(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ અને બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવઘટાડો આવ્યો હોવાથી સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં એક તબક્કે સાત પૈસાનો સુધારો આવ્યો હતો, પરંતુ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈ અને ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. ૫૬૧.૭૮ કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાનું એક્સચેન્જે પ્રાથમિક આંકડાકીય માહિતીમાં જણાવતાં રૂપિયામાં સત્ર દરમિયાન જોવા મળેલો સુધારો ધોવાઈ ગયો હતો અને સત્રના અંતે સાધારણ બે પૈસાના સુધારા સાથે ૮૨.૦૪ના મથાળે બંધ રહ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૨.૦૬ના બંધ સામે સત્રના આરંભે નરમાઈના ટોને ૮૨.૧૨ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૨.૧૪ અને ઉપરમાં ૮૧.૯૯ સુધી મજબૂત થયા બાદ અંતે ગઈકાલના બંધથી બે પૈસાના સુધારા સાથે ૮૨.૦૪ની સપાટીએ બંધ રહ્યો હતો. આજે ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે ૦.૦૮ ટકા ઘટીને ૧૦૫.૨૨ આસપાસ ક્વૉટ થઈ રહ્યો હોવાથી તેમ જ વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધથી ૦.૫૯ ટકા ઘટીને બેરલદીઠ ૮૧.૧૧ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યો હોવાથી રૂપિયાના સુધારાને ટેકો મળ્યો હતો. જોકે, આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે ૬૭૧.૧૫ પૉઈન્ટનો અને ૧૭૬.૭૦ પૉઈન્ટનો ઘટાડો આવ્યો હોવાથી તેમ જ ગઈકાલે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. ૫૬૧.૭૮ કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાને કારણે રૂપિયામાં સુધારો સીમિત રહ્યો હોવાનું ઉમેર્યું હતું.