(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: પશ્ચિમ રેલવેમાં વિવિધ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રેલવે ટ્રેક સંબંધિત કામગીરી ઝડપથી પાર પાડવાના ભાગરૂપે બોરીવલી વિરાર સેકશનમાં લોકલ ટ્રેનની સ્પીડ વધારવા સંબંધમાં મહત્વની કામગીરી પાર પાડવામાં આવી હતી, જેથી આગામી દિવસોમાં લોકલ ટ્રેનની સ્પીડ વધારો થશે, એવો અધિકારીએ દાવો કર્યો હતો.
લોકલ ટ્રેનની સ્પીડ વધારવા સંબંધમાં ખાસ કરીને બોરીવલી ઉત્તર દિશાના ટ્રેક અને પોઇન્ટ સંબંધિત અવરોધોને દુર કરવાની કામગીરી પાર પાડવામાં આવી હતી. બોરીવલી અને વિરાર સેકશનમાં મહત્વના સુધારાનું કામકાજ સફળતપૂર્વક પાર પાડવામાં આવ્યું છે, જેથી આ સેકશનમાં લોકલ ટ્રેનોની સ્પીડ વધારવા સંબંધમાં મદદ મળશે એની સાથે સાથે ટ્રેનોની નિયમિતતામાં સુધારો થશે. સેકશનમાં બોરીવલી ઉત્તર દિશામાં પોઇન્ટ નંબર ૧૭૩ અને ૧૭૪ને થીક વેબ સ્વીચ (TWS) ખસેડવામાં આવ્યું છે, જ્યારે ૧૭૩ પોઇન્ટને ૨.૮ મીટર સ્થાનાંતરિત કરવામાં આવ્યો છે, જ્યારે તમામ ફ્રી પોઇન્ટને વેલ્ડ કરવામાં આવ્યા છે. મહત્વનું કામકાજ હવે પૂરું કરવામાં આવ્યું હોવાને કારણે ક્રોસઓવરમાં ટ્રેન કલાકના ૩૦ કિલોમીટરની રફતારથી દોડાવી શકાશે, તેનાથી સેકશનમાં લોકલ ટ્રેનની સ્પીડ અને મૂવમેન્ટમાં પણ સુધારો કરી શકાશે. આ ઉપરાંત, ટ્રેનોને હવે ૮ નંબરના પ્લેટફોર્મ પરથી વિરાર તરફ (ડાઉન ફાસ્ટ લાઇન) divert કરી શકાશે અને બોરીવલી અપ ફાસ્ટ લાઇનથી આઠ નંબરના પ્લેટફોર્મ પર ટ્રેન લાવી શકાશે. હવે બોરીવલી અને દહિસર સ્ટેશન વચ્ચે પણ લોકલ ટ્રેનની સ્પીડમાં વધારો થશે અને ટ્રેનો ખોટકાવાનું પ્રમાણ ઘટી શકે છે, એવો પશ્ચિમ રેલવેના વરિષ્ઠ અધિકારીએ દાવો કર્યો હતો.
અહીં એ જણાવવાનું કે તાજેતરમાં પશ્ચિમ રેલવેએ તેના હાર્બર સેકશનમાં રૂટમાં પણ આ પ્રકારે મહત્વના કામકાજ પાર પડ્યા છે, જેથી બંને સેકશનમાં લોકલ ટ્રેનોની મૂવમેન્ટમાં સુધારો થવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે, એવું સૂત્રોએ જણાવ્યું હતું.