ડૉલર ઈન્ડેક્સમાં ૦.૩૩ ટકાનો વધારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આંતરરાષ્ટ્રીય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ અને સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈતરફી વલણ ઉપરાંત ગઈકાલે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની વેચવાલીનું દબાણ જળવાઈ રહ્યું હોવાના નિર્દેશ સાથે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ૧૮ પૈસા ગબડીને ૮૨.૨૨ના મથાળે બંધ રહ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૨.૦૪ના બંધ સામે નરમાઈના ટોને ૮૨.૧૦ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૨.૨૫ અને ઉપરમાં ૮૨.૦૭ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધથી ૧૮ પૈસાના ધોવાણ સાથે ૮૨.૨૨ના મથાળે બંધ રહ્યો હતો.
એકંદરે ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ, સ્થાનિક ઈક્વિટીમાં નરમાઈ અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોની સતત બીજા સત્રમાં ઈક્વિટીમાં વેચવાલી રહેતાં રૂપિયો દબાણ હેઠળ આવ્યો હોવાનું બીએનપી પારિબાસના વિશ્ર્લેષક અનુજ ચૌધરીએ જણાવતાં ઉમેર્યું હતું કે અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી મે મહિનાની નીતિવિષયક બેઠકમાં વ્યાજદરમાં વધારો કરે તેવી શક્યતા હેઠળ યુરોપ અને યુકેના માર્કેટમાં નરમાઈ રહેતાં સ્થાનિક બજાર પણ દબાણ હેઠળ આવી હતી.
પ્રાપ્ત અહેવાલ અનુસાર આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે ૧૫૯.૨૧ પૉઈન્ટનો અને ૪૧.૪૦ પૉઈન્ટનો ઘટાડો આવ્યો હતો. તેમ જ ગઈકાલે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. ૮૧૦.૬૦ કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાના અહેવાલ ઉપરાંત આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધથી ૦.૩૩ ટકા વધીને ૧૦૨.૦૮ આસપાસ ક્વૉટ થઈ રહ્યો હોવાથી ગબડતા રૂપિયાને ઢાળ મળ્યો હતો.
જોકે, આજે વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડ તેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધથી ૧.૬૯ ટકા ઘટીને બેરલદીઠ ૮૩.૩૪ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હોવાથી ઘટાડો મર્યાદિત રહ્યો હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું.