(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: શેરબજારમાં આજે ફરી મંદીનો માહોલ સર્જાયો હતો અને એક જ દિવસમાં તેજી ધોવાઇ ગઇ હતી. સેન્સેક્સ ૫૦૨ પોઈન્ટ્સ ઘટીને બંધ રહ્યો હતો, જ્યારે એનએસઈ નિફ્ટી-૫૦ પણ ૧૭,૩૦૦ની સપાટી નજીક પહોંચી ગયો હતો. બુધવારે જીડીપીના નબળા આંકડા પછી પણ બજારમાં સુધારો હતો અને આ સત્રમાં અમેરિકાના ડેટાને કારણે પીછેહઠ જોવા મળી હતી. અમેરિકામાં મેન્યુફેકચરર્સની ઇન્પુટ કોસ્ટમાં થયેલા વધારાને કારણે ઇન્ફ્લેશન ઊંચા સ્તરે રહેવાની અટકળો વચ્ચે ફેડરલ લાંબા સમયગાળા સુધી વ્યાજદરમાં આક્રમક વૃદ્ધિ ચાલુ રાખશે એવી ભીતિએ અમેરિકા અને એશિયા તથા યુરોપના બજારોમાં વેચવાલીનું દબાણ વધી ગયું હતું અને સ્થાનિક બજાર પર પણ તેની અસર પડી હતી. દરમિયાન ગુરૂવારના સત્રમાં અદાણી પોર્ટના શેરમાં ત્રણેક ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. સુપ્રીમ કોર્ટે ગુરૂવારે હિંડનબર્ગ-અદાણી કેસમાં તપાસ કરવા માટે નિવૃત્ત ન્યાયમૂર્તિ એએમ સપ્રેના વડપણ હેઠળ નિષ્ણાતોના સમિતિની રચી હતી અને તેને બે મહિનામાં તપાસ પૂર્ણ કરવા જણાવાયું છે. આ સમાચાર બાદ ઘરેલું શેરબજારમાં આજે વેચવાલીના ભારે દબાણ વચ્ચે પણ અદાણી ગ્રુપ કંપનીઓના શેરોમાં લેવાલી જોવા મળી હતી.