શિવ રહસ્ય -ભરત પટેલ
(ગતાંકથી ચાલુ)
રાવણ: ‘મને અમરત્વ આપો.’
બ્રહ્માજી: ‘અમરત્વનું વરદાન હું નથી આપી શકતો, કોઈપણ મનુષ્યના હાથે તમારું મૃત્યુ ન થાય તેવું વરદાન માગો.’
રાવણ: ‘બ્રહ્મદેવ, મનુષ્યો પાસે એટલી શક્તિ નથી કે મારો વધ કરી શકે, મને એવું વરદાન આપો કે દેવ, દાનવ, યક્ષ, ક્ધિનર, ભૂત, પિશાચ કોઈપણ મારો વધ ન કરી શકે.’
બ્રહ્માજી: ‘તથાસ્તુ. વિભીષણ તમે પણ વરદાન માગો.’
વિભીષણ: ‘પિતામહ મને અનન્ય ભક્તિ અને તેના પર અવિરત ચાલવાનું વરદાન આપો.’
બ્રહ્માજી: ‘તથાસ્તુ. કુંભકર્ણ તમે પણ વરદાન માગો.’
એ સમયે કુંભકર્ણ વિચારે છે કે આ બંને ભાઇઓએ ઇંદ્રાસન માગ્યું નથી તો ચાલો હું ઇંદ્રાસન માગી લઉં, પણ ઘણાં વર્ષોથી તપસ્યા કરી રહેલો થાકેલા કુંભકર્ણથી બોલાય જાય છે કે: ‘પિતામહ મને નિંદ્રાસન આપો.’
બ્રહ્માજી: ‘તથાસ્તુ. કુંભકર્ણ હું તમને નિદ્રાસન આપું છું, તમે છ મહિના સુધી નિદ્રાધીન રહેશો અને એક દિવસ ફક્ત જાગશો.’
વરદાન આપી બ્રહ્માજી ત્યાંથી વિદાય લે છે.
—
વરદાન મેળવી રાવણ, વિભીષણ અને કુંભકર્ણ પોતાના નગર સિલોેંગ પહોંચે છે. નગરજનો પોતાના ત્રણેય રાજકુમારો વરદાન મેળવી પરત આવી રહ્યા છે એવું સાંભળતા તેઓ ગેલમાં આવી જાય છે, સિલોંગની પ્રજા ઉત્સાહ મનાવે છે. રાવણ, વિભીષણ અને કુંભકર્ણ મહેલ પધારતાં જ બહેન સુપર્ણખા તેમનું સ્વાગત કરે છે અને કહે છે:
સુપર્ણખા: ‘ભાઈ રાવણ આજે હું ખૂબ જ પ્રસન્ન છું. મારા ત્રણે ભાઈઓ વરદાન મેળવી ઘણાં વર્ષો બાદ પરત ફર્યા છે. હું એટલા માટે ખૂબ જ પ્રસન્ન છું કેમકે ઘણાં વર્ષો બાદ મને ફરી તમારી સેવા કરવાનો મોકો મળશે, ઘણા વર્ષો બાદ મને તમારા શબ્દો સાંભળવા મળશે કે, ‘મારી લાડકી બહેન સુપર્ણખા કયાં છે? સુપર્ણખા મારા માટે ભોજન બનાવો, સુપર્ણખા હું આ સંસારનો સૌથી સારો ભાઈ બનવાનો પ્રયાસ કરીશ, પણ ભાઈ તમે આટલા દુ:ખી કેમ છો, તમારી તપસ્યા તો પૂર્ણ થઈ છે.’
રાવણ: ‘બહેન સુપર્ણખા હું દુ:ખી એટલા માટે છું કે, તપસ્યા પૂર્ણ થઈ છે પણ મનવાંછિત ફળ મને મળ્યું નથી, બ્રહ્માજીએ મને અમરત્વનું વરદાન આપ્યું નથી, પણ બહેન તું દુ:ખી ન થા, અમરત્વનું વરદાન ભલે મને ન મળ્યું હોય પણ હું અમર થઈ ગયો છું, કોઈ માનવ, કોઈ દાનવ, કોઈ દેવ, કોઈ યક્ષ કે કોઈ ક્ધિનર કે એ ભગવાન મને મારી શકશે નહીં. હું તુરંત સ્વર્ગલોક પર આક્રમણ કરી ત્યાંથી અમૃત લઈ આવીશ, એ અમૃતથી તારા પતિને ફરી જીવિત કરીશ.
એ જ સમયે અસુરશ્રેષ્ઠ સુમાલી ત્યાં આવી પહોંચે છે.
સુમાલી: ‘પુત્ર રાવણ તમે બ્રહ્માજીના વંશજ છો તો પણ બ્રહ્માજી તમને મનવાંછિત ફળ ન આપી શકે, એ કેવી બલિહારી. આ બ્રહ્મા અને વિષ્ણુ આપણા અસુરોને ક્યારેય ન્યાય નહીં આપે.
રાવણ: પિતામહ આ સંઘર્ષ ફક્ત બળથી જ નહીં, કળથી પણ લડવો રહ્યો, હું તુરંત મહારાજા બલિને મળવા જઈ રહ્યો છું.
સુમાલી: ‘બલિને મળીને શું કરવું?’
રાવણ: ‘હું મહારાજ બલિને મળીનેે એક વિશાળ સૈન્ય તૈયાર કરું છું?’
સોમાલી: ‘એનો શું લાભ?’
રાવણ: ‘વિશાળ સૈન્ય સાથે સ્વર્ગલોક પર આક્રમણ કરી ત્યાંથી અમૃત લઈ આવવું છે.’
સોમાલી: ‘પુત્ર રાવણ, બલિથી અપેક્ષા કરવી મૂર્ખતા છે. સમય નષ્ટ ન કરો. એ અસુરોની ક્યારેય સહાયતા નહીં કરે.’
રાવણ: ‘નહીં, પિતામહ મને પૂર્ણ વિશ્ર્વાસ છે કે રાજા બલિ મને સહકાર આપશે.’
રાવણ ત્યાંથી વિદાય લે છે અને રાજા બલિને મળે છે:
રાજા બલિ: ‘કોઈ માનવ, કોઈ દાનવ, કોઈ દેવ કે ભગવાન પણ ન મારી શકનારા મહાબલિ રાવણને રાજા બલિના સત સત્ નમન, બોલો કઈ યોજના લઈને આવ્યા છો.’
રાવણ: ‘પ્રણામ મહારાજ, અત્યારે હું મહત્ત્વપૂર્ણ યોજના પર ચર્ચા કરવા ચાહું છું.’
રાજા બલિ: ‘રાવણ નિ:સંકોચ કહો.’
રાવણ: ‘બ્રહ્મદેવના વરદાન મુજબ હું સંસારનો સૌથી શક્તિશાળી પુરુષ બની ચૂકયો છું, પરંતુ દેવતાઓએ કરેલી ચાલાકીથી આપણા અસુરો અમરત્વ મેળવી શક્યા નથી. અસુર અને રાક્ષસોના કલ્યાણાર્થે હું તમારી સાથે એક વિશાળ સૈન્ય બનાવી સ્વર્ગ પર આક્રમણ કરવા માગું છું. સ્વર્ગ પર વિજય મેળવ્યા બાદ અમૃત કળશ મેળવી લઈએ તો અસુરોનું ભવિષ્ય સદા સદા માટે સુરક્ષિત થઈ જાય. મારી શક્તિ અને તમારું સૈન્ય એક થઈ જાય તો દેવગણોનું પતન નિશ્ર્ચિત છે.
રાજા બલિ: ‘જો તમને સંકોચ ન હોય તો, મારા ખરભૂષણ મને આપી શકશો.’
રાવણ: ‘અવશ્ય.’
રાવણ રાજા બલિના ખરભૂષણ ઊંચકવાની કોશિશ કરે છે પણ તે ઊંચકી શકતો નથી.
રાજા બલિ: ‘કઈ રીતે તમે પોતાને શક્તિશાળી ગણાવી રહ્યા છો, તમે મારા ખરભૂષણ તો ઊંચકી શકતા નથી, યાદ રહે મહાબલિ રાવણ શક્તિનો ઉપયોગ શાંતિની વ્યવસ્થા બનાવી રાખવા થવો જોઈએ નહીં કે અશાંતિ માટે. રાક્ષસો અને અસુરોના ઉત્થાનનું નામ લઈ પોતાની મહત્ત્વકાંક્ષાની પૂર્તિ કરવી ઉચિત નથી. જાઓ રાવણ શક્તિશાળી બનો પછી વધુ ચર્ચા કરીશું.
અપમાનીત રાવણ ત્યાંથી વિદાય લે છે અને પરત સિલોંગ આવે છે.
સુમાલી: ‘પુત્ર રાવણ મેં તમને પહેલાં જ કીધું હતું કે રાજા બલિ પાસે જવાથી શું લાભ થશે. જાઓ ભગવાન શિવની શરણમાં જાઓ. જો ભગવાન શિવ પ્રસન્ન થઈ ગયા તો તમને શક્તિ અને અમૃત બંને પ્રાપ્ત થશે.’
રાવણ: ‘અવશ્ય હવે હું ભગવાન શિવની આરાધના કરીશ.’
ઘણાં વર્ષો સુધી રાવણ ભગવાન શિવની આરાધના કરવાની કોશિશ કરે છે, પણ તેનું મન આરાધનામાં પરોવાતું નથી.
રાવણ: ‘ભગવાન શિવ મારા અંતરમનને અનુભૂતિ થઈ રહી છે કે મને તમારા દર્શન ત્યારે જ થશે જ્યારે મારા મસ્તિષ્કમાંથી અવગુણોે દૂર ન થાય.’
રાવણ પોતાના હાથમાં તલવાર લઈ પોતાનું શીશ કાપી ભગવાન શિવને અર્પણ કરે છે. ભગવાન શિવને ધરેલું શીશ ફરી તેના શરીર સાથે જોડાઈ જાય છે, બીજી વખત રાવણ પોતાનું
શીશ કાપી ભગવાન શિવને અર્પણ કરે છે. ભગવાન શિવને ધરેલું શીશ ફરી તેના શરીર
સાથે જોડાઈ જાય છે. આવી રીતે રાવણ દસ વખત પોતાનું શીશ કાપી ભગવાન શિવને
ધરે છે. (ક્રમશ:)