Homeઈન્ટરવલઆર્ષદ્રષ્ટા સંસ્કૃતિરક્ષક શ્રી કનૈયાલાલ માણેકલાલ મુનશી

આર્ષદ્રષ્ટા સંસ્કૃતિરક્ષક શ્રી કનૈયાલાલ માણેકલાલ મુનશી

દીપક દોશી

अहम् निर्विकल्पो निराकार रुपो
विभुव्याप्य सर्वत्र सर्वेन्द्रियाणाम
सदा में समत्वं न मुक्तिः न बंधः
चिदानंद रूपः शिवोहम शिवोहम
આદિ શંકરાચાર્ય રચિત આત્મષટકમ્ સ્તોત્ર સાથે મુનશીજીએ છેલ્લા શ્ર્વાસ મૂક્યા. ભવનની સંસ્કૃત પાઠશાળાના તત્કાલીન આચાર્ય શ્રી ભાઈશંકર પુરોહિત ખૂબ સુંદર રીતે આત્મષટક ગાતા. મુનશીજીનો આગ્રહ હતો કે મારા છેલ્લા શ્ર્વાસ આ અત્મષટક સાંભળતાં જાય. મૃત્યુ વ્યક્તિના ચરિત્રનો અરીસો છે. એમની અંતિમ ઇચ્છામાં મુનશીજીની સુદૃઢ આધ્યાત્મિક શ્રદ્ધા ફલિત થાય છે. આ શ્રદ્ધાનો પાયો મુનશીજીના બાલ્યકાળમાં જોઈ શકાય છે. મુનશીજી આત્મકથામાં નોંધે છે કે પોતે મુનશીના ટેકરાવાળા ઘરમાં શિવજીના બાણ સામે ધ્રુવની જેમ એક પગે ઊભા રહી સ્તોત્રો બોલતા. એમનાં જીજીમા (માતા, અતિલક્ષ્મી) એમને પૌરાણિક અનેક વાર્તાઓ સંભળાવતાં. રામાયણ, મહાભારતની કથાઓ બાળમુનશી માત્ર સાંભળતા જ નહીં પણ જીવતા સુધ્ધાં. એ અકીકનું લિંગ જેની સામે મુનશી એક પગે ઊભા રહી સ્તોત્રો બોલતા એ હાલ અંધેરીના ભવન કેમ્પસના હાર્દમાં બિરાજે છે. ચંદ્રમૌલેશ્ર્વરના મંદિરમાં એ અકીકનું લિંગ આજે પણ પૂજાય છે. મૂળે એ નેપાળથી મંગાવવામાં આવેલું. એટલે એમ
કહી શકાય કે મુનશીજીના જીવનમાં જ નહીં પણ ભારતીય વિદ્યાભવનના કેન્દ્રમાં પણ ઈશ્ર્વર બિરાજમાન છે. તેઓ હંમેશાં કહેતા કે ‘ભવન્સ વર્ક ઇસ ગોડ્સ વર્ક.’ એટલે કે ભવનનું કામ એ ભગવાનનું જ કામ છે.
મુનશીજીની દૃષ્ટિએ અધ્યાત્મ એ અનંતમાં લગાવેલી શ્રદ્ધાયુક્ત છલાંગ છે. ઊર્ધ્વમાં વ્યક્તિ પોતાના ચરિત્ર પ્રમાણે પહોંચે છે. મુનશી એક પત્રમાં શ્રી અરવિંદ, એની બેસન્ટ અને ગાંધીજીને પોતાના ગુરુ સ્થાને સ્વીકારે છે. જીવનનાં છેલ્લાં વર્ષોમાં કૃષ્ણાવતાર લખતી વખતે મુનશીજી અનેકવાર કૃષ્ણની ચેતના સાથે એકરૂપ થઈ જતા. લેખન અટકાવી દેવું પડતું. આંખમાંથી અશ્રુધારા વહેતી અને દૃષ્ટિ આકાશ ભણી અગોચરને તાકતી રહેતી.
તારીખ ૩૦ ડિસેમ્બર ૧૮૮૭ના દિવસે બપોરના ૧૨:૦૦ વાગે ભરૂચ ખાતે એમનો જન્મ અને ૮મી ફેબ્રુઆરી ૧૯૭૧ના રોજ સંધ્યાકાળે એમનો દેહવિલય. ૮૩ વર્ષની આયુમાં એમણે સામાન્ય વ્યક્તિ કરતાં અનેક ગણું કામ કરી બતાવ્યું. જીવનનું ભાગ્યે જ કોઈ ક્ષેત્ર એવું હશે જેમાં એમનું મૌલિક પ્રદાન ન હોય.
મુનશીજીને સ્વપ્નદ્રષ્ટા તરીકે અને ગુજરાતી અસ્મિતાના આરાધક તરીકે જોવામાં આવે છે પણ મુનશીજી માત્ર સ્વપ્ન જોતા નથી, એને સાકાર કરવાના અનેક પુરુષાર્થ પણ કરે છે. પરિણામે સ્વપ્નસ્રષ્ટા બને છે. આજે પણ દેશ-વિદેશમાં ભારતીય વિદ્યાભવનની અનેક શાખાઓ ભારતીય સંસ્કૃતિની સાશ્ર્વત જ્યોત સંકોરી રહી છે. ભવનની વિદેશ શાખાઓ ઓસ્ટ્રેલિયા, કુવૈત, દોહા, અબુધાબી, લંડન અને અમેરિકામાં ન્યુયોર્ક સ્થિત છે. એ ઉપરાંત ભારત અને વિદેશમાં એની ૩૫૦ જેટલી શાળા અને કોલેજો શિક્ષણ ક્ષેત્રે કાર્યરત છે. શિક્ષણમાં નૈતિક મૂલ્યો જળવાય એવો અભ્યાસક્રમ પણ એમાં સામેલ છે.
વિજ્ઞાન અને તંત્રજ્ઞાનના મહાધોધમાં ભારતીય સંસ્કૃતિનાં નૈતિક મૂલ્યો તણાઈ ન જાય અને એનું પુન:સ્થાપન થાય એવા આશય સાથે ભારતીય વિદ્યાભવનની સ્થાપના ૧૯૩૮માં થઈ હતી. સ્વાતંત્ર પૂર્વે જ મુનશીજીએ આઝાદ ભારતના સાંસ્કૃતિક પુનરુત્થાનનું સ્વપ્ન સેવ્યું હતું. સમાજ જીવનમાં નૈતિક અને આધ્યાત્મિક મૂલ્યોનું સ્થાન મુનશીજી ખૂબ પહેલેથી જ સમજી ચૂક્યા હતા. એમને આર્ષદ્રષ્ટા કહેવાય છે એ ખોટું નથી.
મુનશીજીએ નોંધ્યું છે કે ભારતીય વિદ્યા ભવનના પાયામાં આ ચાર તત્ત્વો મુખ્ય છે. ઋત, સત્ય, યજ્ઞ અને તપસ. ઋત એટલે વૈશ્ર્વિક નિયંતા એવા ભગવાનમાં શ્રદ્ધા. સત્ય એટલે મન, વચન અને કર્મનું સાયુજ્ય. સમર્પણ એટલે જીવન વહનને પ્રભુ-પ્રસાદ માની પુરુષાર્થ કરવો. તપસ એટલે જેનાથી મન અને શરીરનું શુદ્ધિકરણ થતાં થતાં મૃત્યુનું ઉલ્લાસ દ્વારા સૌંદર્યમાં રૂપાંતરણ. ટૂંકમાં એને સત્યમ, શિવમ અને સુંદરમની સાધના કહી શકાય.
મુનશીજી એક પત્રમાં લખે છે, ‘આપણી શિક્ષણપ્રથા સર્વથા નિષ્ફળ છે જેના પર જીવનનું ઘડતર કરી શકાય એવાં કોઈ ચિરંતન મૂલ્યો એણે સર્જ્યાં નથી… આજે શાળા કોલેજોમાં બિનસાંપ્રદાયિક કેળવણીને નામે જે કંઈ શીખવવામાં આવે છે એમાં આવા ધાર્મિક મૂલ્યો કે બીજાં કોઈ મૂલ્યો હોતા નથી. યુવક કે યુવતી આગળ એથી કોઈ આદર્શ ઊભો થતો નથી… આધ્યાત્મિક દૃષ્ટિએ આજના યુવાન સુખપ્રયોજનવાદના વહેતા વાયરામાં પાંદડાં માફક આમથી તેમ ઊડે એમાં શું નવાઈ. સાચું એ છે કે રાજ પુરુષો અને બુદ્ધિજીવીઓએ તેમનો દ્રોહ કર્યો છે. સમસ્યા એ છે કે આપણે ધર્મમાં શ્રદ્ધા રાખનારાઓ યુવાનોને આધ્યાત્મિક ભૂમિ પર પુન:સ્થિત કરવાની દિશામાં કંઈક કરી શકીએ ખરા?
તેઓ માનતા કે કેવળ ધર્મ જ વ્યક્તિના જીવનને સંગતિ અને અર્થ આપે છે. આજની યુવાન પેઢીની આવશ્યકતાઓને સંતોષે તેવું મનોવૈજ્ઞાનિક અને સામાજિક અર્થઘટન આપવાની આવશ્યકતા છે.
એટલે જ એમણે ભવનની દરેક શાળા કોલેજોમાં સર્વધર્મ પ્રાર્થનાની હિમાયત કરી. આજે પણ ભવનની શાળાઓમાં હિન્દુ, શીખ, જૈન, ઈસાઈ, પારસી અને ઇસ્લામની સહિયારી પ્રાર્થનાથી શિક્ષણની શરૂઆત થાય છે. આ રીતે તેઓ સર્વધર્મ સમભાવના હિમાયતી હતા.
પોતાની જીવનદૃષ્ટિને લોકહૃદય સુધી પહોંચાડવા માટે એમણે નવલકથાઓનો આશરો પણ લીધો. એમાં ઐતિહાસિક, પૌરાણિક, સામાજિક નવલકથાઓ દ્વારા એમણે વાત સાંસ્કૃતિક નવજાગરણની કરવી હતી. કેટલાક વિદ્વાનોએ એમાં ઇતિહાસ સાથે બાંધછોડ જોઈ છે, પણ મુનશીજી સ્પષ્ટ છે: “નવલકથામાં તો પાત્રો પોતાનાં કાર્યો અને શબ્દો દ્વારા જીવંત બનવાં જોઈએ… એ યાદ રહેવું જોઈએ કે ઐતિહાસિક નવલકથા એ ઇતિહાસ નથી, એ ઐતિહાસિક ઢાળામાં ઢળેલી નવલકથા છે.
કેટલાક વિવેચકો મુનશીના દર્શનને સંકીર્ણ રાષ્ટ્રવાદની સીમાથી ઘેરાયેલું ગણે છે પણ સામે પક્ષે સંવિધાનના ઘડતરમાં મુનશીજીના પ્રદાનને અવગણી શકાય એવું નથી. એટલું જ નહીં પણ મુનશીજીએ ભારતનો સૌપ્રથમ પ્રતિમાનરૂપ દળદાર ઇતિહાસ ‘હિસ્ટ્રી એન્ડ કલ્ચર ઑફ ઇન્ડિયન પીપલ’ આપ્યો. આર. સી. મજુદારે એનું ખૂબ ખંતપૂર્વક સુંદર સંકલન કર્યું છે. રાજા રજવાડાના કેન્દ્રબિંદુથી કે વિદેશીઓના અડસટ્ટાયુક્ત આકલનોથી જુદો માત્ર ભારતીય પ્રજાના સંદર્ભે લખાયેલો આ દસ ભાગમાં આલેખાયેલો ઇતિહાસ માત્ર ભારતમાં જ નહીં પણ વિદેશમાં સુધ્ધાં ગણનાપાત્ર લેખાય છે. હજી આજે પણ આ દળદાર દસ ગ્રંથોનો ઇતિહાસ ભવનના બેસ્ટ-સેલરની યાદીમાં છે. ડોક્ટર કે. એમ. પણિક્કર જેવા સુપ્રસિદ્ધ ઇતિહાસકાર તો એને મુનશજીનું ઉત્તમ પ્રદાન માને છે. વિશ્ર્વમાં ભારતની એક આગવી ઐતિહાસિક ઓળખ ઊભી કરવામાં એનો બહુ મોટો ફાળો છે એવું એ દૃઢપણે માને છે.
આપણા જ્ઞાનપીઠ પુરસ્કૃત સર્જક રઘુવીર ચૌધરી મુનશીજીના હિંદુત્વ વિશે કહે છે, “એમનું હિંદુત્વ સહિષ્ણુતા, સમન્વય, પરાક્રમ અને આત્મજ્ઞાન દ્વારા વિશ્વકલ્યાણ ઝંખે છે.
આ ઉપરાંત મુનશજીનું અનેક ક્ષેત્રોમાં બહુમૂલ્ય પ્રદાન છે. ૧૯૬૧માં એમણે ભારતની સૌપ્રથમ પત્રકારત્વની કોલેજ રાજેન્દ્ર પ્રસાદ ઇન્સ્ટિટ્યૂટ ઑફ કોમ્યુનિકેશન એન્ડ મેનેજમેન્ટ સ્થાપી. તેઓ પોતે સારા પત્રકાર, સાહિત્યકાર, સંપાદક અને વહીવટકર્તા હતા. પોતાનાં સેંકડો પુસ્તકો ઉપરાંત ભવનનો હજારો શીર્ષક ધરાવતો પોતાનો પુસ્તક-પ્રકાશન વિભાગ છે. એ ઉપરાંત અંગ્રેજીમાં ભવન્સ જર્નલ, હિંદીમાં ભવન્સ નવનીત અને ગુજરાતીમાં નવનીત સમર્પણ સામયિકો પ્રગટ થાય છે જેમાં જીવન, સાહિત્ય અને સંસ્કારને લગતું પ્રેરક સાહિત્ય પ્રગટ થાય છે. એ ઉપરાંત સરલ સંસ્કૃતની પરીક્ષા વિભાગ કાર્યરત છે જે દેશભરમાં સંસ્કૃતની પરીક્ષાઓ યોજે છે. ભારતીય વિદ્યાઓમાં વધુ ગહન અભ્યાસ અર્થે અનુસ્નાતક વિભાગ પણ કાર્યશીલ છે.
૧૯૬૩માં મુનશીજીએ સરદાર પટેલ કોલેજ ઑફ એન્જિનિયરિંગ સ્થાપી. એનું ઉદ્ઘાટન જવાહરલાલ નહેરુના હસ્તે થયું હતું.
મુનશીજીનું શિક્ષણ ક્ષેત્રે પ્રદાન માત્ર ભવનની શાળા કોલેજો પૂરતું મર્યાદિત નહોતું. મુંબઈ યુનિવર્સિટીની સેનેટમાં અને વડોદરા યુનિવર્સિટીની સ્થાપનામાં એમનું અપૂર્વ પ્રદાન છે. આણંદની કૃષિ સંસ્થાના પણ તેઓ સ્થાપક છે. માનસિક રીતે વિકલાંગો, આજે જેને દિવ્યાંગો કહે છે એમને માટે એમણે છાત્રાલય સ્થાપી હતી. એટલું જ નહીં પણ પોલીસોની તાલીમ માટે કેન્દ્રીય શાળા પણ એમણે સૌપ્રથમ સ્થાપી. આજે જેની ખૂબ નોંધ લેવાય છે એવી ભટકતી જાતિના લોકો માટે એમણે સૌપ્રથમ આવાસ યોજના શરૂ કરી હતી.
મુનશીજીની ધર્મભાવના સંકુચિત નહોતી એનું કારણ ગાંધીજીનો પ્રભાવ તો ખરું જ પણ પહેલી ફેબ્રુઆરી ૧૯૩૮ના રોજ મુનશીજીએ હરિજન મંદિર પ્રવેશ ખરડો મહારાષ્ટ્ર વિધાનસભામાં પાસ કરાવ્યો. ૧૯૩૭થી ૩૯ દરમિયાન મુનશીજી કૉંગ્રેસ પ્રધાનમંડળમાં મુંબઈ ખાતે ગૃહપ્રધાન હતા ત્યારે રોયલ વેસ્ટર્ન ઇન્ડિયા ટર્ફ ક્લબનું લાઇસન્સ રીન્યુ કરાવવાનું આવ્યું. એમણે ડાયરેક્ટરોમાં ભારતીયોને સામેલ કર્યા એટલું જ નહીં મોંઘા ભાવે રેસના ઘોડાઓ વિદેશથી મંગાવવામાં આવતા એમાં પણ એમણે દેશી જાતવાન ઘોડાઓની ખરીદીને બહાલી અપાવી.
હૈદરાબાદના એજન્ટ જનરલ તરીકેની એમની કામગીરીથી આખો દેશ પરિચિત છે. ભવનની સંસ્કૃત પાઠશાળા આજ પર્યંત ચાલે છે. એમાંથી અનેક વેદપાઠી સંસ્કૃત પંડિતો દેશ અને વિદેશમાં પુરોહિત તરીકે, અધ્યાપક અને આયાર્ય તરીકે પોતાની સેવા આપે છે.
પ્રકાશન ક્ષેત્રે પણ મુનશીજીનું પ્રદાન અને એમનું કૌવત ઊડીને આંખે વળગે એવું છે. ભવન્સ બુક યુનિવર્સિટી દ્વારા ખૂબ સસ્તા ભાવે એટલે કે ત્યારે તો માત્ર એક રૂપિયામાં પોકેટ-બુક ઉપલબ્ધ કરાવી અને જ્ઞાન લોકભોગ્ય બનાવ્યું.
મુનશીજીએ ભારતીય વિદ્યા ભવન કલા-કેન્દ્ર દ્વારા ભારતીય કળા, નાટ્ય અને સંગીતનો અપૂર્વ પ્રચાર અને પ્રસારનો માર્ગ મોકળો કરી આપ્યો. આંતર કોલેજ નાટ્યસ્પર્ધા દ્વારા ભવનના મંચ પરથી સંજીવ કુમાર, રાજેશ ખન્ના, આશા પારેખ, અમજદ ખાન જેવાં અદાકારો મળ્યાં. તો ભારતીય સંગીત અને નર્તન શિક્ષાપીઠ દ્વારા ઉસ્તાદ અલ્લારખા, ચિદાનંદ નાગરકર, દિનકર કૈકિણીની, ધ્રુબ ઘોષ જેવા ગુરુજનો પાસેથી અનેક કલાવિદો સંગીત સાધના શીખ્યા.
આજે જેનું ખૂબ અગત્ય લેખાય છે એવી વૃક્ષારોપણની પ્રવૃત્તિ એમણે ૧૯૫૧માં વન-મહોત્સવ દ્વારા શરૂ કરી. તેમની અનેકવિધ કામગીરી જોતાં એમની આર્ષદૃષ્ટિનો કંઈક અંદાજ આવે છે.
આ બધા સાથે તેઓ ઉત્તમ કાયદાવિદ તો હતા જ. એમના વિશે જે.એમ. શેલત નોંધે છે, “ન્યાયમંદિરમાં મુનશીજીને દલીલો કરતા જોવા અને સાંભળવા એ એક લહાવો હતો. એક પછી એક દલીલ લઈ તર્કોની હારમાળા ઊભી કરતા મુનશીની સૂક્ષ્મ બુદ્ધિ, તાર્કિકતા, નિર્ભયતા અને આત્મવિશ્ર્વાસ જોઈ લોકો છક થઈ જતા. કાયદાની કલમો એમને મોઢે હતી. અસરકારક પરંતુ આવેશ વગરની એમની વાણીનો શબ્દવૈભવ મુગ્ધ કરે એવો હતો.
એમના વિશે એમ. સી. ચાગલા કહે છે, “મુનશીજીની બહુમુખી પ્રતિભાએ મને સૌથી વધારે આકર્ષ્યો. અનેક વિષયોમાં એમને રસ હતો એ રસ કલાકારનો હતો. વસ્તુની સપાટી ભેદી તેમાં રહેલા સૂક્ષ્મ તત્ત્વને પકડી પાડવાની અજબ કુનેહ તેઓ ધરાવતા. ભોળા શિશુ જેવું વિસ્મય એમની આંખોમાં ચમકતું. આ બધી અનુભૂતિની આકર્ષક અને વેધક અભિવ્યક્તિ મુનશીજીને સહજ સાધ્ય હતી.
એમના દ્વારા સ્થપાયેલા ભારતીય વિદ્યા ભવન દ્વારા હાલ જીવનનિર્વાહ માટે ઉપયોગી એવું કોમ્પ્યુટરનું નિ:શુલ્ક શિક્ષણ ‘મહાત્મા ગાંધી ઈન્સ્ટિટ્યુટ ઑફ કોમ્પ્યુટર એજ્યુકેશન ઍન્ડ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી’ દ્વારા અપાય છે. આર્થિક રીતે અક્ષમ એવા હજારો વિદ્યાર્થીઓ અહીંથી પગભર થયા.
ભવનની એસ. પી. જૈન ઇન્સ્ટિટ્યુટ ઑફ મેનેજમેન્ટ હાલ ભારત અને વિશ્ર્વની અગ્રગણ્ય શિક્ષણ સંસ્થા ગણાય છે. અવકાશને અભાવે હજી કેટલીય માહિતી રહી ગઈ છે પણ પ્રતિભાવાન વ્યક્તિત્વનું વ્યક્તિત્વ હંમેશાં આપણી દૃષ્ટિની સીમાઓને આંબી જતું હોય છે.
ક્યારેક લાગે છે કે મુનશીજીની લેવાવી જોઈતી હતી એટલી નોંધ લેવાઈ નથી.
( લેખક, મુનશીજી સ્થાપિત ભારતીય વિદ્યા ભવન સંચાલિત સામયિક ‘નવનીત સમર્પણ’ના સંપાદક છે.)

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -