એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ
રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ અને ભાજપ સાંસદ બ્રિજભૂષણ સિંહ દ્વારા એક સગીર છોકરી સહિત સાત મહિલા કુશ્તીબાજોની જાતિય સતામણી કરાઈ તેની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોલીસ તો આ ફરિયાદ નોંધવા પણ તૈયાર નહોતી પણ સુપ્રીમ કોર્ટના ફરમાનના કારણે બ્રિજભૂષણ સામે પોક્સો સહિતની કલમો હેઠળ એફઆઈઆર નોંધવી પડી છે. આ ફરિયાદ નોંધાયાને સાત દિવસ થઈ ગયા છતાં બ્રિજભૂષણને જેલભેગો કરીને કાયદાનું પાલન કરવામાં પાણી વિનાની પુરવાર થયેલી દિલ્હી પોલીસે દિલ્હીના જંતરમંતર પર ધરણાં કરનારા કુશ્તીબાજો અને તેમને સમર્થન આપનારાં સામે શૂરાતન બતાવવા માંડ્યું છે.
દિલ્હી પોલીસે એક તરફ જંતર-મંતર પર વિરોધ કરી રહેલા કુસ્તીબાજો પર અડધી રાતે લાઠીચાર્જ કર્યો ને તેમાં કુશ્તીબાજ વિનેશ ફોગાટના ભાઈનું માથું ફોડી નાંખ્યું. બીજા કુશ્તીબાજોને પણ પોલીસે ફટકાર્યા અને ખરાબ વર્તન કર્યું. બીજી તરફ કુસ્તીબાજોના સમર્થનમાં રેલી કાઢી રહેલી દિલ્હી યુનિવર્સિટીની વિદ્યાર્થિનીઓ સાથે પણ પોલીસે અભદ્ર વર્તન કરીને તેમની અટકાયત કરી. બજરંગ પુનિયાએ વિદ્યાર્થિનીઓ પાસે સમર્થન માગ્યું હતું કેમ કે આ મામલો મહિલા કુશ્તીબાજોના જાતિય શોષણનો છે.
દિલ્હી યુનિવર્સિટીની વિદ્યાર્થિનીઓ આ અપીલને કારણે રેલી કાઢી તો પોલીસ તેમના પર તૂટી પડી. દિલ્હી યુનિવર્સિટીની વિદ્યાર્થિનીઓએ પોલીસ સામે અભદ્રતા આચરવાનો અને મારપીટ કરવાનો આક્ષેપ મૂક્યો છે. દિલ્હી યુનિવર્સિટીની વિદ્યાર્થિનીઓ સાથેના પોલીસના વર્તનના વીડિયો વાઇરલ થયા છે. આ વીડિયો પરથી જ ખબર પડે કે, આ આક્ષેપો સાવ ખોટા નથી.
જંતર-મંતર પર કુસ્તીબાજોના ધરણાં ઘણા દિવસોથી ચાલી રહ્યાં છે. કુશ્તીબાજો ગાદલાં પાથરીને ધરણાં કરી રહ્યા છે. દિલ્હીમાં બુધવારે સાંજે વરસાદ શરૂ થયો તેથી જમીન પર સૂવું શક્ય નહોતું તેથી આમ આદમી પાર્ટીના નેતા સોમનાથ ભારતી ફોલ્ડિંગ બેડ લઈને ધરણાં સ્થળ પર આવ્યા હતા. વરસાદને કારણે ધરણાંના સ્થળે જમીન પર સૂવું શક્ય નહોતું તેથી બેડની વ્યવસ્થા કરવામાં આવી હતી પણ પોલીસને આ વાત માફક ના આવી.
બુધવારે રાત્રે લગભગ ૧૦:૪૫ વાગ્યે વિનેશ તેની બહેન સંગીતા ધરણાં સ્થળથી થોડે દૂર બેડ લેવા જતી હતી ત્યાં પોલીસે તેમને રોક્યાં. વિનેશના પતિ સત્યપાલનો આક્ષેપ છે કે, આ પોલીસ નશામાં ધૂત હતો ને તેણે ગાળાગાળી કરીને સવાલ કર્યો હતો. વિનેશે પથારી લેવા જઈએ છીએ એવું કહ્યું તો પોલીસે વિનેશને ગાળો આપીને કહ્યું કે, અહીં કાદવમાં જ સૂઈ જાઓ.
વિનેશ અને તેની બહેને વિરોધ કરતાં પોલીસ અને કુસ્તીબાજો વચ્ચે બોલાચાલી શરૂ થઈ ગઈ. આ જોઈને વિનેશના ભાઈ સહિત બાકીના કુસ્તીબાજો દોડી આવ્યા. આ બોલાચાલી દરમિયાન અચાનક જ પોલીસે વિનેશના ભાઈના માથામાં લાકડી ફટકારી અને બીજા કેટલાયને પણ ઝૂડી નાંખ્યા.
આ કુશ્તીબાજોએ કરેલી વાત છે જ્યારે પોલીસનું કહેવું છે કે, પોલીસની મંજૂરી વિના જ બેડ લાવવામાં આવ્યા હતા. પોલીસે દરમિયાનગીરી કરીને તેમને રોક્યા ત્યારે કુશ્તીબાજોના સમર્થકો આક્રમક બની ગયા અને ટ્રકમાંથી પથારી કાઢવાનો પ્રયાસ કર્યો હતો. એ પછી નજીવી બોલાચાલી થઈ હતી. પોલીસે સોમનાથ ભારતી સહિત કુલ ત્રણ લોકોની અટકાયત કરી છે. દિલ્હીના ડીસીપી પ્રણવ તાયલે સત્તાવાર રીતે મીડિયા સામે આપેલું આ નિવેદન છે ને તેમાં ક્યાંય કુશ્તીબાજોએ કશું ખોટું કર્યું હોવાનો ઉલ્લેખ નથી.
હાસ્યાસ્પદ વાત એ છે કે, પોલીસને મંજૂરી વિના જ બેડ લાવવામાં આવ્યા તેની સામે વાંધો પડ્યો ને તેમાંથી આખી બબાલ ઊભી કરી દીધી. વિરોધ કરી રહેલા કુશ્તીબાજો વરસાદના કારણે ગંદી થયેલી જમીન પર સૂવા માટે ફોલ્ડિંગ બેડ મંજૂરી વિના જ લઈ આવ્યા તો તેમાં ક્યો મોટો કાયદાનો ભંગ થઈ ગયો કે આભ તૂટી પડ્યું? આ બહુ સામાન્ય વાત છે ને પોલીસે કોઈ બબાલ કર્યા વિના ફોલ્ડિંગ બેડ લઈ જવા દીધા હોત તો સમસ્યા જ નહોતી થવાની પણ પોલીસે એવું કરવાના બદલે ખોટી મગજમારી કરી, કુશ્તીબાજો સાથે ઘર્ષણ કર્યું અને તેમને ફટકાર્યા.
પોલીસના વર્તન પરથી સ્પષ્ટ છે કે, પોલીસ બ્રિજભૂષણને કશું કરવાની નથી પણ તેમની સામે પડેલા કુશ્તીબાજોને ડરાવી-ધમકાવીને કે બળપ્રયોગ કરીને ઘરભેગા કરી દેવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. દિલ્હી પોલીસ કેન્દ્ર સરકારના તાબા હેઠળ કામ કરે છે તેના પરથી સ્પષ્ટ છે કે, કેન્દ્ર સરકારની સૂચનાથી જ બધું થઈ રહ્યું છે. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારનો ઈરાદો સ્પષ્ટ છે કે, કુશ્તીબાજો ગમે તેટલી કૂદાકૂદ કરે પણ બ્રિજભૂષણને કશું ના થવું જોઈએ.
આ વલણ ને આ માનસિકતા આઘાતજનક છે. એક તરફ તમે દીકરીઓને સન્માન આપવાની મોટી મોટી વાતો કરો છો ને બેટી બચાવોનાં અભિયાન ચલાવો છો ત્યારે બીજી તરફ આ જ દેશની દીકરીઓ પોતાના આત્મસન્માન માટે લડી રહી છે ત્યારે પોલીસને મોકલીને તેમને દબાવી દેવા મથો છો. એક બે બદામના સાંસદ માટે થઈને આ દેશને ગૌરવ અપનાવનારી દીકરીઓને બેઈજજત કરી રહ્યા છો. સાલુ, બેવડાં ધોરણો ને નીચતાની હદ કહેવાય.
મોદી સરકારની સાથે સાથે ભારતીય ઓલિમ્પિક એસોસિએશન સહિતનાં સ્પોર્ટ્સ એસોસિએશનો તથા આપણા કહેવાતા સ્પોર્ટ્સસ્ટાર્સનું વલણ પણ અત્યંત શરમજનક છે. ગણ્યાગાંઠ્યા ખેલાડીઓને બાદ કરતાં આ કુશ્તીબાજ દીકરીઓના પડખે ઊભા રહેવા કોઈ રમતવીરો આગળ આવતા નથી એ જોઈને આઘાત લાગે છે ને શરમ પણ આવે છે.
સૌથી આઘાતજનક વલણ દેશ માટે ગૌરવરૂપ પી.ટી. ઉષાનું છે. ઉષા અત્યારે ભારતીય ઓલિમ્પિક એસોસિએશનનાં પ્રમુખ છે. આ ઉષાબેને ડહાપણ ડહોળ્યું કે, કુસ્તીબાજો રસ્તા પર પ્રદર્શન કરે એ શિસ્તહીન વર્તન કહેવાય. તેના કારણે ભારતની છબી ખરાબ થઈ રહી છે.
ઉષા મહાન ખેલાડી છે પણ ભાજપની ચાપલૂસીમાં તેમણે સામાન્ય વિવેક અને પોતાનું ગૌરવ બંને ગુમાવી દીધાં. ઉષાબેનને કુસ્તીબાજો રસ્તા પર પ્રદર્શન કરે એ શિસ્તહીન વર્તન લાગે છે જ્યારે રેસલિંગ ફેડરેશનનો પ્રમુખ ૧૫ વર્ષની છોકરીઓની છેડતી કરે, તેમનું જાતિય શોષણ કરે તેમાં દેશનું ગૌરવ લાગે છે? દેશ માટે શરમની વાત કુસ્તીબાજો રસ્તા પર પ્રદર્શન કરે એ નથી પણ તમારી મહેરબાનીથી બ્રિજભૂષણ જેવો નપાવટ ફેડરેશનનો પ્રમુખ થઈને બેઠો છે એ છે.