મુંબઈ: મહાનગરપાલિકાના ડિલાઈલ રોડ (લોઅર પરેલ) ફ્લાયઓવરનું કામ હાલ આખરી તબક્કામાં છે. તેથી લોઅર પરેલ ફ્લાયઓવરના પર્યાય તરીકે ઉપલબ્ધ થયેલા પરેલ ટી.ટી. ફ્લાયઓવરનું કામ ઑક્ટોબરથી હાથમાં લેવામાં આવવાનું છે. આ ઠેકાણે પૂલના મજબૂતીકરણના કામ માટે વર્ક ઓર્ડર બહાર પાડવામાં આવ્યા છે. તેમ જ ટ્રાફિક પોલીસે પણ ઑક્ટોબરથી આ પુલના કામ માટે નો ઑબ્જેકશન સર્ટિફિકેટ આપ્યું છે. આ ઠેકાણે એક સૉલિડ રૅમ્પ નાખીને હાલના ફ્લાયઓવર ઉપર નવા રસ્તાનો પર્યાય વાહનચાલકોને મળશે. પુલના મજબૂતીકરણ માટે નીચેની બાજુએ પોલાણની જગ્યાએ ભરણી કરવામાં આવશે. સામાન્ય રીતે છ મહિના સુધી આ કામ ચાલશે એવો અંદાજ છે. તો ૧૮ કરોડ રૂપિયાનો ખર્ચ આ ફ્લાયઓવર પાછળ થશે એવું માનવામાં આવે છે. હાલના ફ્લાયઓવરના પાયાનો આધાર લઈને જ નવા ફ્લાયઓવરનું સૉલિડ રૅમ્પ સ્થિર કરવામાં આવશે. તેથી નવા ફ્લાયઓવર બાંધવાનો ખર્ચ અને સમય બચશે. મજબૂતીકરણનું કામ પૂરું થયા બાદ ભારે વાહનોને ફરી પ્રવેશ આપવામાં આવશે.