કુસ્તીબાજોના વિરોધ પ્રદર્શનનું સાચુ કારણ સામે આવ્યું
રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ બ્રિજ ભૂષણ શરણ સિંહ સામે ધરણા પર બેઠેલી મેડલ વિજેતા કુસ્તીબાજ વિનેશ ફોગાટનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં વિનેશ ફોગાટ મીડિયાને કહેતી જોવા મળી રહી છે કે વિરોધમાં સામેલ તમામ ખેલાડીઓ સીધા ઓલિમ્પિકમાં જ રમવા જશે. તેઓ નેશનલ ગેમ્સમાં નહીં રમે. વિનેશ ફોગાટનો આ વીડિયો વાઇરલ થયા બાદ નેટિઝન્સમાં ચર્ચા છે કે કુસ્તીબાજોનો વિરોધ નકામો છે. એમને નેશનલ લેવલ પર રમવું જ નથી અને કોઇ પણ રાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લીધા વિના સીધા ઑલિમ્પિક માટે જ ક્વોલિફાય થઇ જવું છે.
વિનેશ ફોગાટે તાજેતરમાં મીડિયા સાથે વાત કરતા આ વિચારો રજૂ કર્યા હતા. તેણે એમ પણ કહ્યું હતું કે દરેક રાજ્યનું એક ફેડરેશન હોય છે અને હરિયાણામાં પણ આવું જ એક ફેડરેશન બનાવવામાં આવ્યું છે. નોંધનીય છે કે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ બ્રિજ ભૂષણ શરણ સિંહ યુપીના છે, તેથી કદાચ હરિયાણાના કુસ્તીબાજો તેમનો વિરોધ કરી રહ્યા છે, એવો પણ નેટિઝન્સનો ગણગણાટ સાંભળવા મળી રહ્યો છે.
કુસ્તીબાજોના વિરોધ પ્રદર્શનનો ચહેરો બની ચૂકેલી વિનેશ ફોગાટ સતત વિવાદોમાં રહે છે. અગાઉ તેણે ક્રિકેટરોના મૌનનો મુદ્દો ઉઠાવ્યો હતો. કુસ્તીબાજ વિનેશ ફોગાટે કહ્યું હતું કે ભારતીય રમતપ્રેમીઓ ક્રિકેટની પૂજા કરે છે અને ક્રિકેટરોને ભગવાન માને છે પરંતુ તેઓ કુસ્તીબાજોના શોષણ મુદ્દે પોતાનો અભિપ્રાય આપવાનું ટાળી રહ્યા છે. વિનેશ ફોગાટે તો એમ પણ કહ્યું હતું કે ક્રિકેટરો તેને ટેકો આપતા ડરે છે.
ત્રણ વખતની કોમનવેલ્થ ગેમ્સની સુવર્ણચંદ્રક વિજેતા વિનેશ ફોગાટે ભૂતપૂર્વ ટ્રેક અને ફિલ્ડ એથ્લેટ પી. ટી. ઉષાની ટિપ્પણી પર પણ નારાજગી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે તેમણે ખેલાડીઓને મળવું જોઈતું હતું અને તેમની સાથે વાત કરવી જોઈતી હતી. તેણે કહ્યું, “જ્યારે દેશના ઓલિમ્પિક મેડલ વિજેતાઓ રસ્તા પર બેસીને વિરોધ કરી રહ્યા છે, ત્યારે મને લાગે છે કે પીટી ઉષા મેમે અમારી પાસે આવવું જોઈએ. તેમણે પૂછવું જોઈએ કે અમે શા માટે આંસુ વહાવી રહ્યા છીએ. લોકશાહી દેશના નાગરિક હોવાના કારણે તે અમારો પણ અધિકાર છે અને જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે, ત્યાં સુધી અમે લોકશાહી દેશના નાગરિક તરીકે વિરોધ કર્યા જ કરશું, અમે અહીં જ રહીશું.”
નોંધનીય છે કે પુનિયા, વિનેશ અને સાક્ષી મલિક જેવા જાણીતા કુસ્તીબાજો રવિવારથી રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના પ્રમુખ બ્રિજ ભૂષણ શરણ સિંહ સામે વિરોધ પર બેઠા છે. કુસ્તીબાજોએ બ્રિજ ભૂષણ શરણ સિંહ પર જાતીય શોષણ જેવા ઘણા ગંભીર આરોપો લગાવ્યા છે અને તેઓ માંગ કરે છે કે ઉત્તર પ્રદેશના બાહુબલી નેતાને અધ્યક્ષ પદેથી હટાવવા જોઈએ અને તેમની સામેના તમામ આરોપોની તપાસ થવી જોઈએ.
વિનેશે કહ્યું કે આ મામલો હવે સુપ્રીમ કોર્ટમાં છે અને તેને કાયદામાં પૂરો વિશ્વાસ છે. “અમને ફક્ત સુપ્રીમ કોર્ટમાં વિશ્વાસ છે. અમે ન્યાયની રાહ જોઈ રહ્યા છીએ. જે પણ વ્યક્તિ ન્યાય અપાવશે … પછી તે ઉષા હોય કે અન્ય કોઈ હોય, તે અમારા માટે ભગવાન હશે. એવું નથી કે અમે તેમની સાથે વાત કરી નથી,” મેં પી. ટી. ઉષાને તેના અંગત ફોન નંબર પર ફોન કર્યો હતો. પરંતુ કોઇએ મારા કોલનો જવાબ આપ્યો ન હતો. તે રમતવીરોની ભાવનાઓનું સન્માન કરતી નથી. જો તેને સન્માન જોઈતું હોય તો તેણે લોકોનું પણ સન્માન કરવું જોઈએ.”
વિનેશે એમ પણ કહ્યું હતું કે, “કોઈ પણ એથ્લીટ રસ્તા પર બેસીને ખુશ નથી. ન તો આપણે અહીં બેસીને ચેમ્પિયન બની રહ્યા છીએ. બ્રિજ ભૂષણ વિરુદ્ધ બોલવાની કોઈની હિંમત નથી. એથ્લેટ્સે આગળ આવીને તેની વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો છે. અમે જાણીએ છીએ કે અમારા માટે ભવિષ્ય કઠિન બનવાનું છે. આખી સરકાર તેને બચાવવાનો પ્રયાસ કરી રહી છે.”
વેલ, હવે આ મુદ્દે બ્રિજ ભૂષણ શરણ સિંહ સામે એફઆઇઆર નોંધવામાં આવેલી છે. આપણે થોડો સમય રાહ જોઇએ અને સચ્ચાઇ સામે આવી જ જશે.