Homeદેશ વિદેશજમ્મુ-કાશ્મીર માટે ડિલિમિટેશન કમિશન વિરુદ્ધ અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી

જમ્મુ-કાશ્મીર માટે ડિલિમિટેશન કમિશન વિરુદ્ધ અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી

નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરના વિધાનસભા અને લોકસભાના મતક્ષેત્રોના નવા સીમાંકન માટે ડિલિમિટેશન કમિશનની રચનાને પડકારતી અરજી સર્વોચ્ચ અદાલતે સોમવારે રદબાતલ કરી હતી. કેન્દ્રશાસિત જમ્મુ-કાશ્મીરના મતવિસ્તારોના નવેસરથી સીમાંકન માટે ડિલિમિટેશન કમિશનની રચનાને પડકારતી અરજી કાશ્મીરના બે રહેવાસીઓએ કરી હતી. એ અરજીને જસ્ટિસ એસ.કે. કૌલ અને જસ્ટિસ એ.એસ. ઓકાએ નામંજૂર કરી હતી.
ગયા વર્ષની ૧ ડિસેમ્બરે જમ્મુ-કાશ્મીરના મતવિસ્તારોના નવા સીમાંકન માટે ડિલિમિટેશન કમિશન રચવાના કેન્દ્ર સરકારના નિર્ણયને પડકારતી અરજીઓની સુનાવણી વેળા સર્વોચ્ચ અદાલતે ચુકાદો અનામત રાખ્યો હતો. અરજદારો હાજી અબ્દુલ ગની ખાન અને મોહમ્મદ અયુબ મટ્ટુએ જણાવ્યું હતું કે જમ્મુ-કાશ્મીરના વિધાનસભા અને લોકસભા મતક્ષેત્રોના નવેસરથી સીમાંકનની કાર્યવાહી બંધારણની જોગવાઈઓથી વિરુદ્ધ હોવાથી સીમાઓમાં ફેરફારો અને નવા વિસ્તારોને આવરી લેવા જરૂરી નથી.
જસ્ટિસ એ. એસ. ઓકાએ ચુકાદો આપતાં જણાવ્યું હતું કે આ ચુકાદાના કોઈપણ ભાગને બંધારણની ૩૭૦મી કલમની પેટા કલમો ૧ અને ૩ ની સત્તાઓના અખત્યારરૂપ ન સમજવો. કલમ ૩૭૦ સંબંધી સત્તાઓના અમલના અખત્યારની માન્યતા સર્વોચ્ચ અદાલતમાં અનિર્ણિત પડેલી કેટલીક અરજીઓનો વિષય છે. બંધારણની ૩૭૦મી કલમની જોગવાઈઓને રદ કરવાના કેન્દ્ર સરકારના વર્ષ ૨૦૧૯ની પાંચમી ઑગસ્ટના નિર્ણયને પડકારતી અરજીઓ સર્વોચ્ચ અદાલતમાં વિચારાધિન છે. બંધારણની ૩૭૦મી કલમ રદ કરવાના અને જમ્મુ તથા કાશ્મીરને બે જુદા પ્રાંતોમાં વિભાજિત કરવા માટે ઘડાયેલા કાયદા જમ્મુ ઍન્ડ કાશ્મીર રિઓર્ગેનાઇઝેશન ઍક્ટ, ૨૦૧૯ને પડકારતી કેટલીક અરજીઓ સર્વોચ્ચ અદાલતમાં કરવામાં આવી છે.
જમ્મુ-કાશ્મીરના ડિલિમિટેશન કમિશનની રચનાને પડકારતી અરજીની ગઈ ૧ ડિસેમ્બરની સુનાવણીમાં કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે ઉક્ત ડિલિમિટેશન કમિશનને જમ્મુ-કાશ્મીરના લોકસભા અને વિધાનસભા મતવિસ્તારોના નવેસરથી સીમાંકનની સત્તા અપાઈ છે. એ અરજી રદબાતલ કરવાની માગણી સાથે સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે વર્ષ ૨૦૧૯નો જમ્મુ-ઍન્ડ કાશ્મીર રિઓર્ગેનાઇઝેશન ઍક્ટ કેન્દ્ર સરકારને ડિલિમિટેશન કમિશનની સ્થાપના કરવામાં અવરોધરૂપ નથી. કેન્દ્રના કાયદા અને ન્યાય મંત્રાલયે વર્ષ ૨૦૨૦ની ૬ માર્ચે સર્વોચ્ચ અદાલતનાં નિવૃત્ત ન્યાયમૂર્તિ રંજના પ્રકાશ દેસાઈની અધ્યક્ષતામાં ડિલિમિટેશન કમિશનની સ્થાપના કરી હતી. (એજન્સી)

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -