Homeદેશ વિદેશગુજરાતમાં બીજા તબક્કાના ચૂંટણીપ્રચારના પડઘમ શાંત

ગુજરાતમાં બીજા તબક્કાના ચૂંટણીપ્રચારના પડઘમ શાંત

વિધાનસભાની ૯૩ બેઠક પર પાંચમી ડિસેમ્બરે મતદાન યોજાશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની ૯૩ બેઠકોની ચૂંટણીના ૫મી ડિસેમ્બરે યોજાનારા મતદાનના ૪૮ કલાક પહેલાં શનિવારે સાંજના પાંચ વાગ્યાથી પ્રચાર પડઘમ શાંત થયા છે. ૯૩ બેઠકો પર ૮૩૩ ઉમેદવારો મેદાનમાં છે. ૮મી ડિસેમ્બરે મતગણતરી કરવામાં આવશે. બીજા તબક્કાની આ ચૂંટણીમાં અમદાવાદના ઘાટલોડિયાથી મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, અમદાવાદ જિલ્લાના વિરમગામથી પાટીદાર નેતા હાર્દિક પટેલનો સમાવેશ થાય છે. ગાંધીનગર દક્ષિણમાંથી ઓબીસી નેતા અલ્પેશ ઠાકોર. હાર્દિક પટેલ અને ઠાકોર બંને ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે ઉત્તર ગુજરાતની વડગામ બેઠક પરથી દલિત નેતા અને કૉંગ્રેસના ઉમેદવાર જિજ્ઞેશ મેવાણી અને આઠ પ્રધાન પણ ચૂંટણી મેદાનમાં છે.
આ ચૂંટણી માટે કુલ ૨.૫૧ લાખથી વધુ મતદારો નોંધાયેલા છે તેમ જ ભાજપના ૯૩, આપના ૯૩ અને કૉંગ્રેસના ૯૦ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યાં છે. આ ઉપરાંત, બીટીપીના ૧૨ ઉમેદવારો અને અપક્ષ ૨૮૫ ઉમેદવારોનો સમાવેશ થાય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતની ૮૯ બેઠકો માટે પ્રથમ તબક્કાનું મતદાન ૧લી ડિસેમ્બરે યોજાયું હતું, જેમાં સરેરાશ ૬૩.૩૧ ટકા મતદાન થયું હતું, જે છેલ્લી વખત કરતાં ઓછું હતું. ચૂંટણીમાં મુખ્ય દાવેદારોમાં સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી, કૉંગ્રેસ અને અરવિંદ કેજરીવાલની આગેવાનીવાળી આમ આદમી પાર્ટી છે. સોમવારે જ્યાં મતદાન થશે તે ૯૩ બેઠકો અમદાવાદ, વડોદરા અને ગાંધીનગર સહિત ઉત્તર અને મધ્ય ગુજરાતના ૧૪ જિલ્લાઓમાં ફેલાયેલી છે. ૨૬,૪૦૯ બૂથ પર મતદાન યોજાશે અને લગભગ ૩૬,૦૦૦ ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનનો ઉપયોગ કરવામાં આવશે. ચૂંટણીપંચ ૧૪ જિલ્લામાં ૨૯,૦૦૦ પ્રિસાઇડિંગ ઓફિસર અને ૮૪,૦૦૦થી વધુ પોલિંગ ઓફિસરોને તૈનાત કરશે.
દરમિયાન સત્તાધારી ભાજપને પણ બીજા તબક્કામાં કેટલીક જગ્યાએ બળવાખોર ઉમેદવારોના પડકારનો સામનો કરવો પડી રહ્યો છે. વાઘોડિયાના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ પાર્ટીની ટિકિટ નકાર્યા બાદ અપક્ષ તરીકે ચૂંટણી લડી રહ્યા છે. પાદરા, બાયડ અને નાંદોદ બેઠક પરથી ભાજપના પૂર્વ ધારાસભ્યો દિનુ સોલંકી, ધવલસિંહ ઝાલા અને હર્ષદ વસાવા અને માજી ધારાસભ્ય માવજીભાઇ દેસાઇ વગેરે પણ અપક્ષ તરીકે મેદાનમાં છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૧ અને ૨ ડિસેમ્બરના રોજ અમદાવાદમાં બે બેક-ટુ-બેક રોડશો સહિત ભાજપ માટે ઝુંબેશ ચલાવી હતી. તેમણે છેલ્લા બે દિવસમાં પંચમહાલ, છોટાઉદેપુર, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, આણંદ અને અમદાવાદ જિલ્લામાં સાત ચૂંટણી રેલીઓને પણ સંબોધી હતી. શનિવારે પ્રચારના છેલ્લા દિવસે ભાજપે તેમના સ્ટાર પ્રચારકોના અનેક રોડ શો અને રેલીઓનું આયોજન કર્યું હતું. કેન્દ્રીય પ્રધાનો અમિત શાહ, રાજનાથ સિંહ, ગજેન્દ્ર સિંહ શેખાવત, સ્મૃતિ ઈરાની અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ પણ બીજા તબક્કામાં શાસક પક્ષ માટે પ્રચાર કર્યો હતો. કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ અમદાવાદ અને વાઘોડિયામાં રેલીઓને સંબોધી હતી. આપના વડા અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માન છેલ્લા બે દિવસમાં રોડ-શો અને રેલીઓને સંબોધી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -