કેન્વાસ -અભિમન્યુ મોદી
ગુજરાત-હિમાચલની ચૂંટણી અંતે પૂર્ણ થઈ. છેલ્લાં ૫૨ દિવસથી પ્રજા રાજકીય પક્ષોના પ્રચાર-પ્રસારને સહન કરતી હતી તેના પર પૂર્ણવિરામ લાગ્યું. સામાન્યપણે દુનિયાના મોટા ભાગના દેશોમાં મતદાન રવિવારે યોજાય છે, પણ જે દેશોની મુખ્ય ભાષા અંગ્રેજી છે ત્યાં આડા દિવસે વોટિંગ થાય છે. જેમ કે, પરંપરાગત રીતે મતદાન માટે કેનેડામાં સોમવાર, અમેરિકામાં મંગળવાર, બ્રિટનમાં ગુરુવાર અને ઓસ્ટ્રેલિયા-ન્યૂઝીલેન્ડમાં શનિવાર પસંદ કરવામાં આવે છે. ભારતની વસ્તી વિરાટ છે એટલે ચૂંટણીપ્રક્રિયા અઠવાડિયાંઓ સુધી ચાલ્યા કરે છે. જો કે ભારતમાં વોટિંગ કાર્ડ કઢાવવાનો કે મતદાર યાદીમાં નામ સામેલ કરવાનો અનુભવ વિઘ્નદોડ જેવો છે. ફ્રાન્સમાં તરુણ કે તરુણી ૧૮ વર્ષનાં થાય એટલે સરકારી રેકોર્ડના આધારે આપોઆપ એ રજિસ્ટર્ડ વોટર બની જાય છે. સ્વિડનમાં મતદાન માટે એલિજિબલ વોટર્સની સૂચિ તૈયાર કરવા માટે ટેક્સ રજિસ્ટર્સ પર આધાર રાખવામાં આવે છે. ભારતના યુવાનોમાં મતાધિકાર પ્રત્યે અનેરો ઉન્માદ જોવા મળે છે. મતદાન કર્યા બાદ હવે તો સ્યાહીયુક્ત આંગળીને પણ સોશિયલ મીડિયામાં શેર કરવાનો ટ્રેન્ડ શરૂ થઈ ગયો છે. ફોટો શેર કરતી વેળાએ હિલોળે ચડતું યુવાન સ્યાહીને નખથી દૂર કરવા સખત મહેનત કરે છે. ખાસ મેકઅપના રંગોમાં ખોવાઈ જતી યુવતીઓની ડાબા હાથની તર્જની પર મહેનતે તૈયાર થયેલી મોંઘીદાટ નેઇલ પોલીશ બગડે એ તો જરાય સાંખી લેવાય નહીં પરંતુ શું કરે આ સ્યાહી છે જ અવિલોપ્ય, અચળ, સ્થિર, સક્ષમ અને શ્રાપયુક્ત.
આમ જોઈએ તો આ શ્રાપ ભારતની સ્યાહી માટે વરદાન બની ગયો છે. વૈશ્ર્વિક સ્તરે ભારતમાં બનતી સ્યાહીએ અમરત્વ પ્રાપ્ત કરી લીધું છે. તેની શક્તિઓ એટલી વધી ગઈ છે કે થાઈલેન્ડ, સિંગાપોર, નાઈજીરીયા, મલેશિયા, દક્ષિણ આફ્રિકા, અફઘાનિસ્તાન,સ્વીડન,મોરેશિયસ, સ્પેન,પેરુ જેવા ૨૮ રાષ્ટ્રો પોતાની ચૂંટણી પ્રક્રિયામાં ભારતની સ્યાહીનો ઉપયોગ કરે છે. અને હવે બ્રિટન પણ ભારતની પેટર્નને અપનાવવા માગે છે. જોકે સ્યાહીના આદ્યસ્થાપક તો અંગ્રેજો જ છે.
ગુલામીકાળમાં અંગ્રેજોના આગમન બાદ ભારત અને બ્રિટનનું પરોક્ષ રીતે સાંસ્કૃતિક હસ્તાંતરણ થયું છે. આવી ‘અવિલોપ્ય સ્યાહી’ અર્થાત જેનો લોપ ન થઈ શકે-જે ભૂંસાઈ ન શકે તેવી સ્યાહીનો વિચાર ઇંગ્લેન્ડમાંથી આવ્યો છે. દિવંગત મહારાણી એલિઝાબેથના પૂજ્ય પિતામહ એડવર્ડ તૃતીયના શાસનમાં રાજકીય ખટપટ થઈ હતી. જેથી રાજાના મંત્રીઓએ ચૂંટણીની હિમાયત કરી હતી. પણ મતદાન કરનાર વારંવાર મત આપીને ગેરરીતિ ના આચરે એટલે અવિલોપ્ય સ્યાહીની શરૂઆત થઈ હતી. ભારતમાં જયારે પ્રથમ ચૂંટણી થવાની હતી ત્યારે દેશના પ્રથમ ચૂંટણી કમિશનર સુકુમાર સેન બ્રિટનની તર્જ પર ભારતીય ચૂંટણીમાં પણ સ્યાહીનો પ્રયોગ કરવા માગતા હતા, પણ મુખ્ય સમસ્યા એ હતી કે એ સમયે આ પ્રકારની અવિલોપ્ય સ્યાહી માત્ર બ્રિટનમાં જ બનતી હતી. પ્રથમ લોકસભાની ચૂંટણીમાં દેશમાં ૧૭ કરોડ ૩૦ લાખ જેટલા મતદાતાઓ હતા. આટલી મોટી વસ્તી માટે બ્રિટનથી શાહીની વ્યવસ્થા કરવી એટલે કરોડો રૂપિયાનું આંધણ કરી દેવાનું. આટલું કઠીન અને અને ખર્ચાળ કાર્ય કરવાની પરવાનગી મળી નહીં એટલે પહેલી ચૂંટણીમાં શાહીનો વિચાર પડતો મૂકવો પડ્યો. પરંતુ સુકુમાર સેનને કોઈપણ પ્રકારે સ્યાહી પ્રથા લાગુ કરવી હતી. જેથી સ્યાહી બનાવવા માટે દિલ્હી સ્થિત નેશનલ ફિઝિકલ લેબોરેટરીને આ જવાબદારી સોંપવામાં આવી.
ઘણાં પરીક્ષણો કર્યા બાદ જલદી ભૂંસાઈ ન શકે એવી સ્યાહીની ફોર્મ્યૂલા મળી, પણ નેશનલ ફિઝિકલ લેબોરેટરીએ આ સ્યાહી બનાવવાની ના પાડી દીધી, કારણ કે કંપનીને અપેક્ષિત નફો મળતો ન હતો. આખરે કર્ણાટક સરકારની ‘મૈસૂર પેઈન્ટ્સ એન્ડ વાર્નિશ કંપની’એ આ અવિલોપ્ય સ્યાહી બનાવવાનો પ્રોજેક્ટ હાથમાં લીધો. ત્યાં સુધીમાં તો બીજી ચૂંટણી પણ થઈ ગઈ હતી!
વર્ષ ૧૯૬૨માં ત્રીજા જનરલ ઈલેક્શનમાં આ સ્યાહીનો ઉપયોગ કરવામાં આવ્યો. ત્યારથી લઈને આજ સુધી સ્યાહીનો ઉપયોગ યથાવત્ છે. હવે મૂળ વાત એ છે કે મૈસૂર પેઈન્ટ્સ એન્ડ વાર્નિશનાં મૂળ મૈસૂર રાજવંશમાં પડેલાં છે. ૧૯૮૯ સુધી આ કંપનીનું નામ હતું ‘મૈસૂર લેક એન્ડ પેઈન્ટ’, હવે તે મૈસુર પેઇન્ટ્સ અને વાર્નિશ’ના નામે ઓળખાય છે. ૧૯૩૭માં કૃષ્ણરાજ વાડિયારે આ કંપનીની સ્થાપના કરી હતી. શરૂઆતમાં કંપની મધુનાશિની નામની વનસ્પતિના રંગોનો જ ઉપયોગ કરતી હતી. આઝાદી પછી આ કંપનીનો વહીવટ કર્ણાટક સરકારના હાથમાં આવ્યો. હાલ ટેન્ક, બસના રંગો પણ કંપની તૈયાર કરે છે. ભારત સહિત કુલ ૨૮ દેશની ચૂંટણીમાં આ સ્યાહીનો ઉપયોગ કરવામાં આવે છે.
સ્યાહીની બનાવટમાં સિલ્વર નાઈટ્રેટનો ઉપયોગ થાય છે. જેવી આંગળી પર આ સ્યાહી લગાવવામાં આવે કે થોડી જ સેક્ધડમાં એ સુકાઈ જાય છે. મૂળ તો સ્યાહીમાં ઉપયોગમાં લેવાયેલું સિલ્વર નાઈટ્રેટ હવાના સંપર્કમાં આવતાં જ ‘સિલ્વર ક્લોરાઈડ’માં રૂપાંતરિત થઈ જાય છે. એટલે સુકાઈ ગયેલી સ્યાહી જલદીથી ભૂંસી શકાતી નથી. આ સિવાય જ્યા સુધી નવી ચામડી ન આવે ત્યાં સુધી જતી નથી.
જ્યારે આંગળીમાં નવા કોષ બને જૂના કોષનો નાશ થાય ત્યારે જ જાય છે. જો કે મૈસુરની પ્રજા આજે પણ સ્યાહીને શ્રાપ સાથે જોડી દે છે. સ્યાહીના જનક કૃષ્ણરાજ વાડિયારનો પરિવાર ૨૮ રાષ્ટ્રના પ્રમુખથી લઈને પાલિકાની ચૂંટણીમાં સિંહાસન પર કોણ બિરાજશે તેની કામગીરીમાં મહત્ત્વની ભૂમિકા અદા કરે છે પરંતુ વાડિયાર પરિવારમાં પગલીના પાડનારને રાણી અલમેલમ્માનો શ્રાપ સતાવે છે.
૧૬૧૨માં તાલીકોટાના યુદ્ધ વખતે વિજયનગર સામ્રાજ્યનું પતન થયું અને મૈસૂર સ્વતંત્ર થયું હતું. વિજયનગરની રાણી અલમેલમ્મા જંગલમાં છુપાઈ જાય છે ત્યારે વાડિયાર રાજાના આદેશથી સૈન્ય રાણી અલમેલમ્મા પાસે આવે છે. રાણી પાસેનાં કીમતી ઘરેણાં, સોના-ચાંદીની માગણી કરે છે. દૈનિક રંગપટ્ટનમ રાજના કુળદેવી રંગનાયકીને ચડાવવામાં આવતાં ઘરેણાં આપવાનો અલમેલમ્મા ઇનકાર કરે છે. સૈન્ય ઘરેણાં લેવા માટે બળજબરી કરે છે. લાચાર અલમેલમ્મા આત્મહત્યા કરવા તત્પર થાય છે એ સમયે વાડિયાર રાજવંશને પુત્ર વિહોણો અને રાણીઓનો ખોળો હંમેશાં પુત્ર વિના સૂનો રહેવાનો શ્રાપ આપી અલમેલમ્મા કાવેરી નદીના ધમસમતા પ્રવાહમાં પ્રાણ ત્યાગી દે છે.
હવે રાણી અલમેલમ્માનો શ્રાપ ગણો કે કોઈ આનુવંશિક કારણ. એ સમયથી આજ સુધી મૈસૂરના વાડિયાર રાજાઓની દર બીજી-પેઢી પુત્ર સુખથી વંચિત રહી છે અને ઉત્તરાધિકારી તરીકે પિતરાઈ ભાઈ-બહેનનાં સંતાનોને દત્તક લેવા પડ્યાં છે. ચારસો વર્ષથી મંડરાઈ રહેલા એ શ્રાપનો ઓછાયો વાડિયાર રાજવંશ પર આજે પણ મંડરાઈ રહ્યો હોવાનું રાજ પરિવારના લોકો માને છે. આમ તો ‘મૈસૂર પેઇન્ટ્સ અને વાર્નિશ’ ‘મૈસૂર સેન્ડલ’ સાબુનું પણ ઉત્પાદન કરે છે. અને ચંદનની અસલ સુગંધ સાબુમાંથી મઘમઘે છે. છતાં તેનથી કોઈ ડરતું નથી. પરંતુ સ્યાહીથી ડરે છે. કારણ કે જયારે રાણી અલમેલમ્માએ શ્રાપ આપ્યો એ સમયે રાજાના હાથમાં મધુનાશિની વનસ્પતિ હતી અને આજે એ જ મધુનાશિનીના ઉપયોગથી સ્યાહીમાં વાદળી રંગનો નિખાર આવે છે. એટલે જ આજના કર્ણાટકમાં ચૂંટણી સમયે સ્યાહીનો મુદ્દો ટોક ઓફ ટાઉન હોય છે. રૂઢિગત વિચારોમાં જકડાયેલી પેઢી રાણી અલમેલમ્માની કિવંદતી સંભળાવીને સ્યાહીનો ઉપયોગ કરતા અટકવાવની રજૂઆત કરે છે.
એ લોકો પણ અજાણ હશે કે મધુનાશિની મૂળ તો ડાયાબિટીઝના દર્દીઓ માટે ઉપયોગમાં લેવાતી વનસ્પતિ છે. વિજ્ઞાને જેને સ્વીકૃતિ આપી છે એવી મધુનાશિની શ્રાપને સહન કરીને મતાધિકારનું મહત્ત્વ વધારે છે. લોકોની સેલ્ફીમાં કેદ થતી સ્યાહી આવા શ્રાપ સાથે જોડાયેલી છે. આમ તો મધુનાશિનીના સેવનથી મધુપ્રમેહ અટકે છે પરંતુ માનવીના મનમા ઉદ્ભવતા વહેમ ક્યારે અટકશે?