Homeદેશ વિદેશસમાન નાગરિક ધારાનો ખરડો રાજ્યસભામાં રજૂ કરાયો

સમાન નાગરિક ધારાનો ખરડો રાજ્યસભામાં રજૂ કરાયો

નવી દિલ્હી: સમાન નાગરિક ધારા તૈયાર કરવા સમિતિની રચના કરવાની માગ કરતું ખાનગી વિધેયક શુક્રવારે રાજ્યસભામાં ભાજપના સાંસદ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. વિરોધ પક્ષના સભ્યોના વિરોધ વચ્ચે ‘ધ યુનિફોર્મ સિવિલ કોડ ઈન ઈન્ડિયા બિલ ૨૦૨૦’ (સમાન નાગરિક ધારો વિધેયક ૨૦૨૦) રાજ્યસભામાં રજૂ થયું હતું.
ભાજપના સંસદસભ્ય કિરોડીલાલ મીણાએ સમાન નાગરિક ધારા ખરડો ૨૦૨૦ રજૂ કરવા પરવાનગી માગી હતી. કૉંગ્રેસ, સીપીઆઈ, સીપીઆઈ (એમ), તૃણમૂલ કૉંગ્રેસના સભ્યોએ ખરડો દાખલ કરવા સામે વિરોધ કર્યો હતો. રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડે મત વિભાજનનો આદેશ કર્યો હતો, તે પછી ખરડો દાખલ કરવાની તરફેણમાં ૬૩ મત અને વિરોધમાં ૨૩ મત નોંધાયા હતા. ભૂતકાળમાં સમાન નાગરિક ધારા અંગેનો ખરડો રાજ્યસભામાં દાખલ કરવામાં આવ્યો હતો પણ તે પછી પસાર કરવા માટે રજૂ કરાયો ન હતો.
ભારતમાં પ્રવર્તમાન વિવિધતામાં એકતાની ભાવના છિન્નભિન્ન થઈ જશે, તેવું વિપક્ષી નેતાઓનું કહેવું હતું. રાજ્યસભાના નેતા પીયૂષ ગોયલે કહ્યું કે બંધારણના ઘડવૈયાઓએ સમાન નાગરિક ધારાના વિષયને નીતિ નિર્દેશક સિદ્ધાંતોમાં સ્થાન આપ્યું હતું. રાજ્યસભાના દરેક સભ્યને બંધારણ સાથે જોડાયેલા વિષય પર ખરડો લાવવાનો અધિકાર છે.
સમાન નાગરિક ધારા તૈયાર કરવા અને તેના સમગ્ર ભારતમાં અમલીકરણ માટે રાષ્ટ્રીય નિરીક્ષણ અને તપાસ સમિતિના ગઠન માટેની જોગવાઈ સૂચિત ખરડામાં છે.
તાજેતરમાં મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણે કહ્યું હતું કે સમાન નાગરિક ધારાના રાજ્યમાં અમલીકરણ માટે સમિતિની રચના કરવામાં આવશે. ગોવામાં સમાન નાગરિક ધારો અસ્તિત્વમાં છે. આ અગાઉ ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને ગુજરાતમાં પણ આ અંગેની સમિતિની રચના કરવાનું જાહેર કરાયું હતું. કર્ણાટક, ઉત્તર પ્રદેશ અને આસામ સરકારે પણ આ ધારાનો અમલ કરવાની દિશામાં પગલાં ભરવાનો ઈરાદો જાહેર કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -