મુંબઈ: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ, ક્રૂડતેલના વાયદામાં ભાવવધારો અને સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈનું વલણ રહ્યું હોવાથી સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયો વધુ ૧૩ પૈસા નબળો પડીને ૮૨.૩૮ની સપાટીએ બંધ રહ્યો હતો. ગઈકાલે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. ૧૪૦૬.૮૬ કરોડની ચોખ્ખી લેવાલી રહી હોવાથી રૂપિયામાં ઘટાડો મર્યાદિત રહ્યો હતો. આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૨.૨૫ના બંધ સામે ૮૨.૨૯ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૨.૪૫ અને ઉપરમાં ૮૨.૨૯ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધથી ૧૩ પૈસા ઘટીને ૮૨.૩૮ના મથાળે બંધ રહ્યો હતો.
પ્રાપ્ત અહેવાલ અનુસાર આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે ૦.૩૪ ટકા વધીને ૧૦૨.૯૧ અને બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે ૦.૧૯ ટકા વધીને બેરલદીઠ ૭૫.૦૫ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. આ ઉપરાંત બૉમ્બે સ્ટોક એક્સચેન્જના બૅન્ચમાર્ક સેન્સેક્સ અને નેશનલ સ્ટોક એક્સચેન્જના બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે ૩૭૧.૮૩ પૉઈન્ટનો અને ૧૦૪.૭૫ પૉઈન્ટનો ઘટાડો આવ્યો હોવાથી રૂપિયો દબાણ હેઠળ રહ્યો હતો.