સેલ્યુલોઈડ મેનની સફરના થોડા અજાણ્યા આર્કાઈવ્ઝ
શો-શરાબા -દિવ્યકાંત પંડ્યા
ફિલ્મ આર્કાઇવીસ્ટ પી. કે. નાયર આજે જીવિત હોત તો તેમણે સ્થાપેલી એનએફએઆઈ સંસ્થાને એનએફડીસીમાં વિલીન થવા દેત ખરા? થોડા જ દિવસ અગાઉ લેવાયેલા આ નિર્ણય અને પી. કે. નાયરના ભારતીય સિનેમા જગતમાં આર્કાઇવીસ્ટ તરીકેના યોગદાન પર આપણે ગયા સપ્તાહે વાત કરી રહ્યા હતા. જૂની ફિલ્મ્સની રિલ્સ મેળવવા તેમણે કરેલી મહેનતથી મોટાભાગના સિનેપ્રેમીઓ અજાણ છે. તેમની એ મહેનત દરમિયાન તેમને જાણવા મળ્યું કે એક માઈલસ્ટોન ફિલ્મની રિલ્સમાંથી તો રંગીન બંગડીઓ બનાવી દેવામાં આવી હતી. કઈ હતી એ ફિલ્મ? એ ફિલ્મ એટલે ભારતની પહેલી બોલતી ફિલ્મ ‘આલમ આરા’ (૧૯૩૧). હા, આપણા દેશની પ્રથમ સંવાદો ધરાવતી ફિલ્મ એક લોસ્ટ ફિલ્મ છે, જેની કોઈ જ પ્રિન્ટ કે રેકોર્ડિંગ આપણી પાસે મોજૂદ નથી. ‘આલમ આરા’ માટે પી. કે. નાયર ફિલ્મના નિર્માતા અર્દેશીર ઈરાની પાસે ગયા હતા. તેમને આશા હતી કે તેમની પાસેથી કંઈક બચેલું મટિરિયલ મળી જશે. પણ અર્દેશીર ઈરાની સાથે વાત કરતા ખબર પડી કે તેમના દીકરાએ તો ફિલ્મની પ્રિન્ટ્સ વેચી કાઢી છે. એ વખતે ફિલ્મની પ્રિન્ટ્સમાં સેલ્યુલોઈડ સ્ટ્રીપ્સ પર નાઈટ્રેટ કોટિંગ આવતું ને એમાં હોતું સિલ્વર. એને રિસાયકલ કરીને તેમાંથી બંગડીઓ બનાવી શકાતી. ‘આલમ આરા’ના પણ એ જ હાલ થયા હતા. જો કે ફિલ્મની ઈમેજીસ અને પોસ્ટર્સ હાથવગા કરવામાં પી. કે. નાયર સફળ રહ્યા છે. પણ બીજી કરુણા ખબર છે? આલમ આરાનો અર્થ થાય છે દુનિયાભરના ઘરેણાં. એ ટ્રેન્ડસેટર ફિલ્મની નિયતિ પણ કમનસીબે આખરે ઘરેણાંમાં જ સમાઈ!
પી. કે. નાયરની આર્કાઈવ માટેની આ બધી જહેમત વિશેના બે મુખ્ય સ્ત્રોતમાંનો એક એટલે પી. કે. નાયરને ગુરુ માનતા શિવેન્દ્ર સિંઘ ડુંગરપુરની ૨૦૧૩ની ડોક્યુમેન્ટ્રી સેલ્યુલોઈડ મેન’ (આનો ઉલ્લેખ આપણે આ કોલમમાં પહેલાં કરી ચૂક્યા છીએ). ૨૦૧૩માં ભારતીય સિનેમાના ૧૦૦ વર્ષની પૂર્ણાહુતિ વખતે જોરશોરથી બોલીવૂડ દ્વારા ‘બોમ્બે ટોકીઝ’ એન્થોલોજી બનાવવામાં આવી હતી. પણ દાદાસાહેબ ફાળકેની પ્રથમ ફિલ્મ ‘રાજા હરિશ્ર્ચન્દ્ર’ની ૩ મે, ૧૯૧૩ની રિલીઝના બરાબર સો વર્ષે એટલે કે ૩ મે, ૨૦૧૩ના દિવસે રિલીઝ થયેલી હકદાર ‘સેલ્યુલોઇડ મેન’ વિશે બહુ ઓછા લોકો જાણે છે. ને બીજો સ્ત્રોત એટલે પી. કે. નાયરે લખેલા નિબંધોનું પુસ્તક ‘યેસ્ટરડેસ ફિલ્મ્સ ફોર ટુમોરો’ (૨૦૧૭). પી. કે. નાયરે ‘રાજા હરિશ્ર્ચન્દ્ર’ની પહેલી રિલ મેળવી છે દાદાસાહેબની પુત્રી મંદાકિની પાસેથી અને ચોથી રિલ મેળવી છે પુત્ર નીલકંઠ પાસેથી. ફિલ્મની બીજી અને ત્રીજી રીલ હજુ મિસિંગ જ છે. અને ભારતીય સિનેમાનો પાયો નાખનાર પ્રણેતા અને ફાધર ઓફ ઈન્ડિયન સિનેમા’ દાદાસાહેબ ફાળકે ચોક્કસ જ મહાન છે, પણ તેમની મહાનતા જગત સામે મૂકવામાં એકાદ ટકા ફાળો તો પી. કે. નાયરનો ખરો જ! કેમ કે દાદાસાહેબની ફિલ્મ્સ તેમણે શોધી કાઢી છે અને લોકો સમક્ષ તેમના પ્રદાનને વધુ ચમકાવ્યું છે. દાદાસાહેબના નાના પુત્ર પ્રભાકર સાથેની પી. કે. નાયરની મુલાકાત પણ ખૂબ જ ફળદાયી નીવડી છે. તેમની પાસેથી ધાર્યા બહારનો ખજાનો હાથ લાગ્યો છે. શ્રીકૃષ્ણ પર આધારિત ફિલ્મ ‘કાલીયા મર્દન’ (૧૯૧૯) પણ તેમને ત્યાં જ મળી હતી. આ દાદાસાહેબની એકમાત્ર એવી ફિલ્મ છે કે જે લગભગ આખી બચી છે. પણ એ પાછળ પી. કે. નાયરની ધગશ રહેલી છે. પ્રભાકરે પી. કે. નાયરને રિલના ટુકડાઓનું એક લાકડાનું બોક્સ આપ્યું હતું. એ ટુકડાઓને પી. કે. નાયરે દાદાસાહેબની એક ડાયરીના આધારે સાચી શ્રેણીમાં જોડીને એ ફિલ્મ પૂરી કરી છે. ફિલ્મ્સ કલેક્ટ કરવાનું આ કાર્ય અઘરું હતું. દરેક વખતે ફેમિલી મેમ્બર્સ પાસેથી ફિલ્મ મળી જાય એવું બનતું નહોતું. પણ પી. કે. નાયર તો બચપણથી કલેકટર હતા. ચીજવસ્તુઓ શોધવી, ભેગી કરવી ને તેને સાચવવી એ તેમની બચપણની પસંદગીની પ્રવૃત્તિ હતી. તેઓ નાના હતા ત્યારે ટિકિટ સ્ટબ્સ, વેઈટ મશીનની ટિકિટ્સ, લોબી કાર્ડ્સ વગેરે સાચવતા હતા. મોટા થઈને પણ એમણે એ જ કાર્ય કર્યું, બસ વધુ મહત્ત્વની ચીજ માટે, મોટા સ્તરે અને ઉચ્ચતર હેતુ સાથે! રિલ્સ મળ્યા પછીનું કામ એ શોધવા જેટલું જ મહત્ત્વનું, થકવી દેનારું અને સમય ખર્ચનારું હોય છે. આ કિસ્સાથી તેનો પાક્કો અંદાજ તમને મળશે. કેદાર શર્માની ૧૯૪૧ની ફિલ્મ ચિત્રલેખા’ પી. કે. નાયરને કોલકાતાના એક ગાયના તબેલામાં મળી હતી, બોલો! પણ એ મળ્યા પછી પી. કે. નાયર અને એનએફએઆઈની ટીમે જે મહેનત કરવી પડી હતી એ સલામને કાબિલ છે. વાંચો તેમના જ શબ્દોમાં- ‘કોલકાતાથી રિલ્સ પુણે લઇ આવ્યા ને જોયું તો એ બધી જ એકબીજા સાથે ચોંટીને પથ્થર જેવી બની ગઈ હતી. જયારે અમે તેને એક પછી એક સ્તરથી છૂટી પાડવાની કોશિશ કરી ત્યારે એ તૂટવા લાગી અને ભુક્કો બની જવા લાગી. એ ફિલ્મને રીસ્ટોર કરવા અમારે ખૂબ ધીરજથી કામ લેવું પડ્યું. પહેલાં તો થોડા દિવસ અમે રિલને તડકામાં રાખી. પછી અમે વધુ ભેજ શોષવા એક ડેસિકેટર મતલબ કે ગ્લાસ ક્ધટેનરમાં રાખી. ખૂબ કઠણ બની ગયેલી રીલને અમે હૂંફાળા ગરમ પાણીની વરાળ ઉપર રાખી કે જેથી એ પહોળી થઈને છૂટી પડે. પછી જ્યાં સુધી દરેકે દરેક સ્તર નોખું ન પડ્યું ત્યાં સુધી અમે તેના પર વાઈન્ડર ચલાવ્યું. પણ એમાં ચાર કે પાંચ ફ્રેમ્સ પીળી પડીને ખરાબ થઈ ગયેલી જોવા મળી. અમારે ના છૂટકે તેને હટાવીને તેની જગ્યાએ બ્લેન્ક ફ્રેમ્સ ગોઠવવી પડી. એ રિલ્સ નેગેટીવ્ઝ હતી. એક ફિલ્મ ચેકરને એ પછી ખાસ આ જ રીપેર વર્ક માટે લગાડ્યો તો તેને ફક્ત એક રિલ પાછળ મહિનાથી પણ વધુ સમય આપવો પડ્યો. આ કામ એટલું અઘરું અને નીચોવી નાખનારું હતું કે અમે સારી ફ્રેમ્સને એક પછી એક કોપી તો કરી પણ માત્ર એક જ રિલ પૂરી કરી શક્યા અને બાકીની પછી માટે રાખવી પડી. ‘ચિત્રલેખા’ની એ રીપેર માટે બાકી રાખેલી રિલ્સ દુર્ભાગ્યે જાન્યુઆરી ૨૦૦૩માં એનએફએઆઈમાં આગ લાગી તેમાં સ્વાહા થઈ ગઈ!’
વિકસાવેલી પ્રોફેશનલ તકનીકો પણ કામ ન લાગે ત્યારે ફિલ્મના પેશન માટે ઘરેલુ તકનીકો અજમાવીને પણ પી. કે. નાયર સિનેમાની એક-એક ફ્રેમને બચાવી લેવા મચી પડતા હતા. શોધવાની અને બચાવવાની એ મહેનત પછી પણ તેમને નજર સામે ફિલ્મ્સની રિલ્સને ભુક્કો થઈ જતી, નુકસાન પામતી, વળી જતી, ચોંટી જતી, તૂટીને વેરવિખેર થઈ જતી ને કાયમ માટે બરબાદ થઈ જતી જોવાનું અને સહેવાનું નસીબમાં આવ્યું છે! પણ સિનેમા પ્રત્યેના પ્રેમમાં તેમણે એથી કેટલાય ગણું વધુ સાચવીને નવી પેઢીના દર્શકોના નસીબમાં આપ્યું છે. અરે! દર્શકો જ શું કામ, આપણી એક મહાન અને પ્રિય ફિલ્મના લીડ એક્ટરનું પોતાની એ ફિલ્મ પ્રથમ વખત જોવાનું છેક ૧૮ વર્ષે પી. કે. નાયરના કારણે શક્ય બન્યું છે. ખબર છે તમને? નહીં? ઓહ સોરી! પણ આ વિશેની ગોઠડી હવે આપણે આવતા સપ્તાહે જ માંડવી પડશે! (ક્રમશ:)
——
લાસ્ટ શોટ
કાલીયા મર્દન’ (૧૯૧૯) ફિલ્મમાં દાદાસાહેબની સાત વર્ષની પુત્રી મંદાકિનીએ શ્રીકૃષ્ણનું પાત્ર ભજવ્યું છે!