મુંબઈ: મુંબઈમાં રખડતા શ્વાનની વસતી વધી રહી છે. તેથી રખડતા શ્ર્વાનના કરવામાં આવતા વંધ્યીકરણ સામે હંમેશાથી સવાલો ઊભા થયા છે. છેલ્લાં પાંચ વર્ષમાં પાલિકાએ ૧.૨ લાખ શ્વાનનું વંધ્યીકરણ કર્યું છે. છતાં તેની વસતીમાં બમણો વધારો થયો છે, તેથી તેમની વસતીને નિયંત્રણમાં લાવવા વર્ષો બાદ મુંબઈ મહાનગરપાલિકાએ ફરી એક વખત રખડતા શ્વાનની ગણતરી કરવાનો નિર્ણય લીધો છે.
આવતા મહિનાથી મુંબઈમાં રખડતા શ્ર્વાનની ગણતરી કરવામાં આવવાની છે ત્યારે પ્રાણીપ્રેમીઓ પાલિકા દ્વારા હાથ ધરવામાં આવતાં વંધ્યીકરણની અસરકારકતા સામે સવાલ ઉપસ્થિત કરી રહી છે.
પાલિકાએ રખડતા પ્રાણીની વસતી પર નિયંત્રણ લાવવા માટે ૧૯૯૪ની સાલથી ઍનિમલ બર્થ કંટ્રોલ પગલાં લઈ રહી છે. ૨૦૧૪માં રખડતા શ્વાનની ગણતરી થઈ હતી ત્યારે ૯૫,૧૭૨ રખડતા શ્વાનની વસતી નોંધાઈ હતી. પ્રાણીપ્રેમીઓના કહેવા મુજબ બર્થ કંટ્રોલ પ્રોગ્રામને અસરકારક રીતે અમલમાં મૂકવામાં પાલિકા નિષ્ફળ જતા શ્વાનની વસતી છેલ્લાં થોડાં વર્ષમાં બમણી થઈ ગઈ છે.
પાલિકાના આરોગ્ય દેવનારા કતલખાના જનરલ મેનેજર ડૉ. કલીમપાશા પઠાણે ‘મુંબઈ સમાચાર’ને જણાવ્યું હતું કે પાલિકા દ્વારા રખડતા શ્ર્વાનની સંખ્યા નિયંત્રણમાં લાવવા માટે વંધ્યીકરણનો પ્રોગ્રામ હાથ લેવામાં આવવાનો છે. તે માટે વ્યૂચરચના બનાવવા માટે રખડતા શ્વાનની વસતિ ગણતરી કરવી આવશ્યક છે. તે માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યાં છે.
પાલિકાના અધિકારીના જણાવ્યા મુજબ કૉન્ટ્રેક્ટર દ્વારા મુંબઈના ૨૪ વોર્ડમાં આ ગણતરી કરવામાં આવવાની છે. રિપોર્ટમાં ઉંમર, સેક્સ રેશિયો, રીપ્રોડક્ટિવ સ્ટેટસ જેવા મુદ્દાઓને આવરી લેવામાં આવવાના છે.
નોંધનીય છે કે ૨૦૧૮થી માર્ચ, ૨૦૨૨ સુધીમાં મુંબઈમાં શ્વાનના બચકાં ભરવાનાં ૩,૦૭,૬૫૨ કેસ નોંધાયા હતા. જ્યારે ફક્ત જાન્યુઆરીથી ઑગસ્ટ, ૨૦૨૨ દરમિયાન જ ૫૦,૬૨૨ કેસ નોંધાઈ ચૂક્યા છે. ૨૦૧૮ની સાલમાં પાલિકાએ ૧.૧૨ લાખ શ્વાનનાં વંધ્યીકરણ કર્યા હતા, છતાં શ્ર્વાનની સંખ્યા ૨.૫ લાખ પર પહોંચી ગઈ છે. રખડતા શ્વાનનાં સર્વેને કારણે શહેરમાં રખડતા શ્વાનની સંખ્યા તો મળશે અને તેને આધારે તેમના વેક્સિનેશન અને વંધ્યીકરણ હાથ ધરશે.