નાણાકીય વર્ષ 2022-23માટે ભારતીય રિઝર્વ બેંક(RBI)ની છેલ્લી મોનેટરી પોલિસીની આજે જાહેરાત કરવામાં આવી છે. RBI ગવર્નર શક્તિકાંત દાસે સવારે 10 વાગ્યાથી મોનેટરી પોલિસી કમિટી(MPC)ની મિટિંગ બાદ લીધેલા નિર્ણય અંગે માહિતી આપી હતી. જેમાં રેપો રેટમાં વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે. રેપો રેટના દરમાં 0.25 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. જેથી લોન ધારકોના EMI મોંઘા બનશે.
RBI ગવર્નર શક્તિકાંત દાસે આજે જાહેરાત કરી છે કે MPCએ રેપો રેટમાં 0.25 ટકાનો વધારો કર્યો છે. આ પછી રેપો રેટ વધીને 6.50 ટકા થઈ ગયો છે, જે પહેલા 6.25 ટકા હતો. MPCના 6માંથી 4 સભ્યોએ તેની તરફેણમાં મતદાન કર્યું હતું. રેપો રેટમાં સતત છઠ્ઠી વખત વધારો કરવામાં આવ્યો છે. આ રીતે, સતત 6 વખત દરમાં વધારો કરીને, RBIએ રેપો રેટમાં કુલ 2.50 ટકાનો વધારો કર્યો છે અને જે 6.50 ટકા પર આવી ગયો છે.
આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે વૈશ્વિક અર્થવ્યવસ્થામાં આવેલા ઉતાર-ચઢાવ અને ફુગાવાના આંકડા ભારતીય અર્થવ્યવસ્થાને પણ અસર કરી રહ્યા છે. ભારતીય અર્થવ્યવસ્થા ઝડપથી આગળ વધી રહી છે પરંતુ વૈશ્વિક પડકારો આપણી સામે છે અને તે મુજબ નિર્ણયો લેવા પડશે.
આરબીઆઈ ગવર્નરે કહ્યું કે નાણાકીય વર્ષ 2023 માટે ભારતનો GDP 7 ટકા રહેવાનો અંદાજ છે. નાણાકીય વર્ષ 2023-24માં ફુગાવાનો દર 4 ટકાની દરથી ઉપર રહેવાની શક્યતા છે. MSF રેટમાં 0.25 ટકાનો વધારો કરીને 6.75 ટકા કરાયો છે.