Homeવેપાર વાણિજ્યએચડીએફસી ટ્વીન્સમાં જોરદાર ધોવાણ સાથે શેરબજાર ગબડ્યું

એચડીએફસી ટ્વીન્સમાં જોરદાર ધોવાણ સાથે શેરબજાર ગબડ્યું

સેન્સેક્સમાં ૭૦૦નો ઘટાડો, નિફ્ટી ૧૮,૧૦૦ની નીચે સરક્યો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: ભારતીય શેરબજારમાં એચડીએફસી ટ્વીન્સમાં જોરદાર ધોવાણ અને પ્રતિકૂળ વૈશ્ર્વિક સંકેતો વચ્ચે શુક્રવારના સત્રમાં એકાએક ભારે વેચવાલીનું દબાણ આવતાં સેન્સેક્સ ૭૦૦ પોઈન્ટ જેટલો તૂટ્યો હતો જ્યારે નિફ્ટી ઇન્ડેક્સ ૧૮,૧૦૦ના સ્તરથી નીચે સરકી ગયો હતો. પ્રારંભિક અંદાજ અનુસાર બીએસઇ પર લિસ્ટેડ તમામ કંપનીઓનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. ૧.૦૭ લાખ કરોડના ધોવાણ સાથે રૂ. ૨૭૪.૧૩ લાખ કરોડના સ્તરે પહોંચ્યું હતું.

સેન્સેક્સના શેરોમાં એચડીએફસી અને એચડીએફસી બેન્ક ટોપ લૂઝર બન્યા હતા, આ પ્રત્યેક સ્ક્રિપ્સમાં છ ટકા જેવો કડાકો નોંધાયો હતો કારણ કે નિષ્ણતોના મતાનુસાર બંને કંપનીઓના વિલીનીકરણ બાદ તેના એમએસસીઆઇ ઇન્ડેકસના લાર્જ કેપ સેગમેન્ટમાં ૦.૫ના એડજસ્ટમેન્ટ ફેકટર સાથે દાખલ થવાથી ૧૫૦ થી ૨૦૦ મિલિયન ડોલરનો આઉટફ્લો થઇ શકે છે.

અમેરિકાના શેરબજારો ફરી નબળા પડી રહ્યાં છે અને યુએસ બેન્કિંગ સિસ્ટમમાં તણાવના નવા ભયને કારણે એસએન્ડપી ૫૦૦ ચોથા દિવસે નીચી સપાટીએ લપસી ગયો હતો. માર્ચની શરૂઆતથી ચાર બેંક નિષ્ફળતાઓને પગલે પ્રાદેશિક બેંકિંગ શેરોમાં વધુ એક વખત વેચવાલીના તીવ્ર દબાણને પગલે ગુરૂવારે વોલ સ્ટ્રીટના શેરોમાં ઘટાડો થયો હતો.

ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ ઇન્ડેક્સ ૦.૯ ટકા ઘટીને ૩૩,૧૨૮ પોઇન્ટની સપાટીએ પહોંચ્યો હતો. બ્રોડ બેસ્ડ એસએન્ડપી ૫૦૦ ઇન્ડેક્સ ૦.૭ ટકા ઘટીને ૪,૦૬૧ પોઇન્ટના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે ટેકનોલોજી શેરો ધરાવતો નાસ્ડેક કમ્પોઝિટ ઇન્ડેક્સ ૦.૫ ટકા ઘટીને ૧૧,૯૬૬ પોઇન્ટની સપાટી પર પહોંચ્યો હતો.

બેંકિંગ સેક્ટરમાં ઉથલપાથલના નવા ભયને કારણે વોલ સ્ટ્રીટ પરની સ્લાઇડને પગલે શુક્રવારે એશિયન શેરબજારમાં મિશ્ર વલણ જોવા મળ્યું હતું. એક તબક્કે હોંગકોંગનો હેંગસેંગ ઇન્ડેક્સ એક ટકાથી વધુ આગળ વધ્યો હતો, જ્યારે શાંઘાઈ શેરબજાર ગબડ્યું હતું. સિડની અને તાઈપેઈના ઇન્ડેક્સ પણ ઊંચી સપાટીએ પહોંચ્યા હતા, જ્યારે વેલિંગ્ટન, જકાર્તા, સિંગાપોર, કુઆલાલમ્પુર અને મનિલા નીચી સપાટીએ ગબડ્યા હતા. ટોક્યો અને સિઓલ શેરબજાર રજાને કારણે બંધ હતા.

એકસ્ચેન્જની માહિતી અનુસાર વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ ગુરૂવારે રૂ. ૧,૪૧૪ કરોડની ખરીદી કરીને ભારતીય ઇક્વિટીના નેટ બાયરો રહ્યા હતા. દરમિયાન, એફઆઇઆઇએ મે મહિનામાં અત્યાર સુધીમાં ૧૦,૮૫૦ કરોડ રૂપિયાની ભારતીય ઇક્વિટી ખરીદી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -