(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ ઉપરાંત આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં જોવા મળેલા તેજીના કરંટ અને ગઈકાલે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. ૧૨,૭૭૦.૮૧ કરોડની ચોખ્ખી લેવાલી રહી હોવાનું એક્સચેન્જે પ્રાથમિક આંકડાકીય માહિતીમાં જણાવતા આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના બંધથી ૬૩ પૈસાના ઉછાળા સાથે ૮૨ની સપાટીની અંદર ઊતરીને ૮૧.૯૭ના મથાળે બંધ રહ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૨.૬૦ના બંધ સામે સુધારાના ટોને ૮૨.૨૮ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૨.૩૫ અને ઉપરમાં ૮૧.૯૨ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધથી ૬૩ પૈસાની તેજી સાથે ૮૨ની સપાટીની અંદર ૮૧.૯૭ના મથાળે બંધ રહ્યો હતો.
ગત ફેબ્રુઆરી મહિનામાં ભારતીય સર્વિસીસ ક્ષેત્રનો એસ ઍન્ડ પી ગ્લોબલ ઈન્ડિયા સર્વિસીસ ઈન્ડેક્સ જાન્યુઆરીના ૫૭.૨ સામે ઉછળીને ૧૨ મહિનાની ઊંચી ૫૯.૪ની સપાટીએ રહ્યો હોવાના અહેવાલ ઉપરાંત ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારો પાછા ફર્યાના નિર્દેશે રૂપિયામાં ઉછાળો આવ્યો હોવાનું બીએનપી પારિબાસના રિસર્ચ એનાલિસ્ટ અનુજ ચૌધરીએ જણાવ્યું હતું.
વધુમાં આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધથી ૦.૧૯ ટકા ઘટીને ૧૦૪.૮૨ આસપાસ અને બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ૦.૫૫ ટકા ઘટીને બેરલદીઠ ૮૪.૨૮ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હોવાથી તેમ જ આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે ૮૯૯.૬૨ પૉઈન્ટનો અને ૨૭૨.૪૫ પૉઈન્ટના સ્તરે રહેતાં રૂપિયાની તેજીને ટેકો મળ્યો હોવાનું બજાર વર્તુળોએ જણાવ્યું હતું.