દાસ્તાન-એ-કાબુલ શોની અભિનેત્રી તુનીષા શર્માની આત્મહત્યાએ સમગ્ર દુનિયાને ચોંકાવી દીધા હતા અને હવે આ સેટથી જ વધુ એક ચોંકાવનારા સમાચાર આવી રહ્યા છે. એક્ટ્રેસે જે સેટ પર આત્મહત્યા કરી હતી એ સેટ આગમાં બળીને ખાખ થઈ ગયો હતો.
મળી રહેલી માહિતી અનુસાર આગ સૌથી પહેલા ભજનલાલ સ્ટુડિયોમાં લાગી હતી અને આ સ્ટુડિયો કમાન, વસઈમાં આવેલો છે. શુક્રવારે મોડી રાત્રે આ સ્ટુડિયોમાં આગ લાગી હતી, જેના કારણે આસપાસના સેટ પણ આ આગની ચપેટમાં આવી ગયા હતા. આગને કારણે ભારે નુકસાન થયું હતું, જેમાં સમગ્ર સેટ બળીને ખાખ થઈ ગયા હતા.
વસઈ વિરાર સિટી મ્યુનિસિપલ કોર્પોરેશન ફાયર બ્રિગેડના જણાવ્યા અનુસાર, મુંબઈની બહાર સ્થિત આ સેટ્સમાં શનિવારે સવારે 4 વાગ્યે આગ લાગી હતી. હજી સુધી આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે 20 વર્ષની ઉંમરે તુનિષાએ અલી બાબાના સેટ પર કથિત રીતે આત્મહત્યા કરી લીધી હતી. એક્ટ્રેસે આટલું મોટું પગલું કેમ ભર્યું, આ સવાલ હજી પણ યથાવત છે.
મળી રહેલાં રિપોર્ટ્સ અનુસાર, ટીવી એક્ટ્રેસ ડિસેમ્બર 2022માં સેટ પર તેના એક્સ બોયફ્રેન્ડ અને કો-સ્ટાર શીજાન ખાનના મેક-અપ રૂમમાં મૃત હાલતમાં મળી આવી હતીબાદમાં પોલીસ દ્વારા એક્ટરને કલમ 306 હેઠળ કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. વર્ષ 2023 માં શીજાનને માર્ચ મહિનામાં જામીન મળી ગયા હતા. ટૂંક સમયમાં જ શીજાન ખાન રોહિત શેટ્ટીના શો ખતરોં કે ખિલાડીની સીઝન 13માં જોવા મળવાનો છે.