના નામથી ઓળખે છે તેવા મોરારિબાપુનું પર્યાવરણ ક્ષેત્રે કરેલી એક પહેલ આપે છે. મોરારિબાપુને એક સુંદર કથાકાર તરીકે હું માન આપું, સાહિત્યના ક્ષેત્રે એમની અસ્મિતાપર્વની શરૂઆત માટેના મતમતાંતરોમાં આપણે પડવું નથી. બાળપણથી દરિયાઈ જીવો પ્રત્યેના મારા અલગ પ્રકારના લગાવના લીધે દરિયાઈ પ્રાણીઓની જાતિઓ પ્રજાતિઓ બાબતે હું સતત વાંક્યા વિચાર્યા કરતો. દરિયાઈ અનેક જીવો મને વહાલા છે, તેમાં પણ મને સૌથી વહાલા જો કોઈ હોય તો તેમાં દરિયાઈ સર્પો, કાચબા અને વ્હેલ શાર્ક નામની એક ભીમકાય માછલી છે. સ્પર્ધાત્મક પરિક્ષાઓમાં એક પ્રશ્ર્ન ઘણીવાર પુછાતો હોય છે કે દરિયાની સૌથી મોટી માછલી કઈ ? મોટે ભાગે જવાબ મળે કે વહેલ, પરંતુ એ જવાબ ખોટો છે. વહેલ એ દરીયામાં રહેતી ભીમકાય માછલી નથી પણ એ સસ્તન વર્ગનું પ્રાણી છે. તે દરિયાના પાણીમાં શ્ર્વાસ લઈ શકતું નથી અને શ્ર્વાસ લેવા તેને દરિયાની સપાટી પર આવવું પડે છે. તો સૌથી મોટી માછલી જેના શરીરમાં દરિયાના પાણીમાંથી ઑક્સિજન મેળવવાની સુવિધા હોય તો એ છે આપણી વહેલ શાર્ક.
તો યાર એક પ્રશ્ર્ન છે કે આ વહેલ શાર્ક અને મોરારિબાપુને શું લેવાદેવા? અર્નેસ્ટ હેમીંન્ગવેની ઓલ્ડ મેન એન્ડ ધ સી માં એક વૃદ્ધ માછીમારની વ્હેલના શિકારની કશમકશ છે. એ જ રીતે વહેલ શાર્કનો વિવિધ કારણોસર મોટી માત્રામાં શિકાર થાય છે. તેના શિકારની રીત બહુ ક્રૂર છે. વહેલ શાર્ક જ્યારે પાણીની સપાટી પર આવી હોય ત્યારે માછીમારો તેના શરીરમાં હાર્પુન નામનો ભાલો ખૂંચાડી દે છે. હાર્પુન સાથે એક દોરડું બાંધેલું હોય છે. આ દોરડું લગભગ સોએક ફૂટ લાંબું હોય છે અને તેનો બીજો છેડો એરટાઈટ પતરાના બેરલ સાથે બાંધેલો હોય છે. ભાલા જેવું હાર્પુન ખૂંચી જવાથી થયેલી પીડાને કારણે વહેલ શાર્ક પાણીમાં ડૂબકી લગાવે, પરંતુ હવા ભરેલા બેરલને કારણે શાર્ક ચૂકસ ઊંડાઈથી વધારે ડૂબકી મારી નથી શકતી અને વારે વારે સપાટી પર આવી જાય. અંતે થાકીહારીને વહેલ શાર્ક સપાટી પર આવી જાય એ માછીમારો તેને દરિયાકાંઠે લાવીને તેને મારી નાખે છે. બેરલથી તેનો શિકાર થતો હોવાથી ગુજરાતી માછીમારો તેને બેરલ શાર્ક તરીકે પણ ઓળખે છે.
આ બેરલ શાર્ક હૂંફાળા પાણી એટલે કે લીલા રંગના દરિયામાં ભ્રમણ કરે છે, કારણ કે તેનો ખોરાક આશ્ર્ચર્યજનક રીતે સાવ સૂક્ષ્મ જીવ એટલે કે ક્રીલ નામનો દરિયાઈ જીવ છે. વધુમાં તેનું બ્રીડિંગ પણ હૂંફાળાય પાણીમાં થતું હોવાથી તેઓ બ્રીડિંગ સિઝનમાં ભારતના અને ગુજરાતના દરિયાકિનારે પણ આવે છે. આ માછલીનો એટલી મોટી માત્રામાં શિકાર થવા લાગ્યો કે તે ખતરાના આરે આવી ગઈ. આને બચાવવા વિશ્વકક્ષાની અમુક સંસ્થાઓ વિશ્વના તમામ દરિયાખેડૂઓને સમજાવવા પ્રયત્ન કરી રહી હતી, પરંતુ નફાની લાયમાં માછીમારો પ્રતિબંધ હોવા છતાં શિકાર કરતા જ રહ્યા. અંતે આ વાત કોઈએ મોરારિબાપુના કાને નાખી અને કહ્યું કે આ માછલીને બચાવવા માટે કંઈ કરો. મોરારિબાપુની કથા એ સમયે ગુજરાતના માછીમારો માટે જ થવાની હતી. એ તકનો લાભ લઈને મોરારિબાપુએ પોતાની કથામાં આ માછલીના બચાવ માટે એક પ્રયાસ કર્યો. મોરારિબાપુએ કથામાં એક દિવસ અચાનક બધાને પ્રશ્ર્ન કર્યો કે ‘તમારી દીકરી સાસરેથી પ્રસતિ માટે પિયર આવે તો તેને તેની કાળજી લેશો કે તેની સાથે દુષ્ટતા કરશો ?’ શું પ્રત્યુતર મળ્યો હશે એ આપણે સૌ સહજ રીતે જ સમજી જઈએ. પછી મોરારિબાપુએ એમને કહ્યું કે તો પછી વિદેશી દરિયામાંથી ભારતના દરિયામાં પ્રસૂતી માટે આવતી બેરલ શાર્ક, જે તમારી દીકરી જ છે ‘તો તમે પૈસા માટે મારો છો તે પિયર આવી દીકરીને મારવા જેટલું જ ભયાનક પાપ છે.’ અને ચમત્કાર થયો, કાયદો,
સજા અને દંડથી ન સમજેલા માછીમારોના હૃદયમાં આ
વાત સોંસરવી નીકળી ગઈ. ત્યાર બાદ વહેલ શાર્ક માછલીનો શિકાર આજે વર્ષોથી બંધ થયો છે અને તેનું શ્રેય મોરારિબાપુને આપવું જ રહ્યું. (ભાષાંતરકાર, ગુજરાત વિધાનસભા)