Homeઈન્ટરવલમહર્ષિ ભૃગુ, એમની પત્ની પૌલોમી અને અગ્નિદેવની કથા

મહર્ષિ ભૃગુ, એમની પત્ની પૌલોમી અને અગ્નિદેવની કથા

તર્કથી અર્ક સુધી-જિજ્ઞેશ અધ્યારુ

મહાભારતની અનેક ઓછી જાણીતી કથાઓ અત્યંત આશ્ર્ચર્યજનક છે, અને ક્યારેક એમ પણ થાય કે એ કથાઓની ભીતરમાં એક આંતરપ્રવાહ પણ વહે છે. એ કથાઓ દ્વારા જે કહેવાનો પ્રયત્ન થયો છે એના મર્મ સુધી પહોંચવું જરૂરી છે.
શ્રી બ્રહ્માજીએ વરુણના યજ્ઞમાં મહર્ષિ ભૃગુને અગ્નિમાંથી ઉત્પન્ન કર્યા. ઋષિ શૌનક સુતપુત્ર ઉગ્રશ્રવાને પૂછે છે કે ચ્યવન નામ કેવી રીતે પડ્યું અને અહીં મહર્ષિ ભૃગુની પત્ની પૌલોમા અને પુલોમ નામના રાક્ષસની અનોખી કથા છે.
આદિપર્વમાં પૌલોમ પર્વથી શરૂ થઈ ચોથાથી છઠ્ઠા અધ્યાયમાં આ કથા આવે છે. સુત લોમહર્ષણના પુત્ર ઉગ્રશ્રવા નૈમિષારણ્યમાં શૌનકજીના સત્રમાં પધારેલા ઋષિઓની સેવા કરતા હતા. લોમહર્ષણ પુરાણોના પારંગત હતા અને એમના પુત્ર પણ એ જ માર્ગે એ પુરાણોના સતત શ્રવણથી પુરાણોમાં પારંગત એટલે કે પૌરાણિક થયા હતા. ઋષિઓએ ખૂબ આદરપૂર્વક તેમને ભાર્ગવ વંશનો ઇતિહાસ અને ચ્યવન ઋષિની કથા પૂછી.
એના જવાબમાં ઉગ્રશ્રવાએ કહ્યું કે દેવી પુલોમા અત્યંત સુંદર, શીલવાન અને મહર્ષિ ભૃગુને ખૂબ પ્રિય હતી. પૂર્વકથા એવી છે કે પુલોમા જ્યારે બાળક હતી ત્યારે એને અત્યંત રડતી જોઈને એકવાર એના પિતાએ ડરાવતા કહ્યું, ‘તને રાક્ષસને આપી દઈશ.’ પછી એમણે દ્વાર તરફ જોઈ કહ્યું, ‘લે રાક્ષસ, આને લઈ જા!’
બહાર આવેલા રાક્ષસ પુલોમે એ સાંભળી તેને વચન માની પુલોમાને પોતાની પત્ની તરીકે સ્વીકારી લીધી. યુવાન થઈ ત્યારે અત્યંત સુંદરી પુલોમાના લગ્ન મહર્ષિ ભૃગુ સાથે કરાયા પણ રાક્ષસ પુલોમ પેલું વચન ભૂલ્યો નહોતો. પુલોમાનું અપહરણ કરી પત્ની તરીકે સ્વીકારવાનો અવસર એ શોધતો રહેતો. પુલોમા ગર્ભવતી થઈ, અને એકવાર યજ્ઞ દરમ્યાન મહર્ષિ નદીએ સ્નાન કરવા ગયા ત્યારે પુલોમ આશ્રમમાં આવ્યો અને પુલોમાને જોઈ એના મનમાં કામભાવ જાગી ઉઠ્યો. પોતાની જાતને અતિથિ તરીકે ગણાવી એ પુલોમા પાસે પહોંચ્યો. એને ન ઓળખતી હોવા છતાં આશ્રમના નિયમ મુજબ અતિથિ તરીકે આવેલા પુલોમનું પુલોમાએ વનમાંથી લાવેલા ફળ વગેરે આપી સ્વાગત કર્યું.એ પોતાની પત્ની છે અને એનું અપહરણ કરી પોતાની સાથે લઈ જવાનો નિશ્ર્ચય કરતો કામાતુર રાક્ષસ અચાનક પુલોમાનો હાથ પકડી એને ખેંચી રહ્યો. પુલોમાએ રાક્ષસ પાસે કાકલૂદી કરી, પોતે ભૃગુની પત્ની છે અને ગર્ભવતી છે એ યાદ કરાવ્યું. પાસે જ યજ્ઞમાં પ્રગટેલા અગ્નિને રાક્ષસે પૂછ્યું, ‘હે અગ્નિદેવ, તમે જ કહો, આ કોની પત્ની છે?’
અગ્નિદેવ પાપ અને પુણ્ય, જીવન અને મૃત્યુ એમ બધે જ સાક્ષીરૂપ હોય છે. એ હંમેશાં સત્યવચન જ કહેશે એવી દ્રઢ માન્યતાવાળા રાક્ષસે પુલોમા કોણ છે એ અગ્નિદેવને પૂછ્યું. ‘પુલોમાના પિતાના જ વચને પત્ની તરીકે મેં તેને સ્વીકારી હતી, એના પિતા વચનભંગના અપરાધી છે કે નહીં? આ પુલોમા મારી પત્ની છે કે નહીં? હે સત્ય સ્વરૂપ અગ્નિદેવ, જવાબ આપો., એમ તેણે વારંવાર પૂછ્યું.
અગ્નિદેવ અસત્ય બોલવા માગતા નહોતા, રાક્ષસનું સત્ય પૂર્ણ સત્ય નહોતું. રાક્ષસ પૂરતું સત્ય બોલે તો મહર્ષિ ભૃગુના શ્રાપ પામે એથી પણ અગ્નિદેવ ભયભીત હતા એટલે ઊંડા વિચારને અંતે ન્યાયપૂર્વક તેમણે કહ્યું, તેં જેનો મનોરથ કર્યો હતો એ જ આ પુલોમા છે, પણ મારી સાક્ષીમાં પૂર્ણ વેદોક્ત વિધિપૂર્વક મહર્ષિ ભૃગુએ તેને પત્ની તરીકે સ્વીકારી છે. વચન ભલે હોય પરંતુ તેં એની સાથે લગ્ન કર્યા નથી. એમ બધી રીતે જોતાં પુલોમા ભૃગુની પત્ની છે.’ અગ્નિદેવે નિશ્ર્ચયપૂર્વક કહ્યું.
એ જવાબથી ગુસ્સે થયેલો પુલોમ રાક્ષસ પુલોમાને પોતાના બંને હાથમાં ઊંચકી વાયુની ગતિએ દોડ્યો. અત્યંત ભયભીત થયેલી પુલોમાનો તેજસ્વી ગર્ભ એથી ચ્યુત થયો – એ નવજાત બાળક જમીન પર પડ્યો. એથી ભૃગુના પુત્ર ભાર્ગવનું નામ ચ્યવન પડ્યું. એના તેજને જોતાં જ રાક્ષસ પુલોમ બળીને ભસ્મ થઈ ગયો. દુ:ખી થયેલી પુત્રવધૂ પુલોમાના આંસુ સતત વહી રહ્યા હતા એ જોઈ બ્રહ્માજીએ તેને સાંત્વન આપ્યું, પુત્ર ચ્યવનને લઈ એ મહર્ષિ ભૃગુ તરફ ચાલી. એના આંસુની નદી એની પાછળ વહી નીકળી જેને વધૂસર નામ મળ્યું.
આખી વાત જાણી અત્યંત ગુસ્સે થયેલા મહર્ષિએ પુલોમાને પૂછ્યું, ‘મારી પત્ની તરીકેનો તારો પરિચય એ રાક્ષસને કોણે આપ્યો?’ ક્રોધિત ઋષિએ અગ્નિને શ્રાપ આપ્યો, ‘તું સર્વભક્ષી થા’ એટલે કે તું બધું જ બાળી નાખનાર – ખાઈ નજાર થઈ જા!
અહીં અગ્નિએ અત્યંત શાંતિથી સાક્ષીધર્મની મહત્તા ઋષિ સમક્ષ વર્ણવી છે. અગ્નિએ કહ્યું, ‘મહર્ષિ તમે ઘટનાની પૂરી વિગતો અને પાર્શ્ર્વભૂમિકા જાણ્યા વગર, વિચાર કર્યા વગર મને શ્રાપ આપ્યો છે. મને પૂછવામાં આવ્યું એથી મેં સત્ય કહ્યું. તો ધર્મનું આચરણ કરનાર અને સત્યપાલન માટે પક્ષપાત ન કરનાર મારો શો વાંક? જે સાક્ષી સાચી વાત જાણતો હોવા છતાં ખોટું બોલે છે એ પોતાના સાત પેઢીના પૂર્વજો અને આવનારી સાત પેઢીનો સર્વનાશ કરનાર બને છે.
અગ્નિએ તેમને કહ્યું કે હું મારું નિયત કાર્ય જ કરું છું, ત્રણેય લોકની આહુતિ હું સ્વીકારું છું. વેદોક્ત વિધિથી મને જે હવિદ્રવ્ય ચડાવાય છે એથી દેવતા અને પિતૃઓ તૃપ્ત થાય છે. પૂર્ણિમાએ દેવગણો અને અમાસે પિતૃઓ મારા થકી આહુતિ પામે છે, મારામાં જે મુકાય એ સ્વીકારે છે, એટલે જ હું દેવતાઓ અને પિતૃઓનું મુખ ગણાઉં છું તો હું સર્વભક્ષક કઈ રીતે બની શકું?’
અગ્નિએ ઊંડો વિચાર કરી બ્રાહ્મણોના અગ્નિહોત્ર યજ્ઞ, સત્ર અને બીજી ક્રિયાઓમાંથી પોતાને અલગ કરી લીધા. અર્થાત એ પ્રગટતા નહીં. ચોતરફ પ્રજા દુ:ખી થઈ ગઈ. ઋષિઓ બ્રહ્માજી પાસે આ પ્રશ્ર્નના ઉકેલ માટે ગયા અને બ્રહ્માજીએ અગ્નિને વિનંતિ કરી કે એ મહર્ષિ ભૃગુના શ્રાપને પોતાની શક્તિથી આશીર્વાદ તરીકે ઉપયોગમાં લે. એમણે અગ્નિને આશિષ આપતા કહ્યું, તું પ્રકૃતિથી સર્વભક્ષક નહીં થાય, પરંતુ જે પણ વસ્તુ તારી જ્વાળાઓના સંપર્કમાં આવશે એને તું સ્વીકારીશ, તું સર્વેને દોષરહિત, પાપરહિત કરનાર બનીશ. તારા સંપર્કમાં જે પણ આવશે એની અશુદ્ધિઓ દૂર થશે અને એ પવિત્ર થઈ જશે.’ અગ્નિએ પ્રસન્ન થઈ એ વાત સ્વીકારી લીધી.
મહાભારતકારની કથા કહેવાની ક્ષમતાનો અહીં અદ્વિતીય દાખલો મળે છે. પ્રથમ તો પુલોમ અને પુલોમા એ બે નામ વચ્ચે નજીવો ફરક છે – એક રાક્ષસ અને એક શીલવાન વ્યક્તિ વચ્ચે પણ એમ જ – સહેજ ફરક હોય છે. રાક્ષસોને શીંગડા હોતા નથી, એમના શરીરો અલગ હોતાં નથી પણ રાક્ષસપણું મનમાં જ વસે છે એ અહીં દેખાઈ આવે. અને આ આખી વાતમાં અગ્નિના પણ અનેક અર્થ છે. પુલોમાના પિતાના વચનવાળી વાત એ દબાયેલો અંગાર છે જે લાંબા સમય સુધી જાગૃત છે, પણ તક મળ્યે પ્રજ્વળી ઉઠવાનો છે. અજાણતામાં બોલાયેલું પણ કોઈકને અત્યંત પ્રભાવિત કરી શકે છે. રાક્ષસની અંદર કામવાસનાનો અગ્નિ એવો ભયંકર બળે છે કે એ ઋષિ પત્નીના અપહરણ સુધી પહોંચી જાય છે. પણ એ કાર્યમાં એને સાક્ષી જોઈએ છે જેથી પોતે જે પણ કરે એ બીજું કોઈક પ્રમાણિત કરી આપે. એને તો પુલોમાને ઓળખવા માટે પણ અગ્નિના હકારની જરૂર છે કારણ કે પુલોમા તો તેને ઓળખતી જ નથી. નવજાતની તેજસ્વિતાનો અગ્નિ એવો પ્રબળ છે કે એમાં દુર્ભાવનાઓ ભસ્મીભૂત થઈ જાય છે – નકારાત્મકતા ચ્યુત થાય ત્યારે જ ચ્યવન પ્રગટે એવો અર્થ એમાં મને દેખાય છે. અને એ ચ્યવન ઋષિ આપણે ત્યાં વળી અશ્ર્વિનીકુમારો અને ચ્યવનપ્રાશ દ્વારા શારીરિક સુખાકારી માટે વંદનીય છે એ પણ અનોખો સંયોગ છે.
મહર્ષિ તરીકે જ્ઞાની એવા ભૃગુના મનમાંનો ક્રોધાગ્નિ એવો પ્રબળ છે કે એ અગ્નિને પણ શ્રાપ આપી શકે. ઋષિ એને શ્રાપ આપે એમાં પણ કાવ્યત્વ છે. ક્રોધનો, કામનો, લાલસાનો કે અસત્યનો અગ્નિ જ્યાં પણ હશે એ સર્વભક્ષી હશે એમ એ કહે છે. પણ અગ્નિને એ બધી અશુદ્ધિઓનો ભાગ નથી બનવું. આખરે બ્રહ્માજી તેને કહે કે એના સંપર્કમાં જે પણ આવશે એ અશુદ્ધ નહીં રહે – એ અશુદ્ધિઓ અગ્નિને પોતાને અશુદ્ધ નહીં કરે ત્યારે જ એ શાંત થાય છે. ચ્યવન ઋષિની તથા રાજા શર્યાતિની પુત્રીના તેમની સાથેના લગ્નની અને ચ્યવન ઋષિના ફરીથી યુવાની પ્રાપ્ત કરવાની કથા પણ રોચક છે, એ ફરી ક્યારેક.

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -