પશ્ચિમ બંગાળના પર્યટન પ્રધાન બાબુલ સુપ્રિયોને છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ સોમવારે બપોરે અહીંની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એક વરિષ્ઠ અધિકારીએ આ માહિતી આપી હતી.
ગાયકમાંથી રાજકારણી બનેલા સુપ્રિયોને અહીંની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા બાદ તેમની તબીબી તપાસ કરવામાં આવી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે એન્જીયોગ્રાફીથી ખબર પડી કે મંત્રીને ‘માઈનોર કોરોનરી આર્ટરી ડિસીઝ’ છે. સુપ્રિયો ઈન્ફોર્મેશન ટેક્નોલોજી અને ઈલેક્ટ્રોનિકનો પોર્ટફોલિયો પણ ધરાવે છે. બીજી તરફ ડોકટરોએ કહ્યું છે કે બાબુલ સુપ્રિયોની તબીબી સારવાર કરવામાં આવી રહી છે. તેઓ નિષ્ણાંત ડૉક્ટરોના નિરીક્ષણ હેઠળ છે. તેમને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
બાબુલ સુપ્રિયોનો જન્મ પશ્ચિમ બંગાળના એક નાના શહેરમાં થયો હતો. ડોન બોસ્કો લિલાહમાં શાળાનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી, તેમણે કલકત્તા યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું હતું. તેણે મનોરંજન ક્ષેત્રમાં પગ મૂકતા પહેલા સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંકમાં પણ કામ કર્યું હતુ, પછી તેણે મનોરંજન ક્ષેત્રમાં જવાનું નક્કી કર્યું, જ્યાં તેમણે ગાયક તરીકે સફળતા પણ હાંસલ કરી અને પછી રાજકારણમાં જોડાયા. તેમણે 2014માં પહેલીવાર ભાજપમાંથી ટિકિટ લઈને લોકસભાની બેઠક પરથી વિજય મેળવ્યો હતો. 2019માં પણ તેઓ આસનસોલ લોકસભા બેઠક પરથી જીત્યા હતા. તેઓ નરેન્દ્ર મોદીની કેબિનેટમાં સતત બે ટર્મ માટે મંત્રી પણ બન્યા હતા. પ્રધાનપદ પરથી હટાવ્યા બાદ તેઓ તૃણમૂલ સાથે જોડાયા અને મમતા બેનર્જીની કેબિનેટમાં સામેલ થયા હતા. હાલમાં તૃણમૂલ કોંગ્રેસના નેતા બાબુલ સુપ્રિયો પશ્ચિમ બંગાળના ઈન્ફોર્મેશન ટેક્નોલોજી અને ઈલેક્ટ્રોનિક્સ અને પર્યટન પ્રધાન છે.