Homeઆમચી મુંબઈગોરાઈના ગામવાસીઓએ પાલિકા અધિકારીને બાનમાં રાખ્યા

ગોરાઈના ગામવાસીઓએ પાલિકા અધિકારીને બાનમાં રાખ્યા

વર્ષોથી પાણી પૂરવઠાની સમસ્યાનું નિરાકરણ થતું ન હોવાથી વિફર્યા હતા

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વર્ષોથી પાણીની અછતનો સામનો કરી રહેલા ગોરાઈવાસીઓનો રોષનો ભોગ મુંબઈ મહાનગરપાલિકાના અધિકારીઓને બનવું પડ્યું છે. સોમવારે ગોરાઈ વિલેજની મુલાકાત લેવા ગયેલા પાલિકાના અધિકારીઓને ગ્રામવાસીઓએે બાનમાં લઈ લીધા હતા. મોડી રાતે પોલીસની મધ્યસ્થી બાદ અને પાલિકા પ્રશાસનના આશ્ર્વાસન બાદ આ અધિકારીઓનો છુટકારો થયો હોવાનું જાણવા મળ્યું છેે.
મુંબઈના છેવાડે આવેલા ગોરાઈ ગામમાં વર્ષોથી અપૂરતું પાણી મળતું હોવાની ફરિયાદ સ્થાનિક નાગરિકો કરતા આવ્યા છે. તેમાં પાછું મુંબઈમાં પહેલીથી ૧૦ નવેમ્બર સુધી ૧૦ ટકા પાણીકાપ મૂકવામાં આવ્યો છે, તેને કારણે અહીં પાણીની ગંભીર કટોકટી સર્જાયેલી છે. પાણી વગર ગ્રામવાસીઓ બેહાલ થઈ ગયા છે. પૂરતા પ્રમાણમાં પાણી મળતું ન હોવાને કારણે ગ્રામવાસીઓનો રોષ ભભૂકી ઊઠયો હતો, જેનો પરચો સોમવારે ગોરાઈની મુલાકાતે આવેલા પાલિકાના અધિકારીઓેને થયો હતો.
ગોરાઈના ભૂતપૂર્વ નગરસેવક શિવાનંદ શેટ્ટીએ જણાવ્યું હતું કે ગોરાઈ ગામને વર્ષોથી ઓછું પાણી મળતું હોવાની ફરિયાદ સ્થાનિક નાગરિકો કરી રહ્યા છે, પરંતુ પાલિકા તેના પ્રત્યે દુર્લક્ષ કરતી આવી છે. હાલ ૧૦ ટકા પાણીકાપ હોવાથી પાણીની વધુ તકલીફ સ્થાનિક નાગરિકોને થઈ રહી છે. આ દરમિયાન સોમવારે આર-મધ્ય વોર્ડના પાણીપુરવઠા ખાતાના જુનિયર એન્જિનિયર અવધૂત પવાર વિઝિટ પર ગયા હતા. આ દરમિયાન ગોરાઈ મચ્છીમાર સંઘટનાના કૅસિઓ, દિનેશ વસઈકર અને ઑલડીન વસઈકરના નેતૃત્વમાં સ્થાનિક ઉશ્કેરાયેલા નાગરિકોએ તેમને ઘેરી લીધા હતા.
સ્થાનિક નાગરિકોના કહેવા મુજબ લાંબા સમયથી ગોરાઈમાં પાણીની તકલીફ છે. અહીં મોટા પ્રમાણમાં રિસોર્ટ અને લોજ આવેલા છે. એ લોકો પાણીની ચોરી કરે છે. ગેરકાયદે રીતે પાણીના કનેકશન મેળવ્યાં છે. તેમની સામે પાલિકા કોઈ પગલાં લેતી નથી.
શિવાનંદ શેટ્ટીના જણાવ્યા મુજબ ગ્રામવાસીઓ ભારે ઉશ્કેરાયેલા હતા, તેથી તેેઓએ પાલિકા અધિકારીને બાનમાં લઈ લીધા હતા. તેમને છોડતા જ નહોતા. છેવટે મોડી રાતે સ્થાનિક પોલીસ અધિકારીની મધ્યસ્થી બાદ અને વોર્ડ ઑફિસર પ્રકાશ વિચારે તથા હાઈડ્રોલિક ઍન્જિનિયર ડિપાર્ટમેન્ટે પાણીની સમસ્યાનો જલદી ઉકેલ લાવવાનું આશ્ર્વાસન આપ્યા બાદ પાલિકા અધિકારીનો છુટકારો થયો હતો.

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -