આપણે અહીં ભારતનો નહીં પણ ચીનનો ઉલ્લેખ કરી રહ્યા છીએ. ચીનનો બીજા નંબરનો સૌથી ધનિક વ્યક્તિ એક જ ઝટકામાં કંગાળ થઇ ગયો છે. ચીનનો બિલિયોનેર ઉદ્યોગપતિ હુઇ કા યાન (Hui Ka Yan)ની નેટવર્થ 42 બિલિયન યુએસ ડોલરથી ઘટીને 3 બિલિયન યુએસ ડોલર થઇ ગઇ છે.
બ્લૂમબર્ગ બિલિયોનેર ઇન્ડેક્સ મુજબ રિઅલ એસ્ટેટ ટાયકૂનની નેટવર્થમાં 93 ટકા એટલે કે 37 બિલિયનનો ઘટાડો થયો છે. 2020માં ફોર્બ્સ મેગેઝિને યાનને ચીનનો બીજા નંબરનો સૌથી ધનિક ઉદ્યોગપતિ ગણાવ્યો હતો, પરંતુ તે પછી વ્યવસાયમાં સતત નુક્સાન અને વધતા જતા દેવાને કારણે યાનની નેટવર્થમાં સતત ઘટાડો થયો હતો.
નોંધનીય છે કે 2020થી દુનિયાભરમાં કોરોનાનો રોગચાળો ફાટી નીકળ્યો હતો. ચીનમાં તો કોરોનાએ માઝા મૂકી હતી. રોગચાળાને કાબૂમાં લેવા માટે ચીનમાં ઝીરો કોવિડ નીતિ લાગુ કરવામાં આવી હતી અને અનેક નિયંત્રણો લાદવામાં આવ્યા હતા. યાનનો રિઅલ એસ્ટેટનો બિઝનેસ છે. સ્વાભાવિક રીતે જ કોરોનાને કારણે વેપારધંધા બંધ થઇ જવા પામ્યા હતા અને ચીન સહિત અનેક દેશો મંદીમાં ધકેલાઇ ગયા હતા.