મુંબઈ: વૈશ્ર્વિક ઈક્વિટી માર્કેટમાં મિશ્ર વલણ અને સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની જળવાઈ રહેલી વેચવાલી ઉપરાંત વૈશ્ર્વિક બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના ભાવમાં આગેકૂચ જળવાઈ રહેતાં સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયો વધુ ૧૧ પૈસાના ઘટાડા સાથે ૮૨.૭૬ની સપાટીએ બંધ રહ્યો હતો. જોકે, આજે આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહ્યું હોવાથી રૂપિયામાં ઘટાડો મર્યાદિત રહ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૨.૬૫ના બંધ સામે નરમાઈના ટોને ૮૨.૭૭ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૨.૮૦ અને ઉપરમાં ૮૨.૬૦ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધથી ૧૧ પૈસાના ઘટાડા સાથે ૮૨.૭૬ના મથાળે બંધ રહ્યો હતો. ગઈકાલે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. ૧૨૭૧.૨૫ કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાનું એક્સ્ચેન્જે પ્રાથમિક માહિતીમાં જણાવતાં આજે રૂપિયો વધુ દબાણ હેઠળ આવ્યો હતો.