મુંબઈઃ મુંબઈમાં વધી રહેલું પ્રદૂષણ અને ટ્રાફિકની સમસ્યાને કારણે મુંબઈગરાઓ ખૂબ જ હેરાન-પરેશાન છે. રસ્તાના કામ, મેટ્રો પ્રકલ્પ, કોસ્ટલ રોડ જેવા અન્ય પ્રોજેક્ટ સરકારે હાથ ધર્યા છે અને આ પ્રોજેક્ટને કારણે મુંબઈમાં ધૂળનું પ્રમાણ વધી ગયું છે. જેને કારણે પ્રદૂષણમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.
એક તરફ જ્યાં પાલિકા અને સરકારે જૂના બ્રિજનું ફરી બાંધકામ હાથ ધર્યું છે તેને કારણે ટ્રાફિકની સમસ્યામાં પણ વધારો જોવા મળી રહ્યો છે અને આગામી કેટલાક વર્ષોમાં આ સમસ્યા હજી વધુ ગંભીર બનશે, કારણ કે દક્ષિણ મુંબઈમાં રેલવે ટ્રેક પરના અનેક બ્રિજને તોડવાનું કામ હાથ ધરવામાં આવશે, જેને કારણે મુંબઈગરાઓએ વધારે હેરાન થવાનો વારો આવશે.
મહારાષ્ટ્ર રેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોપેશન (મહારેલ) દ્વારા મુંબઈમાં આવેલા અમુક બ્રિજનું કામકાજ હાથ ધર્યું છે. દાદર ટિળક બ્રિજ, ભાયખલા અને રે રોડ ખાતેના જૂના બ્રિજ તોડવા પહેલાં રેલવેએ નવા પુલ બાંધવાનું કામ હાથ ધર્યું છે. જેમાં સૌથી પહેલાં બેલાસિસ બ્રિજ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો હોવાની માહિતી આપતો પત્ર રેલવે દ્વારા 14મી માર્ચના ટ્રાફિક કન્ટ્રોલ રૂમને આપવામાં આવ્યો હતો.
કયા કયા બ્રિજ બંધ થશે
બેલાસિસ બ્રિજ, ટિળક બ્રિજ, ભાયખલા એસ બ્રિજ, આર્થર રોડ, કરી રોડ અને માટુંગા વિસ્તારના બ્રિજ તોડવાનું કામ હાથ ધરવામાં આવશે.
મુંબઈ સેન્ટ્રલ અને ગ્રાન્ટ રોડમાં આવેલા બેલાસિસ બ્રિજ જોખમી અવસ્થામાં છે અને આ પુલ આશરે 130 વર્ષ જૂનો છે. બ્રિટિશકાળના મેજર જનરલ જોન બેલાસિસના નામ પરથી આ પુલનું નામ બેલાસિસ રાખવામાં આવ્યું હતું. ચોમાસા બાદ આ બ્રિજ પાડવામાં આવે એવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. લોઅર પરેલમાં ડિલાયલ રોડ બ્રિજની જેમ જ બેલાસિસ બ્રિજ માટે પણ યોજના ચતૈયાર કરવામાં આવી છે. રેલવે ટ્રેક પર બ્રિજ રેલવે દ્વારા અને રસ્તા પાસેના બ્રિજનો ભાગ પાલિકા દ્વારા એમ નવા બ્રિજનું નિર્માણ કરવામાં આવશે.
- બેલાસિસ બ્રિજ (1893)
- લંબાઈઃ 380 મીટર
- કેટલા દિવસમાં પૂરું થશેઃ 650 દિવસ
- કેટલો ખર્ચ થશેઃ 140 કરોડ રૂપિયા
- ટિળક બ્રિજ (1925)
- લંબાઈઃ 663 મીટર
- કેટલા દિવસમાં પૂરું થશેઃ 640 દિવસ
- કેટલો ખર્ચ થશેઃ 375 કરોડ રૂપિયા
- ભાયખલા બ્રિજ (1922)
- લંબાઈઃ 650 મીટર
- કેટલા દિવસમાં પૂરું થશેઃ 350 દિવસ
- કેટલો ખર્ચ થશેઃ 200 કરોડ રૂપિયા
- રે રોડ બ્રિજ (1920)
- લંબાઈઃ 220 મીટર
- કેટલા દિવસમાં પૂરું થશેઃ બે વર્ષ
- કેટલો ખર્ચ થશેઃ 145 કરોડ રૂપિયા