આચમન -કબીર સી. લાલાણી
સદા નમ્રતા મનમેં ધારો
યહ સત ગુરુ કા કહના હૈ
શીશ ઝુકાકર જગ મેં ચલના
યહ સેવક કા ગહના હૈ
નલ કે આગે શીશ ઝુકાવો
તો યહ પ્યાસ બુઝાતા હૈ
કહે અવતાર નમ્રતાવાલાહી
પ્રભુ કો પાતા હૈ…
– સંતબાબા અવતાર સિંગનીઆ
પંક્તિઓમાં જગતના તમામે તમામ ધર્મોનો સાર આવી જાય છે.
* એકમાત્ર ઈશ્ર્વર જ માન અપમાનથી પર છે.
* અહંકાર વિનાનો છે.
* બાકી સર્વે અહમ્ (અભિમાન)થી ભરેલા હોય છે.
* કેટલાંકને તો ‘મને કોઈ વાતનું અભિમાન ચડે જ નહીં’ એ વાતનું અભિમાન હોય છે.
* અભિમાન છોડો,
* નમ્ર થાઓ…
– આ વાત બોલવી કે લખવી બહુ આસાન (સહેલી) છે,
* અમલમાં મૂકવી બહુ મુશ્કેલ છે.
બોધ:
* મોજશોખના સર્વ સાધનો હોવા છતાં ઈન્સાન સંયમ સેવે
* નીતિનિયમ અને ધર્મને છોડે નહીં અને આ બધા કરતા ઈન્સાન તણખલા જેટલો રહે.
* એને જરા અમથુંય અભિમાન નડે નહીં એ છે નિરાભિમાન.
નમે તે સૌને ગમે:
પ્રાચીન સુભાષિત સંગ્રહમાં એક શ્ર્લોકમાં કહ્યું છે કે, ‘નમે તે સૌને ગમે, નમે એ વંટોળિયાને ખમે…!’
આ સંર્દભમાં એક સુંદર બોધકથા પણ જ્ઞાનમાં વધારો કરનારી બની રહેવા પામશે.
– એકવાર આંધી આવી ત્યારે આંબો નમી ગયો, તાડનું ઝાડ મૂળસોતું જમીનમાંથી ઉખડી ગયું. જરા અમથું ઠુંઠું રહી ગયું.
વંટોળિયો ચાલ્યો ગયો ત્યારે તાડના ઠુંઠાએ આંબાને પૂછ્યું કે વંટોળિયાની રાક્ષસી તાકાત છતાં તું શી રીતે ઊગરી ગયો?
ત્યારે આંબાએ કહ્યું કે વંટોળિયો આવે કે ન આવે, હું તો હંમેશાં નમેલો રહું છું.
* હું નમેલો હતો એટલે મારા માથા પરથી વંટોળિયો ચાલ્યો ગયો.
* તું વંટોળિયા સામે અક્કડ ઊભો રહ્યો માટે ફેંકાઈ ગયો.
* નમે તે સૌને ગમે.
સનાતન સત્ય:
* નિરાભિમાની માણસમાં હિંસા રહેતી નથી.
* આપણી આજુબાજુ જે કલેશ-હુંકારા અને અશાંતિ જોવા મળે છે,
* હિંસા અને ત્રાસવાદ જોવા મળે છે તેના મૂળમાં અહમ્ રહેલો છે.
* અહમ્ ઓગળી જાય તો અનાયાસે શાંતિ સર્વત્ર સ્થપાઈ જાય.
આત્મમંથન:
* ઈન્સાનનો સ્વાર્થ અને અભિમાન ઝઘડા-લડાઈ સર્જે છે.
* દરેક શખસ બીજાના ભોગે આગળ જવા માગે છે.
* દરેકને સુખ જોઈએ છે.
* કોઈને દુ:ખ ખપતું નથી.
* બીજાનું જે થવાનું હોય તે થાય.
* ચડતી તો મારી જ થવી જોઈએ.
– ટૂંકમાં ઈન્સાનની ઈચ્છાઓનો અંત જ નથી.