Homeવીકએન્ડમાનવની કહેવતમાં બદનામ કાચીંડાભાઈની સત્યગાથા

માનવની કહેવતમાં બદનામ કાચીંડાભાઈની સત્યગાથા

નિસર્ગનો નિનાદ -ધર્મેન્દ્ર ત્રિવેદી

લગ્ન પ્રસંગે, મરણ પ્રસંગે કે આમ જ મળી ગયેલા કોઈ સગા, સ્નેહી કે મિત્રો વચ્ચે ત્રાહિત કોઈ વ્યક્તિ અંગેની વાતચીતમાં ક્યાંક ને ક્યાંક આપણને સાંભળવા મળશે કે ‘જવા દે ને યાર, એ તો કાચીંડા જેવો છે.’ અને આ શબ્દ પ્રયોગ એવો છે કે વગર કહ્યે કોઈ પણ વ્યક્તિ જે તે વ્યક્તિ માટે વપરાયેલા આ શબ્દથી ઘણુ બધું સમજી જાય છે. હા, આપણે સૌએ કાંચીંડાને જોયા બાદ કે જોયા વગર જ તેની પ્રાકૃતિક વિશેષતાના આધારે સમજી જઈએ છીએ કે જે તે વ્યક્તિ પ્રસંગ કે પરિસ્થિતિ અનુરૂપ પોતાનો સ્વભાવ, વર્તન કે વિચારધારા ક્ષણભરમાં બદલી શકે તેના માટે આ ઉપમા વાપરવામાં આવે છે. અને આ ઉપમા એટલી રૂઢ થઈ ગઈ છે કે તેને ખાસ સમજાવવી પડતી નથી.
તો આ કાચીંડાની હકીકત છે શું તે જાણીએ, અને ઉપમા મુજબ કાચીંડાની ખાસિયત સુયોગ્ય છે કે નહિ એ પણ સમજીએ. હકીકત એ છે કે આપણે રંગ બદલવાની પ્રાકૃતિક વિશિષ્ટતાના કારણે દોગલા માણસોને તેની ઉપમા આપીએ છીએ તે કાચીંડો હકીકતે સરિસૃપ વર્ગમાં આવતી ગરોળી એટલે કે લીઝાર્ડની એક જાતિ છે. આપણે જોયેલો કાચીંડો એ ગાર્ડન લીઝાર્ડ છે. આ કાચીંડો ખરેખર આપણે કલ્પેલી ખાસિયત મુજબ રંગ બદલી શકતો નથી. આ કાચીંડો બે-ત્રણ સ્થિતિમાં રંગ જરૂર બદલે છે, એક તો તેના પર હુમલો થાય ત્યારે આપણી આજુબાજુમાં જોવા મળતો કાચીંડો પોતાના ગુસ્સાને દર્શાવવા માટે લાલઘુમ થઈ જાય છે. અન્યથા કાંચીંડો પોતાની ટેરિટરીમાં એટલે કે પોતાના ઈલાકામાં આવી ચડેલા બીજા કાચીંડાને ચેતવવા અને પોતે ખતરનાક છે એવી ચેતવણી આપવા લાલઘુમ થાય છે. અને ત્રીજો કિસ્સો સૌને સમજાય એવો છે. કાચીંડો જ્યારે પોતાના ઈલાકામાં વસતી અથવા આવી ચડેલી કાચીંડીને પટાવવા માટે લાલ રંગ ધારણ કરે છે અથવા એ કાચીંડી પાછળ પાછળ આવી ચડેલા બીજા ઈશ્કી ટટ્ટુ કાચીંડાને લલકારવા માટે લાલ રંગ ધારણ કરે છે!
હવે આપણે આપણા કાચીંડાને સાઈડ પર રાખીને હકીકતે રંગ બદલવામાં મહારથી જીવ જે કાચીંડાનો જ પિતરાઈ બંધુ છે તેના વિશે જાણીએ. આ પ્રાણીનું નામ છે કેમેલિયન અને ગુજરાતીમાં આ પ્રાણીનાં અનેક નામો હોઈ શકે છે, પરંતુ આ લખનારને તેનું આજ સુધી એક જ ગુજરાતી નામ જાણમાં છે. કેમેલિયનને દક્ષિણ ગુજરાતના લોકો ‘સરડો’ નામે બોલાવે છે. ડિસ્કવરી, નેશનલ જીયોગ્રાફી અને એનિમલ પ્લેનેટ જેવી પ્રકૃત્તિને વરેલી ચેનલો જોનારા લોકો તેને ઓળખે જ છે. બે દૂરબીનની જેમ બહાર નીકળેલી આંખો કેમેલિયનની ઓળખ છે. તેના પગની રચના બીજા કાચીંડાઓ કરતાં અલગ હોય છે. ચાર આંગળીઓ અને એક અંગૂઠાની જગ્યાએ કેમેલિયનને આગળ અને પાછળ એમ માત્ર બે જ જાડી આંગળીઓ હોય છે જેનાથી તે વૃક્ષોની ડાળખીઓ પર પકડ મેળવે છે અને વધુમાં જરૂર પડ્યે પોતાની પૂંછડીથી પણ ડાળીઓ પકડીને ચાલે છે.
કેમેલિયનની સૌથી વિશેષ નોંધપાત્ર બે બાબતો છે. પ્રથમ વાત એ છે કે વૃક્ષો પર રહેતો હોવાથી કેમેલિયન જીવજંતુઓનો જ શિકાર કરે છે. અને તેની શિકાર કરવાની પદ્ધતિ ખૂબ અનોખી છે. તેની ત્વચા વૃક્ષની છાલની જેમ ખરબચડી હોય છે તેથી તે વૃક્ષની પશ્ર્ચાદભૂમિમાં આસાનીથી ભળી જાય છે. પોતાના શિકારને જોઈને તે સાવ ધીમી ગતિએ જાણે ડોલતો હોય એમ આગળ વધે છે અને નજીક પહોંચ્યા બાદ પોતાના મોમાંથી લાંબી જીભને ફેકીને શિકારને ઝડપી લે છે. કહેવાય છે કે કેમેલિયનની જીભ પોતાના શરીરની લંબાઈ કરતાં બમણી લાંબી હોય છે.
હવે આવીએ કેમેલિયનભાઈની રંગ બદલવાની મૂળ વાત પર. સર્વસામાન્ય માન્યતા એ છે કે તે પોતાના શિકારીઓથી બચવા માટે પોતાની આસપાસના વાતાવરણમાં ભળી જવાય એવા રંગો ધારણ કરી શકે છે. એક રીતે એવું થતું પણ હોય છે કે લીલાછમ વૃક્ષોમાં બેઠેલો લીલા રંગના કેમેલિયનને શોધવો અઘરો તો હોય છે જ, પરંતુ વૈજ્ઞાનિક હકીકત એ છે કે કેમેલિયન પોતાના મિજાજ એટલે કે મૂડ, આસપાસના વાતાવરણના પ્રકાશ, ઉષ્ણતામાન અથવા તો ભેજમાં આવતાં પરિવર્તનોના કારણે પોતાના રંગો બદલતો રહે છે. એ સિવાય માથાભારે અને દેખાવડો કેમેલિયન ચમકદાર રંગનો હોય છે જ્યારે નબળો નર ભૂખરા અને નિસ્તેજ રંગનો હોય છે. તે સિવાય માદા કેમેલિયન કોઈ નરના ઈજનને સ્વીકારવા અથવા નકારવા પોતાના તે મુજબના રંગો બદલીને જવાબ આપતી હોય છે. એટલે જ અમુક વિજ્ઞાનિકો માને છે કે કેમેલિયન્સ રંગોના બદલાવાના માધ્યમથી પરસ્પર પ્રત્યાયન એટલે કે વાતચીત કરે શકવાની ક્ષમતા ધરાવે છે.
દુનિયામાં કેમેલિયનની લગભગ ૨૦૦ જેટલી જાતિઓ છે. તેમાંની અમુક ૨૭.૫ ઇંચ જેટળી મોટી હોય છે જ્યારે સૌથી ટચૂકડી જાતી માત્ર ૧.૧૪ ઈંચની જ હોય છે. સૌથી રસપ્રદ વાત એ છે કે કેમેલિયન પોતાના આસપાસના વાતાવરણમાં ભળી જવા રંગ બદલી શકે છે એમાં બહુ નવાઈ જેવું નથી, પરંતુ કોઈ પણ કારણસર કેમેલિયન જો અંધ બની ગયો હોય તો તેમ છતાં તે પોતાની આસપાસના વાતાવરણ મુજબના રંગો પોતાના શરીર પર લાવી શકે છે. આમ, કેમેલિયનની રંગ બદલવાની આ ક્ષમતાને માણવાની લુચ્ચાઈ સાથે કોઈ લેવાદેવા નથી, પરંતુ હકીકત તો એ છે કે માનવની રંગ બદલવાની ફિતરતને આપણે કાચીંડા ઉર્ફ કેમેલિયન ઉર્ફ સરડા સાથે સરખાવીને તેને ઘોર અન્યાય જ કરી રહ્યા છીએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -