(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: મંદીવાળાઓની સખત ભીંસમાં સપડાયેલા શેરબજારમાં વેચવાલી એકધારી ચાલુ રહેતા, ભારે ઊથલપાથલમાંથી પસાર થયા બાદ બેન્ચમાર્ક સતત આઠમાં સેશનમાં રેડ ઝોનમાં વધુ નીચી સપાટીએ સરક્યા હતા. પાછલા સાડાત્રણ વર્ષની આ સૌથી લાંબી પીછેહઠ છે.
સેન્સેક્સ આજે વધુ ૩૨૬ પોઈન્ટ્સ તૂટ્યો હતો, જ્યારે નિફ્ટી-૫૦ ઈન્ડેક્સ ૧૭૩૦૦ પોઇન્ટની માંડ ટકાવીને ચાર મહિનાની નીચી સપાટીએ બંધ રહ્યો હતો. જોકે, ખરાબ બજારમાં પણ અદાણી એન્ટરપ્રાઈઝિસના શેરમાં આજે ૧૪.૯૦ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો.
ડિસેમ્બર ક્વાર્ટરના જીડીપી ડેટાની જાહેરાત અગાઉના સાવચેતીના માનસ વચ્ચે માર્કેટમા વેચવાલી વધી હતી. ખાસ કરીને ઓટો અને મીડિયા શેરોમાં જોવા મળેલા સુધારા સામે મેટલ તેમજ ઓઈલ-ગેસ શેરોમાં તીવ્ર વેચવાલીથી અવરોધ સર્જાયો હતો અને શેરબજાર આ સત્રમાં પણ ઘટીને બંધ રહ્યું હતું. વિવિધ દેશોની સેન્ટ્રલ બેન્કો દ્વારા કડક નાણાકીય નીતિના પગલાંનો ભય જળુંબી રહ્યો હોવાથી બજારમાં ભારે વોલેટિલિટી જોવા મળી હતી.
બંને બેન્ચમાર્ક ચાર મહિનાની નીચી સપાટીએ પટકાયા હતા. આજે દિવસ દરમિયાન સેન્સેક્સ ઉપરમાં ૫૯,૪૮૩.૭૨ અને નીચામાં ૫૮,૭૯૫.૯૭ પોઈન્ટ્સની રેન્જમાં ટ્રેડ થયા બાદ ૩૨૬.૨૩ પોઈન્ટ્સ અથવા ૦.૫૫ ટકા ગગડીને ૫૮૯૬૨.૧૨ પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી પણ ઉપરમાં ૧૭,૪૪૦.૪૫ અને નીચામાં ૧૭,૨૫૫.૨૦ પોઈન્ટ્સની સપાટી વચ્ચે અથડાયા બાદ ૮૮.૭૫ પોઈન્ટ્સ અથવા ૦.૫૧ ટકાના કડાકા સાથે ૧૭૩૦૩.૯૫ પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો.