Homeધર્મતેજતપ અને સંયમ દ્વારા અંદર રહેલી સૂક્ષ્મ હિંસાને દૂર કરવી એનું નામ...

તપ અને સંયમ દ્વારા અંદર રહેલી સૂક્ષ્મ હિંસાને દૂર કરવી એનું નામ સાધના

અસત્યને પણ ટકી રહેવા માટે સત્યનો ચહેરો ધારણ કરવો પડે છે

જિનદર્શન -મહેન્દ્ર પુનાતર

ધર્મ એટલે તપ અને સંયમ. તપ અને સંયમ દ્વારા વૃત્તિઓને અંકુશમાં રાખી શકાય છે, પણ આ માટે તપ શું છે તે સમજવું જરૂરી છે. માત્ર ઉપવાસ કરવાથી કે ભૂખ્યા રહેવાથી તપ થઈ જતું નથી. જો આને તપ ગણાતું હોત તો દુનિયામાં એવા અસંખ્ય લોકો છે, જેમને ભોજન નસીબ થતું નથી તેઓ પણ તપસ્વી ગણાય. તપમાં ભોજનનો ત્યાગ કરવા ઉપરાંત વૃત્તિઓને અંકુશમાં રાખીને ધર્મ આરાધના કરવાની છે. આમાં દેખાવ નહીં પણ અંતરની ભાવના હોવી જોઈએ. ઉપવાસ કર્યા પછી કે તપ કર્યા પછી શું ઉપલબ્ધ થયું તેનું નિરીક્ષણ કરવાનું છે. તપ અને સાધના કર્યા પછી આપણામાં કશું પરિવર્તન ન આવે તો સમજવું કે આમાં કંઈક કચાશ છે. આ તપ અને સંયમનો ભાવ બહારથી થોપેલો નહીં પણ આંતરિક હોવો જોઈએ. સંયમ સમજણના પરિપાક રૂપે મનુષ્યને સહજ પણે ઉપલબ્ધ થાય ત્યારે તેમાં દીખાવટ રહેતી નથી એ મનુષ્યનો સ્વભાવ બની જાય.
અને કામ, ક્રોધ, લોભ અને મોહ એની મેળે દૂર થઈ જાય. જે વસ્તુ ઉપરથી લાદવામાં આવે છે અથવા સમજ્યા વગર, કરવા ખાતર કરવામાં આવે છે ત્યારે તેનું યોગ્ય પરિણામ ઊભું
થતું નથી.
જે વસ્તુને આપણે વધારે પડતી દબાવીએ તે મોકો મળતા વરાળની જેમ બહાર નીકળી જાય છે. તપ અને સંયમમાં હઠ, જીદ, દબાણ કે આગ્રહ કામયાબ નિવડે નહીં. દબાણ અને દેખાવ હોય ત્યારે માણસ વિભાજિત થાય છે. બહાર અને અંદર જુદું હોય છે. માણસ બહાર ધાર્મિક દેખાય છે પણ અંદર પોકળ.
કેટલાક લોકો પોતાની વૃત્તિઓને દબાવી દેવામાં કુશળ હોય છે. આ જાતનો સંયમ લાંબો સમય ટકતો નથી. ઉપરથી માણસ અહિંસક દેખાય, પરંતુ અંદર હિંસા અને આગ જલતી હોય. ઉપરથી માણસ શાંત અને વિનયી દેખાય, પરંતુ અંદર ક્રોધ ભભૂકતો હોય તો સમય આવ્યે અને બહાનું મળતા અંદર રહેલી આ વૃત્તિઓ બહાર આવ્યા વગર રહેતી નથી. વૃત્તિઓને સમજણપૂર્વક સાધના દ્વારા દૂર કરી શકાય. તેને દબાવી શકાય નહીં.
જેને સ્વયંનો આધાર ન હોય અને બીજાને સહારે રહેવાનું હોય તે વસ્તુ લાંબો સમય ટકતી નથી. અસત્યને પણ ટકી રહેવા માટે સત્યનો ચહેરો ધારણ કરવો પડે છે. તેમ અસંયમને ઊભા રહેવા માટે સંયમનું મોહરું પહેરવું પડે છે. સત્ય શબ્દોમાં નહીં પણ ભાવમાં રહેલું છે. શબ્દો ગમે ત્યારે બદલાવી શકાય છે.
વાતને છુપાવવી, સ્વાર્થ હોય ત્યારે સાચું બોલવું, બોલવાનું હોય ત્યારે ચૂપ રહેવું અને ચૂપ રહેવાનું હોય ત્યારે બોલવું એ પણ અસત્યનો એક ભાગ છે. જીવનમાં દંભ આવે છે ત્યારે સત્યનો આંચળો ઓઢીને અસત્ય ગોઠવાઈ જાય છે. મન જ્યારે વિભાજિત હોય ત્યારે સત્ય રહેતું નથી. સત્યનો પ્રભાવ છે એટલે સમાજ સાચા માણસોથી ડરે છે, પણ આ માટે અગ્નિ પરીક્ષામાંથી પસાર થવું પડે છે.
પાપ પણ પુણ્યનો ચહેરો લગાવીને જીતે છે. આ સંદર્ભમાં આપણે હિંસાને સૂક્ષ્મ સ્વરૂપમાં જોવી પડશે. હિંસા સૂક્ષ્મ સ્વરૂપે આપણી અંદર પ્રસરેલી છે. તે ક્રોધના રૂપમાં હોય, ધ્રુણાના કે તિરસ્કારના રૂપમાં હોય, કે મોહમાયાના આવરણ હેઠળ હોય. મનની અંદરના આ બધા કસાયો દૂર ન થાય ત્યાં સુધી આપણે સાચા અહિંસક બની શકે નહીં. આપણે પ્રથમ આપણી અંદર રહેલી હિંસાને દૂર કરવી પડશે.
આ હિંસા દૂર થશે તો પ્રેમ એની મેળે પ્રગટ થશે કોઈ પ્રત્યે દુર્ભાવ રહેશે નહીં. રાગ દ્વેષ નાબૂદ થશે. પ્રેમ હોય ત્યાં હિંસા સંભવિત નથી. ઉપરથી તપ અને સંયમ હોય પણ અંદર સૂક્ષ્મ હિંસા રહેલી હોય તો તેનો કોઈ અર્થ નથી. હું અને તું છે ત્યાં સુધી હિંસા રહેવાની છે. આ મારું અને આ તારું છે ત્યાં સુધી ઘૃણા અને તિરસ્કાર રહેવાનો છે. હિંસાના આ બધા ઈંધણો છે. આપણે કોઈને આપણા નહીં પણ બીજા સમજીએ ત્યાં સુધી અંદરની અહિંસા દૂર થવાની નથી. બીજાને પોતાના સમજવાની જે ક્ષણો છે તે પ્રેમની ક્ષણો છે.
મનુષ્ય મોટેભાગે પોતાના પર વધુ હિંસા કરતો હોય છે. માણસ પોતાની જાતને જેટલું દુ:ખ આપે છે દમન કરે છે એટલું ભાગ્યે જ બીજા કોઈ સાથે કરે છે. માણસ ક્રોધ કરે છે બીજા પર અને ખુદ પરેશાન થાય છે. કોઈને સતાવવા માટે આપણે રિબાવું પડે છે. કોઈને બંધનમાં રાખવા આપણે ગુલામ બનવું પડે છે. ક્રોધ શાંત બનીને થઈ શકતો નથી. અંદરથી ઊકળવું પડે છે.
અંદરથી જલન થાય છે ત્યારે આગ પ્રગટે છે. જેમણે હિંસા પ્રત્યે જાગ્રત થવું હોય તેમણે પ્રથમ પોતાના પરની હિંસામાંથી બચવું પડશે. અંદરથી જ્યાં સુધી પરિવર્તન ઊભું નહીં થાય ત્યાં સુધી બહાર પ્રભાવ પડવાનો નથી. મોટાભાગના માણસો દંભનો આંચળો લગાવીને બેઠા હોય છે. માણસને સારા સજજન દેખાવું છે પણ બનવું નથી. અને પુણ્યશાળી બનવું છે પણ પાપ છોડવા નથી. દયાને કરુણાનો સાચો ભાવ નથી. દુનિયાને બતાવવા માટે જે કંઈ થાય તે સાચો ધર્મ નથી.
જીવનમાં કોઈપણ વસ્તુ અતિ સારી નથી. અતિ લોભ, અતિ ક્રોધ, અતિ ભોજન, અતિ નિન્દ્રા અને અતિ ધન ક્યાં ય અને ક્યાંય મુશ્કેલી ઊભી કરે છે. મહાવીરનો અહિંસાનો અર્થ છે આપણે એવી રીતે જીવીએ કે આપણી હસ્તીનો ખ્યાલ ન આવે. આપણે કાંઈક છીએ તેવો ખ્યાલ જ જીવનના તમામ ઉપદ્રવોનું કારણ છે. માણસને બહાર દેખાવું છે એટલે દંભ અને દેખાવનો મુખવટો ધારણ કરવો પડે છે.
સમગ્ર જીવન બે અતિ પર અટવાયેલું છે. આપણું મન એક અતિ પરથી બીજા અતિ પર જલદીથી સરકી જાય છે. એટલે ઘડીક દોસ્તી ઘડીક દુશ્મની, ઘડીક પ્રેમ તો ઘડીક ક્ષમાની લાગણી અને ભાવો ઊભા થયા
કરે છે.
મહાવીર ભગવાનનો ઉપદેશ તમામ આયામોમાં સંતુલન જાળવવાનો છે. આ માટે સમ્યક્ શબ્દના ભાવને સમજવાની જરૂર છે. સમ્યક્ એટલે કાંઈ વધુ નહીં, કાંઈ ઓછું નહીં. બધું પર્યાપ્ત. બધું પ્રમાણસર થાય તો મુશ્કેલી રહેશે નહીં. જીવનમાં જે કંઈ બને તે સ્વાભાવિક રીતે બનતું રહે બધી વસ્તુઓનો સ્વીકાર. દુ:ખ આવે કે સુખ બંનેને સમાન આવકાર. કોઈને પકડવાની કે છોડવાની વાત નહીં. અસ્તિત્વનો નિયમ છે જે વસ્તુને આપણે પકડી રાખીશું તે છટકી જશે અને જેને દૂર કરવાનો પ્રયાસ કરીશું તે વળગી રહેશે. દુ:ખને ઓછું કરવાનો સરળ ઉપાય છે તેનો સહજતાથી સ્વીકાર.
ધર્મ કહે છે તમે શું કરો છો તેના કરતાં તમે કેવા છો તેનું વધુ મહત્ત્વ છે. સારા હશો તો સારું કરશો. તમારી પાસે શું છે તેનું નહીં પણ તમારું આચરણ કેવું છે તેનું વધુ મહત્ત્વ છે. જીવનમાં તપ, સંયમ અને સંતુલન હશે તો મન સ્થિર અને શાંત રહેશે. અને કોઈ સમસ્યા આપણને પરેશાન કરી શકશે નહીં. અતિ પરથી ઊતરી જઈએ અને મધ્યમ માર્ગ અપનાવીએ તો બધું સરળ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -