મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વે ગઈકાલે વ્યાજદરમાં અપેક્ષિત ૫૦ બેસિસ પૉઈન્ટનો વધારો કર્યો હોવા છતાં આગામી વર્ષ ૨૦૨૩માં પણ વ્યાજદરમાં વધારા માટે આક્રમક અભિગમનો અણસાર આપતાં આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહેતાં સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં પણ ડૉલર સામે રૂપિયો ૨૭ પૈસા ગબડીને ૮૨.૭૬ના મથાળે બંધ રહ્યો હતો. વધુમાં આજે ઈક્વિટી માર્કેટમાં નરમાઈ રહેતા ગબડતા રૂપિયાને ઢાળ મળ્યો હતો.
સૂત્રોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૨.૪૯ના બંધ સામે નરમાઈના ટોને ૮૨.૬૩ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૨.૭૭ અને ઉપરમાં ૮૨.૪૧ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધથી ૨૭ પૈસાના ઘટાડા સાથે રૂ. ૮૨.૭૬ના મથાળે બંધ રહ્યો હતો.
દરમિયાન આજે વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધથી ૦.૫૬ ટકા વધીને ૧૦૪.૩૫ આસપાસ ક્વૉટ થઈ રહ્યો હતો. તેમ જ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં આજે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે ૮૭૮.૮૮ પૉઈન્ટનો અને ૨૪૫.૪૦ પૉઈન્ટનો કડાકો બોલાઈ જતાં રૂપિયો વધુ દબાણ હેઠળ આવ્યો હતો. જોકે, આજે બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધથી ૦.૭૬ ટકા ઘટીને બેરલદીઠ ૭૬.૫૪ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હોવાથી તેમ જ ગઈકાલે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. ૩૭૨.૧૬ કરોડની ચોખ્ખી લેવાલી જળવાઈ રહી હોવાથી રૂપિયામાં ધોવાણ મર્યાદિત રહ્યું હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું.