આદિપુરુષ ફિલ્મનું ગીત ‘જય શ્રી રામ’ રિલીઝ થતાની સાથે જ ધૂમ મચાવી રહ્યું છે. આ ગીતે એક રેકોર્ડ પણ બનાવ્યો છે. યુટ્યુબ પર આ ગીતનો વીડિયો છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ જોવાયેલો વીડિયો બન્યો છે. આ ગીતને 30 મિલિયન વ્યુઝ અને 5,63,000 લાઈક્સ મળ્યા છે, આ ગીતે અક્ષય કુમારના ગીત ક્યા લોગ તુમ કોને પાછળ છોડ્યું છે. ઓમ રાઉત દ્વારા નિર્દેશિત ફિલ્મ આદિપુરુષ 16 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થશે.
નોંધનીય છે કે આદિપુરુષનો fever દેશ-વિદેશમાં છવાયેલો છે. તેનો પુરાવો છેલ્લા કેટલાક મહિનાઓથી સોશિયલ પ્લેટફોર્મ પર દેખાઈ રહ્યો છે. મોશન પોસ્ટર હોય, સ્ટીલ પોસ્ટર હોય, ટીઝર હોય કે ટ્રેલર હોય કે અત્યાધુનિક ટેક્નોલોજીથી સજ્જ આ ફિલ્મનો ભવ્ય લુક હોય, દર્શકો આદિપુરુષ સાથે સંબંધિત દરેક પાસાને જોવા આતુર છે. હવે જ્યારે એનું ગીત રિલીઝ થયું છે, ત્યારે ગીતને પણ લોકોએ વધાવી લીધું છે. ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ બધે જ ‘જય શ્રી રામ’ ગીતના નારા લગાવવામાં આવી રહ્યા છે.
આ ફિલ્મ 16 જૂને રિલીઝ થશે, પણ જે રીતે લોકોમાં આ ફિલ્મ અને તેના દરેક પાસાનો ક્રેઝ ચાલી રહ્યો છે, તે જોતા લાગે છે કે ફિલ્મ આદિપુરુષ રેકોર્ડની હારમાળા સર્જશે. આ ફિલ્મમાં પ્રભાસ રાઘવની ભૂમિકામાં છે, જાનકીની ભૂમિકા કૃતિ સેનન અને લંકેશની ભૂમિકા સૈફ અલી ખાને ભજવી છે. ફિલ્મનું દિગ્દર્શન ઓમ રાઉતનુ છે. આ ફિલ્મને ટ્રિબેકા ફિલ્મ ફેસ્ટિવલમાં દર્શાવવામાં આવશે.